Spread the love

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ તેમણે તાજેતરમાં કરેલા એક દાવાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેમના દાવા  બાદ પહેલા ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ વાંધાઓ ઉઠાવ્યા હતા હવે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને કાનૂની નોટિસ ફટકારી છે. નવજોત સિદ્ધુએ એવો દાવો કર્યો  હતો કે તેમણે આયુર્વેદની મદદથી ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને સાજા કરી દીધા છે. ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત દર્દી નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર હતા જોકે તે હવે સ્વસ્થ છે.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને છત્તીસગઢ સિવિલ સોસાયટીએ 850 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ પાઠવી છે. હિંદી સમાચાર પત્ર જાગરણ ના જણાવ્યા મુજબ સોસાયટીના સંયોજક ડૉ. કુલદીપ સોલંકીનું કહેવું છે કે નવજોતસિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે તેમના પત્ની નવજોત કૌર સિદ્ધુએ 40 દિવસમાં કેન્સરના ચોથા સ્ટેજને હરાવી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે તેમના પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને તેમણે કોઈપણ એલોપેથિક દવાઓ વગર માત્ર પોતાની ભોજન શૈલી અને જીવનશૈલીમાં બદલાવ કરીને ચોથા સ્ટેજના કેન્સરને હરાવી દીધું છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીનું કહેવું છે કે કેન્સરના દર્દીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ  સાંભળીને દેશ અને વિદેશમાં કેન્સરના દર્દીઓમાં ભ્રમ ઉભો થઈ રહ્યો છે અને એલોપેથી દવાઓ ઉપરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડોક્ટર કુલદીપ સોલંકીનું કહેવું છે કે તેમની જોડે બધા જ દસ્તાવેજો છે, પરંતુ દર્દીની ગુપ્તતાને ધ્યાનમાં રાખીને તેઓ તે સાર્વજનિક કરી રહ્યા નથી. છત્તીસગઢ સિવિલ સોસાયટીના સમગ્ર બાબતો અંગે સ્પષ્ટતા કરવાની માગ કરતા સોસાયટીએ કાયદેસર નોટિસ પાઠવીને સાત દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરવા અને માફીની માગણી કરી છે.  છત્તીસગઢ સિવિલ સોસાયટીએ આમ નહીં કરવામાં આવે તો 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 850 કરોડ રૂપિયાના વળતરનો દાવો કરવામાં આવશે તેવી નોટિસ પાઠવી છે.

છત્તીસગઢ સિવિલ સોસાયટીએ શું માંગણીઓ રાખી

શું આપ સ્વાસ્થ્ય સંબંધી આપના પતિના દાવાને સંપૂર્ણ સમર્થન આપો છો?

શું તમને વિવિધ હોસ્પિટલોમાં મળેલી એલોપેથી દવાની સારવારનો કોઈ લાભ નથી મળ્યો?

કેન્સર ફ્રી બનવામાં માત્ર આહાર, લીંબુ પાણી, તુલસીના પાન, હળદર, લીમડાના પાનનું સેવન કરવાથી ફાયદો, કોઈ દવા નથી વાપરી?

જો આપ આપના પતિના દાવાને સમર્થન આપો છો, તો અમને 7 દિવસમાં બધા જ પ્રમાણિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવશો. જેનાથી એ સાબિત થઈ શકે કે તમે કોઈપણ દવા કે તબીબી મદદ વગર તમારા આહારમાં બદલાવ કરીને માત્ર 40 દિવસમાં ચોથા સ્ટેજના કેન્સરને હરાવી દીધું છે.

સોસાયટીએ સ્પષ્ટીકરણની માંગ પણ કરી

છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લખ્યું છે કે પોતાના પતિના દાવાના સમર્થનમાં નવજોત કૌર સિદ્ધુ કોઈ પ્રમાણિત દસ્તાવેજ કે તબીબી પુરાવા ધરાવતા નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવો જોઈએ, કારણ કે આનાથી અન્ય કેન્સરના દર્દીઓમાં ભ્રમમાં ઉભો થઈ રહ્યો છે અને તેઓ તેમની દવાઓ છોડીને અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદનો પર વિશ્વાસ કરીને તેમના જીવન સાથે રમત રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *