શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એક અરજી અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર બીજાના પૌત્રની વિધવા સુલતાના બેગમ તરફથી દાખલ કરવામાં આવી હતી. સુલતાના બેગમે પોતાને કાયદેસરના વારસદાર હોવાનો દાવો કરીને દિલ્હીમાં લાલ કિલ્લાના માલિકી હક્કની માંગણી કરી હતી. કાર્યકારી ચીફ જસ્ટિસ વિભુ ભાખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે હાઈકોર્ટના સિંગલ જજના ડિસેમ્બર 2021ના નિર્ણય સામે સુલતાના બેગમની અપીલ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે કયા આધારે અરજી ફગાવી?
હાઈકોર્ટે કહ્યું કે આ અપીલ અઢી વર્ષથી વધુના વિલંબ પછી દાખલ કરવામાં આવી છે જેને માફ કરી શકાય નહીં. બેગમે કહ્યું કે તેણીની ખરાબ તબિયત અને પુત્રીના અવસાનને કારણે તે અપીલ દાખલ કરી નહોતી કરી શકી. બેન્ચે કહ્યું, ‘અમને ઉક્ત સ્પષ્ટતા અપૂરતી લાગે છે, કારણ કે વિલંબ અઢી વર્ષથી વધુ છે. કેટલાક દાયકાઓ સુધી વિલંબિત હોવાને કારણે અરજી (એક જ ન્યાયાધીશ દ્વારા) પણ ફગાવી દેવામાં આવી હતી. વિલંબની ક્ષમા યાચનાની અરજી નકારી કાઢવામાં આવે છે, અપીલ પણ નકારી કાઢવામાં આવે છે.
‘દોઢસો વર્ષ પછી યાદ આવ્યું?’
20 ડિસેમ્બર, 2021ના રોજ એક જ ન્યાયાધીશે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં લીધેલા લાલ કિલ્લાની માલિકીની માંગ કરતી બેગમની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે 150 વર્ષથી વધુ સમય પછી કોર્ટનો સંપર્ક કરવાનું કોઈ ઔચિત્ય નથી.
એડવોકેટ વિવેક મોરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ અંગ્રેજોએ પરિવારને તેમની સંપત્તિથી વંચિત કરી દીધું હતું અને બાદશાહને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. લાલ કિલ્લાનો કબજો મુઘલો પાસેથી બળજબરીથી છીનવી લેવામાં આવ્યો હતો. બેગમને પૂર્વજ બહાદુર શાહ ઝફર-II પાસેથી વારસામાં મળ્યો હતે તેથી તે લાલ કિલ્લાની માલિક છે એવો દાવો કરવામાં આવ્યો હતો.
સરકારે કબ્જો કરી લીધો છેઃ બેગમ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બહાદુર શાહ ઝફર બીજાનું 11 નવેમ્બર 1862ના રોજ 82 વર્ષની વયે અવસાન થયું હતું અને ભારત સરકાર (તેમની) મિલકત પર ગેરકાયદેસર કબજો કરીને બેઠી છે. અરજીમાં કેન્દ્ર સરકારને લાલ કિલ્લાનો કબજો અરજદારને સોંપવા અથવા જેમાં સરકાર દ્વારા વર્ષ 1857થી અત્યાર સુધી લાલ કિલ્લા પર કથિત ગેરકાયદે કબજા માટે વળતરની પણ માંગ કરવામાં આવી હતી.