- 53 વર્ષથી કેસ બાગપત સિવિલ કોર્ટમાં
- સમગ્ર વિવાદ સન 1970માં શરૂ થયો
- લાક્ષાગૃહ ટેકરાનો વિવાદ
ઉત્તર પ્રદેશના બાગપતના લાક્ષાગૃહ અને મજારને લઈને છેલ્લા ૫૩ વર્ષથી ચાલી રહેલા વિવાદનો આજે પણ ચુકાદો આવ્યો નહી.
ઉત્તર પ્રદેશના બાગપતના લાક્ષાગૃહ ટેકરાને બદરુદ્દીન શાહની મજાર અને કબ્રસ્તાન ગણાવતા વક્ફ બોર્ડના અધિકારી મુકીમ ખાને કેસ દાખલ કર્યો હતો જેમાં બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. મુકીમ ખાને દાવો કર્યો હતો કે લાક્ષાગૃહ ટેકરાની જમીન શેખ બદરુદ્દીનની કબર છે અને તેની આગળની જમીન મુસ્લિમ કબ્રસ્તાન છે. આ સમગ્ર વિવાદ લાક્ષાગૃહ ટેકરાની લગભગ 100 વીઘા જમીન પર માલિકી હકને લઈને સન 1970માં શરૂ થયેલો વિવાદ છેલ્લા 53 વર્ષથી ચાલી રહ્યો છે. બાગપત સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ કેસમાં આજે કોર્ટનો નિર્ણય આવવાનો હતો પરંતુ હાપુડમાં થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ વકીલો હડતાળ પર હોવાના કારણે મંગળવારે સિવિલ કોર્ટે ચુકાદો ન સંભળાવ્યો. હવે આગામી તારીખે જે ચુકાદો આવશે એનાથી સ્પષ્ટ થશે કે, વિવાદાસ્પદ સ્થળ મહાભારત કાલીન લાક્ષાગૃહ છે કે પછી મજાર.
આ કેસમાં હિન્દુ પક્ષના વકીલ રણવીર સિંહ છે તેમણે આ મુદ્દે જણાવ્યું કે, મુસ્લિમ પક્ષ 100 વીઘા જમીનને કબ્રસ્તાન અને મજાર ગણાવી રહ્યો છે અને તેના પર કબજો કરવા માંગે છે. આ બાબતે તેમણે કોર્ટ સમક્ષ તમામ પુરાવા રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત સમયનો જેના વિશે દેશ અને સમગ્ર વિશ્વ જાણે છે. લાક્ષાગૃહ ટેકરા પર સંસ્કૃત વિદ્યાલય અને મહાભારત કાલીન સુરંગ પણ મૌજુદ છે. આ ઉપરાંત આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા (ASI) એ અહીં ખોદકામ કરીને પ્રાચીન સભ્યતાના અવશેષો પણ મેળવ્યા હતા. તેના આધાર પર હિન્દુ પક્ષે મજાર સહિત સમગ્ર હિસ્સાને મહાભારત કાલીન જણાવીને કોર્ટ પાસે માલિકી હક્ક આપવાની માંગ કરી છે.