Spread the love

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય ખાતે વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી હતી. વિજયાદશમીના ઉત્સવના પોતાના ઉદ્બોધનમાં મોહન ભાગવતે સંઘે પોતાના શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કે કરેલા પંચ પરિવર્તનના વિષયો ઉપરાંત દેશમાં ચાલી રહેલા વૈચારિક યુદ્ધ, કોલકાતામાં મહિલા ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યા, ઈઝરાયલ-હમાસ યુદ્ધ, હિંદુ તહેવારોના સરઘસો ઉપર પથ્થરમારાની ઘટનાઓ અને વિશ્વમાં ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા જેવા વિષયો ઉપર વાત કરી.

વિજયાદશમી પર્વને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર દ્વારા નાગપુરમાં 1925માં વિજયાદશીના દિવસે કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે મોહન ભાગવતે કહ્યુ કે, આજે સંઘ તેના કાર્યકાળના શતાબ્દીમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ એટલા માટે પણ મહત્વપુર્ણ છે કેમ કે આ વર્ષે આપણે મહારાણી દુર્ગાવતીને તેમના 500 મા જન્મવર્ષે સ્મરણ કર્યા હતા, પુણ્ય શ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ શતાબ્દી મનાવવામાં આવી રહી છે. દેવી અહલ્યાબાઈ હોલકર કુશળ રાજ્ય પ્રશાસક, લોકહિતદક્ષ, કર્તવ્યપરાયણ શાસક, ધર્મ, સંસ્કૃતિ અને દેશ પ્રત્યે ગૌરવાન્વિત, શીલસંપન્નતાના ઉત્તમ આદર્શ તથા રણનીતિની ઉત્કૃષ્ટ સમજ ધરાવતા રાજ્યકર્તા હતા. મહર્ષિ દયાનંદની 200મી જન્મજયંતિ વર્ષ પણ ચાલી રહ્યું છે. આગામી 15 નવેમ્બરથી ભગવાન બિરસા મુંડાના જન્મનું 150 મું વર્ષ પ્રારંભ થશે. આ સૌને યાદ રાખવા આવશ્યક છે કારણ કે તેમણે દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યું હતું.

સંસ્કારોના નુકસાનનું પરિણામ એ છે કે દેશમાં માતૃશક્તિ બળાત્કાર જેવી ઘટનાઓનો સામનો કરી રહી છે. કોલકાતાની ઘટના સમગ્ર સમાજને કલંકિત કરતી શરમજનક ઘટના છે. વિરોધ કરી રહેલા ડોક્ટરોની સાથે સમાજ ઉભો રહ્યો. પરંતુ કેટલાક લોકો ગુનેગારોને રક્ષણ આપી રહ્યા છે. અપરાધ, રાજકારણ અને ખરાબ સંસ્કૃતિનું આ મિશ્રણ આપણને બગાડી રહ્યું છે.

ભાગવતે કહ્યું, ‘જો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું તો મહાભારત જેવું યુદ્ધ થયું. સીતાનું હરણ થયું ત્યારે રામાયણ થયું. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જે બન્યું તે શરમજનક છે. આવું ન થવું જોઈતું હતું. તે થયા પછી પણ ત્યાં જે પ્રકારની વિલંબ થયો તે ગુના અને રાજકારણની સાંઠગાંઠ દર્શાવે છે.

આપણા સમાજમાં મહાન ગણાતા લોકોને જોઈને લોકો આગળ વધે છે, તેઓ જેવું કરે છે, લોકો તેવુ કરે છે. તેમણે જોવું જોઈએ કે તેમણે સમાજને આંચકો ન લાગે તેવું કરવું જોઈએ. ભારતમાં પણ એવું જ છે. ભારતે શક્તિશાળી બનવું પડશે. નબળા રહેવાથી કામ થશે નહીં.

ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું, ‘હાલમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિસર્જન વખતે પથ્થરમારો થયો હતો, કેમ થયો તેનું કારણ નથી. આવી ગુંડાગીરી ચાલુ ન રહેવા દેવી જોઈએ, કોઈને પણ આવું કરવા દેવા જોઈએ નહીં. પોતાના અધિકારોનું રક્ષણ કરવું એ આપણો અધિકાર છે. પોલીસ પ્રશાસનનું કામ રક્ષણ કરવાનું છે પરંતુ તે પહેલા આપણા જ લોકોને મદદ કરવાની ફરજ છે. હું કોઈને ડરાવવા માટે આનું વર્ણન નથી કરી રહ્યો. આ સ્થિતિ છે, આવી સ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે.

મોહન ભાગવતે કહ્યું- ભારત પ્રગતિ કરી રહ્યું છે, દુનિયામાં એવી તાકાતો છે જે ઈચ્છે છે કે ભારત પ્રગતિ ન કરે. તેઓ ભારતને દબાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો અને યુક્તિઓ કરશે અને આ પણ થઈ રહ્યું છે… અમે દરેકને મદદ કરીએ છીએ. દુશ્મની કરનારને પણ જરૂરિયાતના સમયે મદદ કરીએ છીએ. આવો સ્વભાવ દુનિયામાં નથી. તેથી જ ભારત આગળ વધી રહ્યું છે. જે પણ દેશ આગળ વધી રહ્યો છે તેમાં એવા લોકો પણ હોય છે જે તેના માર્ગમાં અવરોધો ઉભા કરે છે. તેથી જ વિશ્વમાં અન્ય દેશોની સરકારોને નબળી પાડવાનું ચાલુ છે. આપણા પડોશમાં શું થયું, તેના તાત્કાલિક કારણો બરાબર છે. અન્ય કારણો પણ છે… એ હિંસાને કારણે હિન્દુ સમાજ પર ફરી હુમલો થયો. જ્યાં સુધી ત્યાં કટ્ટરવાદની માનસિકતા રહેશે ત્યાં સુધી માત્ર હિન્દુઓ પર જ નહીં અન્ય લઘુમતીઓ પર પણ હુમલાનું જોખમ રહેશે. નબળા રહેવું એ ગુનો છે, હિન્દુ સમાજે સમજવું જોઈએ. તમે સંગઠિત થઈને જ કંઈપણ લડી શકો છો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *