કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં શિરોમણી મીરાબાઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હવે આ મામલાએ રાજકીય વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરીયાવાસે ભાજપના નેતા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, તેમણે માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ હાલમાં ચર્ચામાં છે. શિરોમણી મીરાબાઈને લઈને આપેલું નિવેદન તેમના પર ભારે પડી ગયું છે. રાજપૂત સમુદાય તેમનાથી ઘણો નારાજ છે અને તેમના નિવેદન માટે તેમની પાસેથી માફીની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને કોંગ્રેસે પણ અર્જુન રામ મેઘવાલને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું, મેઘવાલે માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે 23 ડિસેમ્બરે રાજસ્થાનના સિકર જિલ્લાના પિપરાલીમાં સ્થિત શ્રીશ્યામ ગૌશાળાના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન મેઘવાલે મીરાબાઈનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મીરાબાઇનો જન્મ મેડતામાં થયો હતો અને તેના લગ્ન ચિત્તોડગઢમાં થયા હતા. આપણે ઈતિહાસમાં વાંચ્યું છે કે મીરાને તેના પતિ દ્વારા હેરાન કરવામાં આવતા હતી જ્યારે આ સાચું નથી. મીરાબાઈના પતિ માત્ર એક વર્ષ જીવ્યા અને પછી તેઓ મૃત્યુ પામ્યા હતા. આ પછી તેમના દિયર રાણાએ મીરા સાથે લગ્ન કરવા કહ્યું. અહીંથી વિવાદ શરૂ થયો. ઈતિહાસનો ઉલ્લેખ કરતા અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, ઈતિહાસમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ આપણે તેમાં સંશોધન પણ કરવું જોઇએ.
કોંગ્રેસે સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરીયાવાસે કહ્યું કે, ભગવાન કૃષ્ણના પરમ ભક્ત, ભક્ત શિરોમણી મીરાબાઈ જેમની ભક્તિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે ભક્તિમાં મગ્ન હતા અને ભગવાન કૃષ્ણની મૂર્તિમાં વિલીન થઈ ગયા હતા આવા ભક્ત શિરોમણી મીરા માટે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામે ખૂબ જ અયોગ્ય શબ્દપ્રયોગ કર્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે ઈતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો છે. આ બહુ મોટું પાપ છે, ભાજપના મંત્રી અર્જુન રામે ઘમંડથી આ કર્યું છે, તેમણે માફી માંગવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ કેન્દ્રીય મંત્રી અર્જુન રામે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું, હવે તેમણે ભક્ત શિરોમણી મીરાનું અપમાન કરીને મોટું પાપ કર્યું છે, આ માટે સુદર્શન ચક્રધારી તેમને સજા કરશે.
“ધર્મ, ભક્તિ, સંસ્કૃતિનું અપમાન”
પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ જે ભાષા બોલે છે તે દેશના ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિનું અપમાન છે. તેઓએ સમજવું પડશે કે ક્ષત્રિય ધર્મમાં વિધવા થાય તો સ્ત્રીઓ જેમ રાણી પદ્મિની 16000 સ્ત્રીઓ સાથે કર્યું હતું એમ જૌહર કરી લેતી અથવા ભક્તિમાં લીન થઈ જતી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે ઈતિહાસ સુધારીશું, તેમણે પોતાની જાતને સુધારવી જોઈએ કારણ કે તેમણે જે કહ્યું છે તે ભક્ત શિરોમણી મીરા માટે બિલકુલ ખોટું છે, તેમણે પોતાની જાતને સુધારવી જોઈએ!