રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે.
આ આદેશમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન ભારતના લોકોનો અમૂલ્ય વારસો છે. લોકો માટે રાષ્ટ્રપતિ ભવનની પહોંચ સરળ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના પર્યાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિક બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આદેશમાં શું કહેવામાં આવ્યું?
રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ માં રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે ‘દરબાર’ શબ્દ રાજાઓ અને અંગ્રેજોના દરબાર અને સભાઓ સાથે જોડાયેલો છે, પરંતુ ભારત પ્રજાસત્તાક બન્યા પછી આ શબ્દની પ્રાસંગિકતા રહી નથી.
‘અશોક હોલ’ એ રાષ્ટ્રપતિ ભવનમાંનો બોલરૂમ છે, જ્યારે ‘અશોક’ શબ્દ સમ્રાટ અશોક સાથે જોડાયેલો છે એટલું જ નહી તેમની યાદ પણ આપે છે, સમ્રાટ અશોક એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પ્રતીક છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ કરવાથી ભાષામાં એકરૂપતા આવે છે અને અંગ્રેજીકરણના નિશાન દૂર થઈને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલા મૂળ મૂલ્યોને જાળવી રાખે છે.
કેટલા ખાસ છે બંને હોલ?
રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ તેની સાદગી માટે જાણીતો છે. આ ઇમારતનો આ સૌથી ભવ્ય હોલ છે. આ અંગે વિખ્યાત ઈતિહાસકાર અને વિવેચક રોબર્ટ બાયરોને કહ્યું હતું કે લ્યુટિયન્સે પોતાના માટે નિર્ધારિત ડિઝાઈનના ઉચ્ચ ધોરણમાં કોઈ કસર નથી છોડી.
દરબાર હૉલ, જે અગાઉ થ્રોન રૂમ તરીકે ઓળખાતો હતો, જ્યાં 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વાધિન ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં પ્રથમ સરકારે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત તમામ એવોર્ડ સમારોહ આ હોલમાં યોજવામાં આવે છે.
અશોક હોલ રાષ્ટ્રપતિ ભવનના સૌથી આકર્ષક અને સુસજ્જ હોલમાંથી એક છે. આ રૂમનો ફ્લોર લાકડાનો બનેલો છે અને તેની સપાટી નીચે ઝરણા છે. અશોક હોલની છત તૈલ ચિત્રોથી સુશોભિત છે. તેની દિવાલો અને છત પર પેઇન્ટિંગનું કામ જૂન 1932 માં શરૂ કરવામાં આવ્યું હતું જે ઓક્ટોબર 1933 માં પૂર્ણ થયું હતું.
નામ બદલવા પર પ્રિયંકા ગાંધીનો કટાક્ષ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા આ આદેશ પર કટાક્ષ કર્યો છે. પ્રિયંકાએ કહ્યું છે કે ભલે અહીં ‘દરબાર’ની કોઈ અવધારણા નથી, પરંતુ ‘શહેનશાહ’ ની અવધારણા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આ કટાક્ષ દ્વારા વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે, આ પહેલા પણ તેમણે વડાપ્રધાનને શહેનશાહ કહ્યા હતા.