મધ્યપ્રદેશમાં સત્તા કોણ સંભાળશે તે નક્કી થઈ ગયું છે. રાજ્યની રાજધાની ભોપાલમાં આજે ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં મોહન યાદવ નવા મુખ્યમંત્રી હશે તે નક્કી કરવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. આજે મળેલી ચુંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરિકે મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘની નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્યોની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ જાહેરાત સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચાલતી તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે મધ્યપ્રદેશનું સુકાન મોહન યાદવના હાથમાં રહેશે.
આ મહત્વના નિર્ણય પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની ટીમ ભોપાલ મોકલી હતી. આ નિરીક્ષકોની ટીમમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણ સામેલ હતા. ભોપાલ પહોંચ્યા બાદ મનોહરલાલ ખટ્ટર અને અન્ય નિરીક્ષકો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સૌથી પહેલા શિવરાજ સિંહને મળ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે ખટ્ટર દિલ્હી બીજેપી હાઈકમાન્ડનો આદેશ લઈને પહોંચ્યા હતા. ખટ્ટરના ભોપાલ પહોંચ્યા બાદ પણ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સતત તેમના સંપર્કમાં હતા. પક્ષ કાર્યાલયમાં એક તરફ જ્યાં ધારાસભ્ય પક્ષની બેઠક ચાલી રહી હતી ત્યાં બીજી તરફ પ્રહલાદ પટેલ અને શિવરાજસિંહ ચૌહાણના સમર્થકો પાર્ટી કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની રેસમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ અને વી.ડી.શર્માનું નામ સામેલ હતું. બીજી તરફ સીએમના નામની જાહેરાત પહેલા પ્રહલાદ પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી. મધ્યપ્રદેશમાં ચુંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર થશે એવું લાગતું હતુ ત્યાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો જ્યારે ભાજપે 163 બેઠકો જીતી હતી.કોંગ્રેસ કમલનાથના ચહેરા પર ચુંટણી લડી હતી અને માત્ર 66 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.