તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને પોતાના વતનથી દૂર રહી નોકરી-ધંધો કરતાં લોકો દિવાળી અને છઠના તહેવારના અવસર પર પોતાના ઘરે જતાં હોય છે. આ એવી સ્થિતિ હોય છે જ્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધુ હોવાને કારણે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી લગભગ અશક્ય બની જાય છે. પરિણામે ઘણા પ્રવાસીઓને વેઈટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં ઉભા ઉભા મુસાફરી કરવો પડતો હોય છે.
ભારતીય રેલ્વેએ હવે આ સમસ્યાનો અંત લાવવા કમર કસી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે એ યોજના પર કાર્ય કરી રહ્યું છે જેનાથી આવતા ચાર વર્ષમાં એટલે કે 2027 સુધીમાં તમામ મુસાફરોને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળી જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે પોતાના કાફલામાં 3 હજાર નવી ટ્રેનો ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે.
રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ લગભગ 10748 ટ્રેનો દોડી રહી છે. ટ્રેનોની આ સંખ્યા વધારીને આગામી ચાર વર્ષમાં 13000 ટ્રેનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે સાથે રેલ્વે દર વર્ષે રેલ્વે ટ્રેકનો વ્યાપ વધારી રહી છે. આંકડાઓ તરફ નજર કરીએ તો નવા ટ્રેક, ગેજ પરીવર્તન અને ડબલિંગ ગણતા વર્ષ 2021-22માં 2909 કિલોમીટર રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યા હતા જે વર્ષ 2022-23માં વધીને 5243 કિલોમીટર થયા હતા અર્થાત દરરોજ સરેરાશ 14.4 કિલોમીટર ના ટ્રેક બની રહ્યા છે. આગામી 3-4 વર્ષમાં 3000 વધુ નવી ટ્રેનો ટ્રેક પર શરૂ કરવાની યોજના છે.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં દર વર્ષે 800 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ સંખ્યાને પણ વધારીને 1000 કરોડ કરવાનું લક્ષ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરીનો સમય ઘટાડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. આ માટે ટ્રેક વધારવા, સ્પીડ વધારવા અને એક્સિલરેશન અને ડીલીરેશન વધારવા પર પણ કામ કરવામાં આવશે, જેથી ટ્રેનને રોકવામાં અને સ્પીડ મેળવવામાં પહેલા કરતા ઓછો સમય લાગે.
રેલવેના એક અભ્યાસ મુજબ જો એક્સિલરેશન અને ડીલીરેશન વધારવામાં આવે તો દિલ્હીથી કોલકાતા જવા માટે 2 કલાક 20 મિનિટનો સમય બચાવી શકાય છે. પુશ-પુલ ટેક્નોલોજી દ્વારા એક્સિલરેશન અને ડીલીરેશન વધારવામાં વર્તમાન ટ્રેનોની સરખામણીમાં બમણી મદદ મળી શકે છે.
રેલ્વે સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં વાર્ષિક લગભગ 225 ટ્રેનો LHB કોચ સાથે બનાવવામાં આવી રહી છે, જેમાં પુશ પુલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ‘વંદે ભારત’ ટ્રેનોની એક્સિલરેશન અને ડીલીરેશનની ક્ષમતા હાલમાં ચાલી રહેલી ટ્રેનો કરતાં 4 ગણી વધુ છે.
[…] મદ્રાસે રેલ્વે મંત્રાલય સાથે મળીને 422 મીટર લાંબો […]