- પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડો
- કેનેડામાં રહેતા હિંદુઓને આપી હતી ધમકી
- ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે પન્નુ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની પંજાબ અને ચંદીગઢમાં આવેલી મિલકતો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જપ્ત કરી છે. ગુરપતવંત સિંહ પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડો છે. તે કેનેડા અને અન્ય દેશોમાં ભારતવિરોધી વાતો કરતો રહે છે. તાજેતરમાં કેનેડા-ભારત વિવાદમાં તેણે કેનેડામાં રહેતા હિંદુઓને પણ ધમકી આપી હતી. ગુરપતવંત સિંહ પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. પન્નુ દરરોજ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હોય છે. ભારતમાં તેની સામે આતંકવાદ વિરોધી કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.
આજે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે પન્નુ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડવા પહોંચી હતી. અમૃતસરનું ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે જ્યાં પન્નુની ખેતીની જમીન છે આ ઉપરાંત ચંડીગઢમાં પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15 સીમાં આવેનું છે. એજન્સીની ટીમ અમૃતસર અને ચંદીગઢમાં આવેલી પન્નુની સંપતિને ટાંચમાં લેવા પહોંચી હતી. એનઆઈએ દ્વારા પન્નુની જમીનો અમૃતસરમાં અટેચ કરવામાં આવી છે.
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ બાદ ગુરપતવંત પન્નુ ફરી ચર્ચામાં આવ્યો હતો. ગુરપતવંત પન્નુએ જસ્ટિન ટ્રુડોના ભારત વિરોધી નિવેદનોની પ્રશંસા કરી હતી. પન્નુએ એક વિડીઓ જાહેર કરીને કેનેડામાં રહેતા હિન્દુઓને કેનેડા છોડી દેવાની અને ભારત પરત ફરી જવાની ધમકીઓ આપી હતી.
2019માં, ભારત સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવાના આરોપસર પ્રતિબંધ લગાવ્યો હતો. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહ્યું છે.
આ ઉપરાંત 1 જુલાઈ, 2020ના રોજ, કેન્દ્ર સરકારે પન્નુને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો. વર્ષ 2020માં જ પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. 2020માં જ સરકારે SFJ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા SFJ સાથે સંબંધિત 40થી વધારે વેબપેજ અને YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.