રાજીવ ગાંધીના મિત્ર અને દેશમાં માહિતી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા સામ પિત્રોડા ઉર્ફે સત્યનારાયણ વિશ્વકર્મા યુપીએ સરકારમાં નોલેજ કમિશનના અધ્યક્ષ પણ હતા અને વર્તમાનમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નજીકના ગણાતા તથા ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ સામ પિત્રોડાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં પરાજય સાથે ફરી એકવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે ખુલાસો કરશે કે કેવી રીતે તેને પોતાની અનુકૂળતા મુજબ નિયંત્રિત કરી શકાય છે અને તેમાં કેવી રીતે દખલગીરી શક્ય છે. સામ પિત્રોડાનું કહેવું છે કે તમારી અનુકૂળતા મુજબ ઈવીએમને નિયંત્રિત કરી શકાય છે. તેમાં હસ્તક્ષેપ શકય છે.
સામ પિત્રોડાએ કહ્યું કે રાજકીય પક્ષોએ ઈવીએમ સામે આંદોલન ચલાવવું જોઈએ. સહી ઝુંબેશ હાથ ધરવી જોઈએ. જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. જરૂર પડશે તો યુવાનોએ રસ્તા પર ઉતરીને આનો વિરોધ કરવો જોઈએ. રાજકીય પક્ષોએ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવો જોઈએ.
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે જ્યારથી VVPAT મશીનને EVM મશીન સાથે લિંક કરવામાં આવ્યું ત્યારથી ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતું EVM મશીન એક જ મશીન નથી રહ્યું તેની સાથે VVPAT એક અલગ ઉપકરણ છે, જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે. VVPAT ને EVM સાથે જોડવા માટે ખાસ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેને SLU કહેવામાં આવે છે. આ SLU ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
તેમણે કહ્યું કે SLU કનેક્ટર VVPATમાં જ બતાવે છે કે બીજેપીને કયા બટનથી વોટ મળ્યો, કોંગ્રેસને કયા બટનથી વોટ મળ્યો અને બીજાને કયા બટનથી વોટ મળ્યો. તે મતદાન પહેલાં પ્રોગ્રામ કરવામાં આવે છે. SLU ઉમેર્યા પછી, EVM હવે એકલા મશીન નથી. જેમાં તમામ પ્રકારના કામો કરી શકાશે જેની વાત કરવામાં આવી રહી છે. તેથી, અમે ઈચ્છીએ છીએ કે VVPATમાંથી જે સ્લિપ નીકળે છે તે થર્મલ પ્રિન્ટરમાંથી બહાર આવે અને તેને થોડા અઠવાડિયા માટે જ સુરક્ષિત રાખી શકાય. તેની જગ્યાએ, આવા પ્રિન્ટરનો ઉપયોગ કરવો જોઈએ, જેના દ્વારા જારી કરાયેલ સ્લિપને આગામી 5 વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ સ્લિપ માત્ર થોડા સમય માટે મતદારને બતાવવી જોઈએ નહીં, પરંતુ એક કાગળ પર પ્રિન્ટ કરીને તેને આપવી જોઈએ, જેને તે અલગથી રાખવામાં આવેલા બોક્સમાં વોટ તરીકે આપી શકે છે. આ બોક્સ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે જોડાયેલું ન હોવું જોઈએ. તે પછી બોક્સમાં નાખવામાં આવેલી વોટ સ્લીપની ગણતરી કરવી જોઈએ.
પિત્રોડાએ કહ્યું કે એક પ્રોફેશનલ હોવાને કારણે તેઓ કહી રહ્યા છે કે તે જરૂરી નથી કે છેડછાડ થઈ હોય, પરંતુ તેમને “પૂરી શંકા છે કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે”. તેમણે આગળ ઉમેર્યું કે, “હું સ્વીકારી નથી શકતો કે EVM માં બધુ બરાબર છે. EVM ઉપર વિશ્વાસને લઈને સમસ્યા સર્જાઈ છે,” તેમણે કહ્યું.
તેમણે કહ્યું કે મેન રાહુલ ગાંધી સાથે આ અંગે ચર્ચા કરી છે અને તે ઈવીએમના મુદ્દે ગંભીર છે. એ સ્વીકારવું શકય નથી કે 2019ની લોકસભા ચૂંટણીમાં EVM સાથે ચેડાં કર્યા વિના રાહુલ અમેઠીથી લોકસભા ચૂંટણી હારી ગયા. હું ટૂંક સમયમાં ટેકનિકલ નિષ્ણાતોની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાની સામે EVM પર પ્રેસ કોન્ફરન્સ કરવાનું આયોજન કરી રહ્યો છું.