અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે કે નહી, આવશે કે નહી તે અંગે ચાલી રહેલી અટકળોનો આખરે આજે અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો ગણાવીને આમંત્રણનો અસ્વીકાર કરીને ભાગ લેવાનું નકારી દીધું છે.
કોંગ્રેસ પાર્ટીએ આજે ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આણતા સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન પણ ભાગ લેશે નહીં. આ નેતાઓએ રામ મંદિરના અભિષેકને લગતા આમંત્રણને ફગાવી દીધું છે.
શું કહ્યું કોંગ્રેસે ?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું. કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ વ્યક્તિની અંગત બાબત રહી છે, પરંતુ વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે.
તેમણે વધુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. માનનીય સર્વોચ્ચ અદાલતના 2019ના નિર્ણયને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને શ્રી મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ માટે BJP અને RSSના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરે છે.”
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 6 હજારથી વધુ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
કયા કયા નેતાઓ હાજરી નહી આપે?
કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના લોક્સભામાં નેતા અધીર રંજન ચૌધરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નથી લેવાના આ ઉપરાંત સમાચાર એજન્સી પીટીઆઈએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ પણ આમંત્રણને ફગાવી દીધું છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ મંગળવારે (9 જાન્યુઆરી) એ એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહ્યો છે અને હું લોકોને ધાર્મિક આધાર પર વિભાજિત કરવામાં માનતી નથી.
[…] બચ્ચનની (Amitabh Bachchan) આ નવી જમીન અયોધ્યાના સેંકડો એકરમાં ફેલાયેલો […]