આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા સત્તાધારી આમ આદમી પાર્ટીની સાથે વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ભાથામાંથી તીર છોડવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ જો સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. AAPએ તેનું નામ ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ રાખ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા સોમવાર 23 ડિસેમ્બરથી આ યોજના માટે નોંધણી પણ શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી દરમિયાન તેની સહયોગી રહેલી કોંગ્રેસે AAP વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. આ યોજના સામે કોંગ્રેસ પોલીસ સ્ટેશન પહોંચી છે અને ગંભીર કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર અનેક આરોપો લગાવ્યા છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, આમ આદમી પાર્ટી પર દિલ્હીના મતદારોને રીઝવવા માટે ખોટી અને ભ્રામક યોજનાઓનો આશરો લેવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધારી આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો અને ધારાસભ્યો આ યોજનાના નામે સામાન્ય લોકોની અંગત માહિતી એકત્ર કરી રહ્યા છે. એટલું જ નહીં OTP વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પબ્લિક નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિલ્હી સરકારના વિભાગમાં આવી કોઈ યોજના નથી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આવી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ FIR નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ગંભીર કલમોનો ઉલ્લેખ
દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. આ સેક્શન ગુનાહિત વિશ્વાસભંગ સાથે જોડાયેલો છે. આ કલમ હેઠળ વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 317નો પણ ઉલ્લેખ છે. આ સેક્શન ચોરાયેલી સંપત્તિ સંબંધિત ગુનાઓ સાથે સંલગ્ન છે. આ કલમ હેઠળ અપ્રમાણિકપણે ચોરીની મિલકત મેળવવા અથવા રાખવા માટે સજાની જોગવાઈ છે. જો આરોપી દોષી સાબિત થાય તો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
22 લાખ મહિલાઓની નોંધણીનો દાવો
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે 25 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સન્માન યોજના હેઠળ દિલ્હીમાં સૌથી વધુ નોંધણી કરવામાં આવી હતી. પાર્ટીએ દાવો કર્યો છે કે માત્ર બુધવારે જ લગભગ 10 લાખ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 22 લાખ મહિલાઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે.