2001માં આ દિવસે સંસદ પર હુમલો થયો હતો અને બપોરના સમયે દેશે લોકસભાની અંદરથી જે લાઈવ તસવીરો જોઈ તે ભયાનક છે. પાતળો શારિરીક બાંધો ધરાવતો એક વ્યક્તિ હાથમાં કાગળ લઈને લોકસભામાં કૂદી પડ્યો. ઘટના સમયે ગૃહમાં હાજર સાંસદોએ જણાવ્યું કે સંસદ ચાલી રહી હતી ત્યારે અચાનક બે વ્યક્તિઓ ગેલેરીમાંથી કૂદી પડ્યા. બન્ને વ્યક્તિઓ પહેલા આગળની ગેલેરીમાં લટકતા રહ્યા પછી એક પછી એક સદનમાં કુદી પડ્યા. સદનમાં ઘુસ્યા બાદ તેણે સાંસદોની બેન્ચ પર કૂદીને ભાગ્વાનું શરૂ કર્યું હતું.
શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે એક વ્યક્તિ સદનની વચ્ચે આવી ગયો હતો અને પછી તેણે પગરખાં ઉતારી દીધા. જોકે તે કઈ તરફ ભાગવું તે વિચારી રહે ત્યાં સુધીમાં સાંસદોએ આવીને તેને પકડી લીધો હતો. જ્યારે અન્ય એક પણ ઝડપાઈ ગયો હતો. ત્યાર બાદ અચાનક સદનમાં પીળા રંગનો ગેસ ફેલાવા લાગ્યો હતો. એ ખબર નથી કે તે તેના જૂતામાં હતો કે ક્યાં. આ સમયે લોકસભામાં હોબાળો મચી ગયો હતો અને પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બંને પકડાઈ ગયા છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે. સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો હતો.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, અચાનક બે લોકો વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કૂદી પડ્યા. બંનેની ઉંમર 20 વર્ષની આસપાસ છે. આ લોકોની પાસે ડબ્બા લઈને જતા હતા એ ડબ્બાઓમાંથી પીળા રંગનો ગેસ નીકળી રહ્યો હતો. બેમાંથી એક વ્યક્તિ દોડીને સ્પીકરની ખુરશીની સામે પહોંચી ગયો. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ગેસ ઝેરી હોવાની આશંકા છે. 13 ડિસેમ્બર 2001 પછી સંસદની સુરક્ષામાં ચુકની આ એક મોટી ઘટના છે.
અધીર રંજન ચૌધરીએ આ ઘટના વિશે જણાવ્યું કે બે લોકો અચાનક ગેલેરીમાંથી કૂદ્યા. તેમણે કંઈક ફેંક્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. તેને સાંસદોએ પકડી લીધો અને પછી સુરક્ષા અધિકારીઓએ તેને પકડીને બહાર લઈ ગયા હતા. સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠ છે ત્યારે સુરક્ષામાં આ ખામી સર્જાઈ છે.
લોકસભાના સભ્ય દાનિશ અલીએ જણાવ્યું કે લોકો પબ્લિક ગેલેરીમાંથી કૂદી પડ્યા, ત્યારબાદ ધુમાડો ફેલાઈ ગયો અને અરાજકતા ફેલાઈ ગઈ. તે લોકોને સાંસદોએ પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કર્યા હતા. મેં પણ એક પકડ્યો. મેં જે યુવકને પકડ્યો હતો, તેના પાસ પર તેનું નામ સાગર લખેલું હતું અને તે મૈસુરના સાંસદ પ્રતાપ સિંહાના મહેમાન હતા.