આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોતો ઝટકો આપ્યો છે. પીએમ મોદી માનહાનિ કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ગુનાહિત માનહાનિના કેસમાં સમન્સ રદ કરવાનું નકારતા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. આ મામલો પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત પરની તેમની ટિપ્પણી પર માનહાનિના કેસમાં સમન્સ રદ કરવાનો નકારાયો હતો. જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની ખંડપીઠે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની એક અલગ બેન્ચે 8 એપ્રિલે આ જ કેસમાં AAP નેતા સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે, આપણે સાતત્યપૂર્ણ અભિગમ અપનાવવો જોઈએ.
16 ફેબ્રુઆરીના રોજ, ગુજરાત હાઈકોર્ટે સિંહ અને કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેઓએ કેસમાં તેમની સામે જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરી હતી. બંને નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ અને સેશન્સ કોર્ટના સમન્સ સામેની તેમની રિવિઝન અરજીને ફગાવી દેવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
24 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ મોદીની ડિગ્રી સંબંધિત માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો હતો. કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને ગેરકાયદે ગણાવીને પડકાર્યો હતો. કેજરીવાલ તરફથી સમન્સ ફગાવવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની માંગ ફગાવી દીધી હતી. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને કેસને બરતરફ કરવાની માંગ કરી હતી.
મેટ્રોપોલિટન કોર્ટે 15 એપ્રિલે કેજરીવાલ અને સંજય સિંહને વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગેના તેમના ‘વ્યંગાત્મક’ અને ‘અપમાનજનક’ નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પ્રથમ સમન્સ જારી કર્યા હતા. AAP નેતાઓએ સમન્સને પડકારતી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી. પરંતુ રાહત ન મળતાં તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.