ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને કારણે આજે પંજાબમાંથી પસાર થતી 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
પંજાબના ખેડૂતોએ આજે ’પંજાબ બંધ’નું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેન, બસ, પેસેન્જર વાહનો અને રસ્તાઓ બંધ રહેશે. તેથી આજે પંજાબ જવાનું વિચારી રહેલા અથવા પંજાબમાંથી પસાર થતી કોઈપણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ એકવાર તપાસ કરી લેવી જોઇએ કે તેમની ટ્રેન રદ થઈ છે કે નહીં? ખેડૂતોએ આજે પંજાબમાં રેલ્વે ટ્રેક સહિત ટ્રાફિકને જામ કરી દેવાની ચેતવણી આપી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રોડ અને રેલ વ્યવહાર બંધ રહેશે. જેના કારણે અંબાલા-દિલ્હી રેલ્વે લાઇન પર દોડતી લગભગ 18 એક્સપ્રેસ ટ્રેનો સહિત ઉત્તર પ્રદેશના રસ્તે પંજાબ જતી 150 થી વધુ ટ્રેનો રદ થયાના સમાચાર છે. ખેડૂતોએ આપેલા બંધના એલાનને કારણે ઉત્તર રેલવેની 200થી વધુ ટ્રેનોને અસર થશે.
ખેડૂતો આજે રેલવે ટ્રેક પર ઉતરી શકશે. જેના કારણે પંજાબ આવતી ટ્રેનો માટે પસાર થવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં દિલ્હી, હરિયાણા, યુપી અને આસપાસના રાજ્યોમાંથી પંજાબ આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે ખેડૂતોના પંજાબ બંધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ નવી દિલ્હી-પંજાબ રૂટ પર 18 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનો નવી દિલ્હી અને પંજાબથી ઉપડશે નહીં.
4 જાન્યુઆરીએ ‘કિસાન મહાપંચાયત’
આંદોલનકારી ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓ માટે 4 જાન્યુઆરીએ ખનૌરી ધરણાના સ્થળ પર ‘કિસાન મહાપંચાયત’ બોલાવી હતી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક મહિનાથી વધુ સમયથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને હોસ્પિટલમાં ન લઈ જવા માટે સુપ્રીમ કોર્ટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને સખત ફટકાર લગાવી છે. એસકેએમ (બિન-રાજકીય) નેતા કાકા સિંહ કોટડાએ કહ્યું કે 70 વર્ષીય ખેડૂત નેતા ડલ્લેવાલ અનિશ્ચિત સમયના ઉપવાસ પર છે. શનિવારે તેમના ઉપવાસ 33માં દિવસે પ્રવેશ્યા. કોટડાએ ખનૌરી વિરોધ સ્થળ પર મીડિયાને કહ્યું, ‘અમે 4 જાન્યુઆરીએ ખનૌરીમાં એક મોટી કિસાન મહાપંચાયત યોજીશું, જેમાં વિવિધ રાજ્યોના ખેડૂતો ભાગ લેશે.’