આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુરુવારે (5 ઓક્ટોબર) રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. EDએ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા તેની સામે કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
સંજય સિંહને બુધવારે (4 ઓક્ટોબર)ના રોજ દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા નોર્થ એવેન્યુ પરના તેમના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા અને 10 કલાકણી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. EDનો આરોપ છે કે કેટલાક ડીલરોને ફાયદો કરાવવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી.
શું દલીલ કરવામાં આવી?
આ કેસમાં સુનાવણી દરમિયાન AAP નેતા સંજય સિંહે કોર્ટમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. જેના કારણે આ લોકો આ કામ કરાવી રહ્યા છે. સંજય સિંહનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મોહિત માથુરે કહ્યું હતું કે ધરપકડ કયા આધારે કરવામાં આવી છે તે જણાવવું જોઈએ અને અમને રિમાન્ડ પેપર આપવામાં આવે. સિંહના વકીલની દલીલ પર EDએ તરત જ કહ્યું કે તે રિમાન્ડ પેપર આપશે અને પછી તરત જ તેને રિમાન્ડ પેપર આપવામાં આવ્યા હતા.
ઈડી એ શું કહ્યું ?
EDના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે બે અલગ-અલગ વ્યવહારો થયા હતા. જેમાં કુલ રૂ.2 કરોડનો વ્યવહાર થયો છે. દિનેશ અરોરાના નિવેદન મુજબ, તેણે ફોન પર ટ્રાન્ઝેક્શન સ્વીકાર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીના રિમાન્ડ પેપરમાં સંજય સિંહના ઘરે પૈસાની લેવડ-દેવડ થયાનો ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે પ્રથમ હપ્તામાં 1 કરોડ રૂપિયા અને બીજા હપ્તામાં 1 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ સંજય સિંહના ઘરે થયું હતું.
EDના રિમાન્ડ પેપરમાં ઈન્ડો સ્પિરિટ દ્વારા પૈસાની લેવડદેવડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ કહ્યું કે સંજય સિંહના કર્મચારી સર્વેશને તેના (સંજય સિંહના) ઘરે પૈસા આપવામાં આવ્યા હતા અને દિનેશ અરોરાએ આ વાતની પુષ્ટિ કરી છે.
EDએ જણાવ્યું કે દિનેશ અરોરાના કર્મચારીએ કહ્યું કે તેણે સંજય સિંહના ઘરે 2 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય ઈન્ડો સ્પિરિટની ઓફિસમાંથી સિંહના ઘેર 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગઈકાલે હાથ ધરાયેલા સર્ચમાં મળેલા ડિજીટલ પુરાવાઓને લઈને સવાલો કરવાના છે. અમે સંજય સિંહનો ફોન જપ્ત કરી લીધો છે, કેટલાક સંપર્ક નંબરો મળી આવ્યા છે.
ન્યાયાધીશે શું પ્રશ્નો કર્યા ?
ન્યાયાધીશે પૂછ્યું, તમે પહેલેથી જ ફોન લઈ લીધો છે અને સીડીઆર કાઢી લેશો, અમે આ અંગે તમારો સામનો કરીશું. તેના પર EDના વકીલે કહ્યું કે સંજય સિંહના ફોનમાંથી મળેલા નંબર અને ડેટાને લઈને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
રિમાન્ડની માંગણી કરતી વખતે EDએ કહ્યું કે સંજય સિંહના ઘરમાંથી મળેલા પુરાવા અંગે સંજય સિંહની પૂછપરછ કરવાની છે.
સંજય સિંહના વકીલે શું કહ્યું ?
EDએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તપાસ એજન્સીના વકીલે કહ્યું હતું કે 7 દિવસનો સમય આપવામાં આવે તો પણ ચાલશે. અમારે સંજય સિંહને 3 લોકો સાથે રૂબરૂ કરાવવાના છે. સિંહના વકીલ મોહિત માથુરે કોર્ટમાં દલીલ કરી હતી કે આ ક્રમ ક્યારેય અટકવાનો નથી. સ્ટાર સાક્ષી દિનેશ અરોરા જે ED અને CBI બંને કેસમાં આરોપી હતો તે બંને કેસમાં સાક્ષી બન્યો છે તેની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
માથુરે ED દ્વારા કરાયેલી ધરપકડ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે EDએ પોતે સ્વીકાર્યું છે કે આ કેસમાં સંજય સિંહને અગાઉ ક્યારેય સમન્સ જારી કરવામાં આવ્યા ન હતા. પછી બધું એક જ દિવસમાં થયું.
માથુરે કહ્યું કે દિનેશ અરોરા છેલ્લા એક વર્ષથી તેમની સાથે છે, સમીર મહેન્દ્રુ CBI અને ED કેસમાં આરોપી છે. તેમને જામીન મળી ગયા, જામીનનો કોઈ વિરોધ થયો ન હતો. સમીર મહેન્દ્રુ પર 3 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે, પરંતુ હજુ પણ તેની ધરપકડ કરવામાં આવી નથી.