સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વ્યક્તિના દરેક સંસાધનને સમુદાયિક ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય નહીં. જજોની બંધારણીય બેન્ચે મંગળવારે આ નિર્ણય 7-1થી આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના તેમના સાથી ન્યાયાધીશો સાથે મોટાભાગે સંમત જણાયા પરંતુ, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અન્ય જજો સાથે અસંમત હતા. આ 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચનો નિર્ણય છે, જેણે 1978 થી અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયોને પલટી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં 9 જજોની બેંચે દાયકાઓ જૂના આ વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ વર્ષે 1 મેના રોજ સુનાવણી કર્યા પછી ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ચુકાદો આપતી વખતે, CJI ડી. વાય. ચંદ્રચુડે કહ્યું, ‘ત્રણ ચુકાદા છે, મારા અને 6 જજોના… જસ્ટિસ નાગરત્ના આંશિક રીતે સહમત અને જસ્ટિસ ધૂલિયાની અસંમતિ. અમારું માનવું છે કે કલમ 31C કેશવાનંદ ભારતી કેસમાં તે હદ સુધી યથાવત રાખવામાં આવી છે તે હદ સુધી યથાવત રાખી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે એ માનવું ખોટું છે કે વ્યક્તિના તમામ અંગત સંસાધનો સમુદાયના ભૌતિક સંસાધનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યની જગ્યાએ સમુદાય શબ્દનો ઉપયોગ કેટલાક ખાનગી સંસાધનોનો ઉપયોગ સૂચવે છે. CJIએ કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે માત્ર ઉત્પાદનના સાધનો જ નહીં પરંતુ માલસામાન પણ કલમ 39(B)ના દાયરામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે સરકાર તમામ ખાનગી મિલકતો હસ્તગત કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે 1978 પછીના એ ચુકાદાઓને ઉથલાવી દીધા છે જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને કહ્યું હતું કે સરકાર સામાન્ય કલ્યાણ માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે.
આજે સુપ્રીમ કોર્ટ પ્રાઈવેટ પ્રોપર્ટી કેસમાં કુલ 16 અરજીઓ પર ચુકાદો આપ્યો. જેમાં મુખ્ય અરજી મુંબઈના મિલકત માલિકોના સંગઠનની હતી. આ અરજીમાં મહારાષ્ટ્રમાં 1986માં બનેલા કાયદામાં કરાયેલા સુધારાને પડકારવામાં આવ્યો છે, જેમાં ખાનગી ઈમારતોને હસ્તગત કરવાનો અધિકાર, સમારકામ અને સુરક્ષા માટે તેને હસ્તગત કરવાનો અધિકાર સામેલ છે. અરજદારનું કહેવું હતું કે કાયદામાં કરવામાં આવેલો આ સુધારો ભેદભાવપૂર્ણ છે. ખાનગી મિલકતો કબજે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યારે મહારાષ્ટ્ર સરકારનું કહેવું હતું કે આ સુધારો બંધારણ મુજબનો છે.