બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલમાં દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગના પ્રતિનિધિઓ પોતાના વર્ગની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વગેરે આયામોની દારૂણ પરિસ્થિતિમાં સુધારો લાવવાના પ્રયત્નો માટે સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા હતા. બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલમા અસ્પૃશ્યોના પ્રતિનિધિ સ્વરૂપે શ્રી ડી. ડી. ઘોલપનું નામાંકન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાના ઓર્ડરનો વ્યાપ અસ્પૃશ્યોના બાળકો સુધી પહોંચે તે માટે શ્રી ઘોલપે કાઉન્સિલના પ્રયાસ વિશે પ્રશ્નો કર્યા હતા. તેમણે ગામડાઓમાં અસ્પૃશ્યોને પાણી મેળવવા માટે પડતી હાલાકી, જો પાણી મળી જાય તો પુરતો પુરવઠો નહીં હોવાના પ્રશ્નો, ક્યાંક તો પાણી મળતું જ નહીં હોવાના દાખલાઓ આપીને સરકારને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત શ્રી ઘોલપ ગામડાઓમાં અસ્પૃશ્યોના બાળકો માટે વધારે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તથા અસ્પૃશ્યોની દિકરીઓ માટે અલગ હોસ્ટેલ ખોલવા માટે સરકાર શું કરવાનું વિચારી રહી છે એવી પૃચ્છા સતત કરતા રહેતા હતા.
આ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ શ્રી એસ. કે. બોલેએ 4થી ઑગસ્ટ 1923 માં બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલમાં રજૂ કર્યો. બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલ દ્વારા શ્રી બોલેના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો.
શ્રી એસ. કે. બોલે સ્વયં નામાંકિત, ધીરગંભીર, હંમેશા સતર્ક અને સાવધાન રહેતા સાચા અર્થમાં સુધારક પૈકીના એક હતા. દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોને આગળ લાવવા તથા ભેદભાવ, અસ્પૃશ્યતા દૂર કરવા સાહસિક પગલા લેવામાં ખચકાટ નહોતા અનુભવતા. એમનાં સાહસનું એક ઉદાહરણ એ છે કે 1906 માં આર્યસમાજના કાર્યકર્તાઓની સાથે રહીને આતંરજ્ઞાતિય સમૂહ ભોજન સમારંભમાં સ્ક્રીય ભાગ લેવાને કારણે ભંડારી સમાજની સામાજિક બહિષ્કાર કરવાની ધમકીઓનો મક્કમતાથી સામનો કર્યો હતો અને છેવટે વિજયી થયા હતા. શ્રી બોલે એવું માનતા અને કહેતા પણ કે “અસ્પૃશ્યતા એ મહાન ભારત પર લાગેલું સૌથી મોટું કલંક છે તથા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોને બહેતર સ્થિતિ માં લાવવો એ રાષ્ટ્ર હિતનું જ કાર્ય છે.”
શ્રી એસ.કે. બોલે દ્વારા સૂચવાયેલ અને બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલે સ્વીકાર્યો એ પ્રસ્તાવ શું હતો ? એ પ્રસ્તાવ હતો કે, ” કાઉન્સિલ એવી ભલામણ કરે છે કે જે મિલકતનું બાંધકામ તથા એની સારસંભાળ જાહેર ભંડોળમાંથી/ દ્વારા કરવામાં આવ્યું હોય, જેનો વહીવટ સરકાર દ્વારા નિમણૂંક પામેલી કે કાયદા દ્વારા બનાવવામાં આવેલી સમિતિ કરતી હોય એવા દરેક સ્થળે જ્યાં પાણી ઉપલબ્ધ હોય/મેળવી શકાય એવું હોય, કુવાઓ, ધર્મશાળાઓ, શાળાઓ, ન્યાયાલયો, કાર્યાલયો, દવાખાનાઓ વગેરેનો ઉપયોગ કરતાં અસ્પૃશ્યોને રોકી શકાશે નહીં.”
શ્રી એસ. કે. બોલેનો પ્રસ્તાવ એક રીતે જોતા એક કાળા યુગની વિદાયની નવી આશાઓ જગાવતો હતો, તો સવર્ણ હિંદુઓના તેમના જ સહધર્મીઓ પ્રત્યેના વલણમાં બદલાવ લાવવાના સ્તુત્ય પ્રયાસ તરફ અંગુલિનિર્દેશ કરતો હતો. આ તરફ સરકારના હાથમાં આ પ્રસ્તાવ નો કડક હાથે અમલ કરાવવાનું કઠિન કામ આવ્યુ હતું.
બોમ્બેના કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના લોકો શ્રી એસ. કે. બોલેના પ્રસ્તાવને કારણે એમનાથી ખુબ જ અભિભૂત થયા હતા. તેમણે શ્રી બોલે પ્રતિ પોતાનો આદર, અહોભાવ તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવા એક જાહેર સમારંભ ગોઠવીને શ્રી બોલેને સુવર્ણચંદ્રક એનાયત કર્યો.
આ દરમિયાન ડૉ. આંબેડકર સમગ્ર ઘટનાક્રમ અને સ્પૃશ્યો તથા અસ્પૃશ્યોમાં ઉઠતા પ્રત્યાઘાતોનો ઝીણવટભરી દ્રષ્ટિથી અભ્યાસ કરતા હતા. પોતાની વકીલાતની સાથે સાથે પોતાનાં જીવનના એક માત્ર લક્ષ્ય તરફ ક્યાંકથી સરસ શરૂઆત થઈ છે એ જોઈ કદાચ હર્ષ અનુભવતા હશે. જોકે ડૉ. આંબેડકર પોતાને થયેલા અનુભવોથી એવી કલ્પના કરી શકતા હતા કે સવર્ણ સમાજમાંથી આ પ્રયાસને અનુકૂળ આવકાર નહીં જ મળે. અસ્પૃશ્યોનાં માનવીય અધિકારનો પ્રશ્ન આવે ત્યારે સવર્ણોનું હઠીલુ અને જડ વલણ ડૉ. આંબેડકર બાળપણથી જ જોતા અને અનુભવતા આવ્યા હતા. પોતાની કલ્પના સત્ય બની શકે છે એને કારણે ચિંતિત, વ્યગ્ર હતા અને સાથે સાથે જો પ્રસ્તાવનો અમલ કરવામાં સવર્ણ સમાજ તરફથી અડચણો ઊભી થાય તો પણ ભારતના માથેથી અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા, અસ્પૃશ્યોને તેમના સ્વમાન, માનવીય અધિકાર અપાવવાના તેમના કાર્યને કેવી રીતે આગળ વધારી શકાય એનું આયોજન કરવામાં વ્યસ્ત હતા.
શ્રી એસ.કે. બોલેના પ્રસ્તાવનો બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલે સ્વીકાર કર્યા બાદ બોમ્બે પ્રાંત સરકારે બધા જ વિભાગોના હેડને અમલવારી માટે એક વિસ્તૃત આદેશ 11 મી સપ્ટેમ્બર 1923ના રોજ બહાર પાડ્યો.
ક્રમશઃ