ભારત માટે ચિંતાના સમાચાર પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દરિયાઈ માર્ગની ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. કરાચીથી હથિયારોથી ભરેલા કન્ટેનર પહેલું માલવાહક જહાજ બાંગ્લાદેશના ચિત્તાગોંગ પહોંચ્યું હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીથી એક માલવાહક જહાજ 300 થી વધુ કન્ટેનર સાથે આ અઠવાડિયે બાંગ્લાદેશના ચટગાંવ બંદર પહોંચ્યું હતું. 1971 ના મુક્તિ યુદ્ધ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વખત સીધો દરિયાઈ સંપર્ક સ્થાપિત થયો છે. બાંગ્લાદેશમાં જંગી માત્રામાં પહોંચેલા હથિયારોના આ ઘટનાક્રમે ભારતીય સુરક્ષા સંસ્થાઓમાં ચિંતાની નવી લહેર ઉભી કરી છે. આનું એક ખાસ કારણ છે. ઉલ્લેખનીય છે કે શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકારે પાકિસ્તાન સાથે સીધા દરિયાઈ જોડાણને સ્થાપિત કર્યુ છે એટલું નહી પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો ઘનિષ્ઠ કરવાની આશા વ્યક્ત કરી છે.
યુએનની બેઠક દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી જ્યાં મુહમ્મદ યુનુસે પાકિસ્તાન સાથેના સંબંધોમાં નવો અધ્યાય શરૂ કરવાની આશા વ્યક્ત કરી હતી. ઢાકામાંના પાકિસ્તાન હાઈ કમિશને આ પગલાને ‘દ્વિપક્ષીય વેપારમાં એક મોટું પગલું’ ગણાવ્યું છે. આ ઘટના બંને દેશો વચ્ચેના ઐતિહાસિક રીતે નબળા સંબંધોમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.
યુનુસ સરકારે શા માટે મંગાવ્યા શસ્ત્રો?
ભારત માટે નોંધનીય છે કે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે પાકિસ્તાન પાસેથી જંગી માત્રામાં આર્ટિલરી શેલ, ટાંકી દારૂગોળો, વિસ્ફોટકો અને શસ્ત્રોનો ઓર્ડર કર્યો હતો, જે ઓર્ડર સામે બાંગ્લાદેશની સેનાને પાકિસ્તાન તરફથી દારૂગોળો અને હથિયારોનો પહેલો જથ્થો મળી ગયો છે. બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે તંગ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે આવો સોદો અસામાન્ય તો છે જ સાથે સાથે ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અસ્થિરતા વધવાની સંભાવના
ભારતીય સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ‘બંને દેશો વચ્ચેનો વેપાર સિંગાપોર અથવા કોલંબોમાં ટ્રાન્સશિપમેન્ટ દ્વારા થતો હતો, બાંગ્લાદેશના બંને મુખ્ય બંદરો ચિત્તાગોંગ અને મોંગલા છેલ્લા પાંચ દાયકાઓથી પાકિસ્તાનની પહોંચની બહાર રહ્યા હતા. પરંતુ હવે ભારતના પૂર્વ અને પશ્ચિમી પડોશીઓ વચ્ચે વધી રહેલો સીધો દરિયાઈ સંપર્ક અને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોની સરહદો સીધી બાંગ્લાદેશની દક્ષિણ-પૂર્વ સરહદો જોડાયેલી હોવાથી બન્ને દેશોની નિકટતા ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં અસ્થિરતામાં વધારો કરશે તેવી આશંકા દર્શાવાઈ રહી છે.