દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 232 પેજની ચાર્જશીટમાં EDએ સીએમ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી બનાવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. EDએ આ કેસમાં 38 લોકોને આરોપી બનાવ્યા છે. ED એ દાખલ કરેલી ચાર્જશીટમાં સીએમ અરવિંદ કેજરીવાલને 37 મા નંબરના આરોપી બનાવવામાં આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી (AAP) આરોપી નંબર 38 છે.
ED એ દાખલ કરેલી ચાર્જશીટ મુજબ અરવિંદ કેજરીવાલ કિંગપિન અને કાવતરાખોર ગણાવાયા છે. તેમને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગથી જાણકારી હતી એટલું જ નહી તે તેમાં સામેલ પણ હતા. ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે વોટ્સએપ ચેટની વિગતો આપવામાં આવી છે. ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા. એવો આરોપ છે કે કે કવિતાના પીએ વિનોદ દ્વારા ગોવા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને 25.5 કરોડ રૂપિયા મોકલ્યા હતા.
ચાર્જશીટમાં EDએ અપરાધની વિગતોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આરોપી વિનોદ ચૌહાણના મોબાઈલ ફોનમાંથી હવાલા માટે વપરાતી નોટના નંબરના ઘણા સ્ક્રીન શોટ્સ મળી આવ્યા છે. અગાઉ આવકવેરો ખાતાને પણ સ્ક્રીનશોટસ મળ્યા હતા. વિનોદ ચૌહાણ કેવી રીતે ગુનાની રકમ હવાલા દ્વારા દિલ્હીથી ગોવા ટ્રાન્સફર કરી રહ્યો હતો તે આ સ્ક્રીન શોટ્સ દર્શાવે છે. આ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી ગોવાની ચૂંટણીમાં કરવાની હતી.
વિનોદ ચૌહાણનું નિવેદન
હવાલા મારફતે ગોવા પહોંચેલા પૈસાની વ્યવસ્થા ત્યાં હાજર રહેલા ચેનપ્રીત સિંહ કરી રહ્યો હતો. હવાલા મારફતે ગોવા મોકલવામાં આવેલા નાણાં અંગે વિનોદ ચૌહાણ અને અભિષેક બોન પિલ્લઈ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ ED પાસે છે. અભિષેક બોન પિલ્લઈની વિનંતી પર વિનોદ ચૌહાણને બે અલગ-અલગ તારીખે નોટોથી ભરેલી બે બેગ અશોક કૌશિકે પહોંચાડી હતી. EDએ તેનું નિવેદન પણ નોંધ્યું છે.
અભિષેક બોન પિલ્લઈ વચ્ચે વોટ્સએપ ચેટ પણ ઈડી પાસે
EDનું કહેવું છે કે આ મની ટ્રેલ સીધેસીધું સાબિત કરે છે કે કેવી રીતે ગુનામાંથી કમાયેલા પૈસા સાઉથ ગ્રુપ પાસેથી લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેનો ઉપયોગ કર્યો હતો. ED પાસે હવાલા મની ટ્રાન્સફર સંબંધિત વિનોદ ચૌહાણ અને અભિષેક બોન પિલ્લઈ વચ્ચેની WhatsApp ચેટ પણ છે, જેમાં હવાલા ટોકન મનીનો સ્ક્રીન શૉટ છે.
38 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં 38 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આરોપી નંબર 37 અરવિંદ કેજરીવાલ બનાવાયા છે, જ્યારે તેમની પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી નંબર 38 બનાવવામાં આવી છે. 232 પાનાની ચાર્જશીટમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એવું પણ કહેવાયું હતું કે દારૂના વેપારીઓ સાથે પક્ષના નેતાઓએ મિલીભગત કરીને તેમની તરફેણમાં નીતિ બનાવીને ફાયદો કરાવવાનો હતો.
ચાર્જશીટ મુજબ સીએમ અરવિંદ કેજરીવાલને અપરાધની આવક વિશે સંપૂર્ણ જાણકારી હતી અને તેઓ તેમાં સામેલ હતા. આ પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેથી સમગ્ર જવાબદારી અરવિંદ કેજરીવાલની છે.
દારૂની નીતિમાં અરવિંદ કેજરીવાલના ખૂબ નજીક છે અને કેજરીવાલના નિર્દેશ પર કામ કરતા હતા એવા વિજય નાયરની મોટી ભૂમિકા છે. સમીર મહેન્દ્રુએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે વિજય નાયરે તેને કહ્યું હતું કે એક્સાઇઝ પોલિસી પાછળ મુખ્ય ભેજુ અરવિંદ કેજરીવાલનું છે.
શું છે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસ?
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આ માટે પાટનગરમાં 32 ઝોન બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં 27 દુકાનો ખોલવાની હતી. કુલ 849 દુકાનો ખોલવાની હતી. દિલ્હી સરકારે નવી દારૂની નીતિમાં તમામ 100 ટકા દુકાનોનું ખાનગીકરણ કરીએ દીધું હતું. સરકારે દાવો કર્યો હતો કે આમ કરીને સરકારને 3500 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે જો કે, આ નીતિને કારણે સરકાર અને જનતા બંનેને નુકસાન થયું હોવાનો આરોપ હતો. અગાઉ કોન્ટ્રાક્ટરો L-1 લાયસન્સ માટે 25 લાખ રૂપિયા ચૂકવતા હતા, પરંતુ નવી પોલિસીમાં તેમને 5 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આમ થવાના કારણે નાના ખેલાડીઓ રેસમાંથી બહાર નીકળી ગયા અને મોટા ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યા.
દિલ્હી સરકારની આ નીતિથી દારૂના મોટા વેપારીઓને જ ફાયદો થયો હોવાના આરોપ લાગ્યા છે. દિલ્હી સરકારની આ નીતિથી દારૂના મોટા વેપારીઓને થયેલા ફાયદા માટે બદલામાં સરકાર પર લાંચ લેવાનો આરોપ પણ લાગ્યો હતો. દારૂની નીતિના અમલીકરણમાં કથિત ગેરરીતિઓ હોવાના આરોપો લાગતા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 રદ કરવામાં આવી હતી.