ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ અને NDAના અન્ય નેતાઓએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં આજે સંસદમાં બનેલી સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે. રાહુલ ગાંધીને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે. ગાંધી પરિવાર પોતાને કાયદાથી ઉપર માને છે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ શારીરિક હુમલો અને ઉશ્કેરવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસની હાલત ખાસિયાણી બિલ્લી થાંભલો ખંજવાળે એવી થઈ ગઈ છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલમ 109 હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે, જ્યારે કલમ 117 ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવા સાથે સંબંધિત છે.
#WATCH | Delhi: BJP MP Anurag Thakur says, "We have filed a complaint with Delhi Police against Rahul Gandhi for assault and incitement. We have mentioned in detail the incident that happened today outside Makar Dwar, where NDA MPs were protesting peacefully… We have given a… pic.twitter.com/sKQYaTbJG9
— ANI (@ANI) December 19, 2024
ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને ધક્કો મારીને નીચે પાડી દીધા, જેના કારણે તેઓ ઘાયલ થયા. જો કે રાહુલે આ આરોપોને નકારી કાઢ્યા છે. નાગાલેન્ડના ભાજપના મહિલા સાંસદ ફાંગ્નોન કોન્યાકે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ખૂબ જ નજીક આવીને ઉભા રહી ગયા હતા, જેના કારણે તેમને અસહજતાનો સામનો કરવો પડ્યો. તેણીએ આરોપ લગાવ્યો, “અમે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, જ્યારે રાહુલ ગાંધી આવ્યા અને મારા પર બૂમો પાડવા લાગ્યા. મહિલા પર બૂમો પાડવી યોગ્ય નથી.”
કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના સભ્યોએ સંસદ સંકુલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને વાયનાડના કોંગ્રેસી સાંસદ પ્રિયંકા ગાંધી સહિત અનેક મહિલા સાંસદો સાથે છેડછાડ કરી.