ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની સૌથી મોટી પાર્ટી બનવાની સફરમાં ભાજપને સિંચ્યો છે. વર્તમાન પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થયો હતો પરંતુ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે જૂન સુધી તેમનો સમય એકસટેન્ડ કર્યો હતો. ભાજપ જુલાઇ 2024માં તેના નવા અધ્યક્ષની પસંદગી કરવાની હતી. જોકે નવા પ્રમુખની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક ચૂંટણીઓ કરાવવાની જરૂર હોય છે. જેમાં 6 મહિનાનો સમય લાગે છે. તેથી, જૂનમાં, નડ્ડાનો કાર્યકાળ વધુ 6 મહિના લંબાવવામાં આવ્યો હતો.
જેપી નડ્ડા હવે કેન્દ્રીય મંત્રી છે, પરંતુ નવા રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ઘણા દિગ્ગજોના નામ ચાલી રહ્યા હોવાની અટકળો ચાલતી રહે છે. કેટલાક સુનીલ બંસલનું નામ જણાવી રહ્યા છે તો કેટલાક વિનોદ તાવડેને રેસમાં આગળ હોવાનું કહી રહ્યા છે. આ દરમિયાન એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ભાજપ કોઈ દલિતને પોતાનો અધ્યક્ષ બનાવી શકે છે.
ભાજપના રાજ્ય એકમો બૂથ, જિલ્લા અને વિભાગીય પ્રમુખોની ચૂંટણીમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરશે એવા વાવડ છે. આ સમયગાળા દરમિયાન, ઓછામાં ઓછા અડધા રાજ્યોને નવા અધ્યક્ષ મળવાની સંભાવના છે. ત્યાર બાદ ભાજપ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. વર્તમાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી હવે કરશે તે પોતાના દમ પર સક્ષમ છે, તેને કોઈની મદદની જરૂર નથી. આ નિવેદનને કારણે લોકસભાની ચૂંટણીમાં દાઝી ચૂકેલો ભાજપ પોતાની માતૃસંસ્થા આરએસએસ (RSS) ની ઈચ્છાઓને પણ ધ્યાનમાં રાખશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર પૂર્ણ બહુમતીથી 32 બેઠકો દૂર રહી ગયો ત્યારે લોકોએ ટોણો માર્યો કે આ નડ્ડાના નિવેદનનું પરિણામ છે જેમાં તેમણે RSSને અવગણીને આગળ વધવાની વાત કરી હતી.
પસંદગી પ્રક્રિયા
નવા પ્રમુખ ઉપર બેશક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જોડીની મંજૂરીની મહોર આવશ્યક હશે. આ રીતે ભાજપમાં બંનેના અંતિમ નિર્ણયની હાલની વ્યવસ્થા ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એવી વ્યક્તિને યોગ્ય માનશે જે મજબૂત સંગઠનાત્મક પૃષ્ઠભૂમિ ધરાવતા હોય અને RSSનું સમર્થન પણ ધરાવતા હોય.
વર્ષ 2014 ની પ્રચંડ જીત બાદ ભાજપમાં મોદી-શાહની ઇતિહાસની સૌથી સફળ જોડીનો આ યુગ શરૂ થયો. અગાઉ, બીજેપીનું ટોચનું નેતૃત્વ દરેક મહત્વપૂર્ણ નિર્ણય પહેલા આરએસએસનું ધ્યાન રાખવા જાણીતું હતું. કહેવાય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે સમયે જેપી નડ્ડા પણ પ્રમુખ પદ માટે આરએસએસની પસંદગીના લિસ્ટમાં હતા.
નવા યુગના ચાણક્યની સરપ્રાઈઝ એન્ટ્રી
અમિત શાહ તેમની સંગઠનાત્મક કુશળતા અને 2014માં મહાજીતના આર્કિટેક્ટ તરીકે જેઓ પાર્ટીના નવા ચાણક્ય તરીકે ઉભરી આવ્યા હતા તેને કારણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 2014 ની લોકસભાની ચુંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની શાનદાર જીત થઈ હતી. ભાજપ પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. સૌથી પ્રચંડ વિજય રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં થયો જ્યાં ભાજપે 80માંથી 73 બેઠકો ઉપર વિજયનો ઝંડો ફરકાવ્યો હતો.
2024ની ચુંટણીના પરિણામો અને કોંગ્રેસે ઉભી કરેલી ભ્રમણા
2014 થી 2024 સુધી સતત ત્રણ લોકસભા ચૂંટણી હારી ગયેલી કોંગ્રેસ હવે બાબા સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ ભાજપનું મનોબળ તોડવા માટે હથિયાર તરીકે કરી રહી છે. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપના ‘અબ કી બાર 400 પાર’ ના નારાના જવાબમાં એવું વાતાવરણ ઊભું કર્યું કે જો ભાજપ ચૂંટણી જીતશે તો અનામત ખતમ કરી દેશે. આ પગલા દ્વારા કોંગ્રેસે ભાજપના અનુસૂચિત જાતિના (SC) મત તોડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ અમુક અંશે સફળ રહી પરંતુ તે ભાજપને સત્તા પરથી હટાવી શકી નહીં.
દલિત અધ્યક્ષની કથિત થિયરી
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોંગ્રેસ ચૂંટણીમાં સત્તા ઉપર ના આવી શકી પરંતુ 2019માં 48 બેઠકોથી 2024માં 99 બેઠકો જીતીને તેનું મનોબળ એટલું ઉંચુ થઈ ગયું કે અત્યાર સુધી તેણે બંધારણ બચાવવાના નામે ભાજપને ઘેરી રાખ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં કેટલીક એવી ઘટનાઓ બની કે કોંગ્રેસે ફરી એકવાર ભાજપને દલિત વિરોધી ગણાવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં કેટલાક રાજકીય પંડિતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે કોંગ્રેસના દાવાઓ અને આરોપોનો સામનો કરવા માટે ભાજપ આ વખતે દલિત સમુદાયના નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે.
દલિત નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બ્નાવવાની અટકળો પાછળનું બીજું પાસું એ છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમુદાયમાંથી આવે છે. કોંગ્રેસ સતત ભાજપને દલિત વિરોધી ગણાવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને બરાબરનો જવાબ આપવા અને આ મુદ્દાનો અંત લાવવા અને કોંગ્રેસને એની જ ભાષામાં ઉત્તર આપવાના વિચારથી ભાજપ દલિત રાષ્ટ્રીય અધ્યક્ષને બનાવી શકે છે.
આ થિયરી પાછળનું ત્રીજુ પરિબળ એ છે કે નડ્ડા બ્રાહ્મણ છે અને મોદી ઓબીસી છે, અને ડૉ. બાબાસાહેબ આંબેડકર વર્તમાનમાં ચર્ચાનો વિષય છે, તેથી ભાજપ કોઈ દલિત ચહેરો શોધી શકે છે.
ચોથું પરિબળ એ છે કે ભાજપ નેતૃત્વ પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરતી વખતે જાતિગત પરિબળોને પણ ધ્યાનમાં રાખશે.
જો કે, મજબૂત સંગઠનાત્મક આધાર અને આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા દલિત નેતાઓની વાત આવે ત્યારે ભાજપ પાસે ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે. ભાજપના નેતાઓ વારંવાર કહે છે કે ભાજપ સર્વસમાવેશક પક્ષ છે. આ એક એવી પાર્ટી છે જે દરેક જાતિ અને ધર્મને સાથે લઈને ચાલે છે. આ સંદર્ભમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ અને હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉદાહરણ વારંવાર આપવામાં આવે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉદાહરણો હવે જૂના થઈ ગયા છે. તેથી કંઈક નવું કરવાની અને બનાવવાની જરૂર છે.
3 નામો આવી રહ્યા છે સામે
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં જો આ માપદંડ રાખવાનો હોય અને સૂત્રોને ટાંકીએ તો અટકળોમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, પાર્ટીના મહાસચિવ દુષ્યંત ગૌતમ અને ઉત્તર પ્રદેશના મંત્રી બેબી રાની મૌર્યના નામો સામે આવી રહ્યા છે.
જોકે રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે મોદી-શાહના જમાનામાં મુખ્યમંત્રી જેવા દરેક મહત્વપૂર્ણ પદની પસંદગીમાં સરપ્રાઈઝ આપવાની પરંપરા રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી અધ્યક્ષની આ પસંદગી પણ આશ્ચર્યજનક હોઈ શકે છે. જો કે, આ કહેવાતી ‘દલિત થિયરી’ તો હમણા આવી પરંતુ અત્યાર સુધી આ પદ માટે જેમના નામની અટકળો થઈ રહી છે તેમાં મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત વરિષ્ઠ નેતા વિનોદ તાવડેનો પણ સમાવેશ થાય છે. જો કે પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બધી અટકળો પણ પાયાવિહોણી છે.