- જયંત મેઘાણી ઉત્તમ કક્ષાના સર્જક હતા
- જયંત મેઘાણીની ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું
- જયંત મેઘાણી 82 વર્ષના હતા
જયંત મેઘાણી કમ્પ્યુટર પર કામ કરતા હતા ત્યારે જ દેહ છોડયો
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર, ઉત્તમ સાહિત્યકાર તથા અનુવાદક એવા જયંત મેઘાણીનું આજે 82 વર્ષની જૈફ વયે કમ્પ્યુટર પર કામ કરતા હતા ત્યારે જ અવસાન થયું હતું. જયંત મેઘાણીના અવસાનથી સાહિત્ય વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પિતાના રાહ પર ચાલતા જયંત મેઘાણીએ પણ સાહિત્ય જગતમાં અદભૂત ચાહના મેળવી હતી. જયંત મેઘાણીએ ધ સ્ટોરી ઓફ ગાંધી, સપ્તપર્ણી, રવિન્દ્ર-પુત્રવધુ, અનુકૃતિ જેવા અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે.
ભાવનગરમાં શરૂ કર્યું ‘પ્રસાર’
જયંત મેઘાણીએ ભાવનગરમાં ‘પ્રસાર’ નામે પુસ્તક પ્રકાશન, વિતરણ તથા વાંચન માટે અદભૂત સંસ્થા બનાવીને અવિસ્મરણીય કાર્ય કર્યું છે.
જયંત મેઘાણીની ઈચ્છા અનુસાર પાર્થિવ દેહનું દેહદાન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર જયંત મેઘાણીનુ આજે કમ્પ્યુટર પર કામ કરતા હતા ત્યારે જ અવસાન થયું હતું. તેમના દુઃખદ અવસાનથી તેમના પરિવાર તથા સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જયંત મેઘાણીની ઈચ્છા અનુસાર તેમના પરિવાર દ્વારા તેમના પાર્થિવ શરીરનું દેહદાન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ
જયંત મેઘાણીના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. “રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર, ગુજરાતી સાહિત્યના જાણીતા સંપાદક, અનુવાદક અને પ્રકાશક શ્રી જયંતભાઇ મેઘાણીના અવસાનથી દુ:ખ થયું. પ્રભુ એમના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…”