કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. જેમાં હરિયાણા, જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ફેઝમાં અને હરિયાણામાં એક જ ફેઝમાં મતદાન પૂર્ણ થયા બાદ બંને રાજ્યોમાં 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા, જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો આજે જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામની તારીખ પણ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી સમયે જમ્મુ કાશ્મીરમાં મતદાન માટે લાગેલી લાઈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નાગરિકોએ, બુલેટ-બાયકોટને બેલેટથી નકારી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં ચૂંટણી થઈ હતી. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 2019ના ઓગસ્ટ મહિનામાં બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી. જેની સાથોસાથ જમ્મુ કાશ્મીરને લદ્દાખથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં ચુંટણી ત્રણ ચરણમાં યોજાવા જઈ રહી છે જેની તારીખો જાહેર થઈ છે જેમાં પ્રથમ ચરણનું મતદાન 18 સપ્ટેમ્બર બીજા ચરણનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 1 ઓક્ટોબર થશે અને 4 ઓક્ટોબરે પરિણામ આવશે. 2019માં ઓગસ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દેવાયાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ જાહેર કરાયો હતો. આ બાદ, જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે નવું સીમાંકન હાથ ધરાયું હતું. જેમાં જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સહીત પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માટે પણ બેઠકો અનામત જાહેર કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 370 અમલમાં હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે કોઈ બેઠકો અનામત નહોતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. હવે જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો હશે. PoK માટે 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકશે નહીં. જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. આ રીતે કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 87.09 લાખ મતદારો છે. અહીં 20 લાખથી વધુ યુવાનો છે. 20 ઓગસ્ટે ફાઇનલ વોટર લિસ્ટ જાહેર થશે.
હરિયાણામાં ક્યારે ચુંટણી?
ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાની 90 બેઠકોની તારીખોની જાહેરાત કરી છે. હરિયાણાની તમામ 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. તમામ 90 બેઠકો પર 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જણાવ્યું હતું કે હરિયાણામાં બે કરોડથી વધુ મતદારો છે. 90માંથી 73 બેઠકો સામાન્ય છે. હરિયાણામાં 27મી ઓગસ્ટે મતદાર યાદી જાહેર કરવામાં આવશે. હરિયાણામાં 20,269 મતદાન મથકો છે.