ભીમરાવ રામજી આંબેડકર હવે માત્ર ભીમરાવ રામજી આંબેડકર નહોતા પરંતુ લંડન યુનિવર્સિટીના ડૉક્ટર ઓફ સાયન્સ હતા, બૅરિસ્ટર હતા. ભીમરાવ રામજી આંબેડકર હવે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર હતા, હવે યુરોપની વિશ્વ પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં અભ્યાસ કરીને આવેલા સ્કોલર હતા, અમેરિકામાં પ્રશિક્ષિત ડૉક્ટર ઓફ ફિલોસોફી હતા. ડૉ. ભીમરાવ આંબેડકર હવે એ દરેક શસ્ત્રાસ્ત્રથી સુસજ્જ હતાં જેનાથી એ તાર્કિક, સામાજિક, ઐતિહાસિક, કાયદાકીય વગેરે જેવા કોઈ પણ ક્ષેત્રના પ્રશ્નોને ના માત્ર પડકાર આપી શકતા હતા પરંતુ સરળતાથી પોતાના વિચારોને રજૂ કરીને મનાવી શકતા હતા.
કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્થાન કરવાના તેમના જીવન લક્ષ્યની પૂર્તિ માટે કાયદાકીય, આર્થિક, સામાજિક સાધનો ઊભા કરી શકાય તેમ વિચાર કરીને ડૉ. આંબેડકરે ન્યાયાલયમા ધારાશાસ્ત્રી તરીકે કાર્ય કરવાનું નક્કી કર્યું. વકિલાત કરવા માટે સૌથી પ્રથમ આવશ્યક એવી સનદ મેળવવા માટે કેટલીક આર્થિક અગવડ પડી રહી હતી પરંતુ ડૉ. આંબેડકરના પરમ મિત્ર એવાં નવલ ભાથેનાના સહયોગથી એ અગવડનો રસ્તો કાઢીને છેવટે જૂન, 1923માં ડૉ. આંબેડકરે સનદ મેળવીને વકિલાત શરુ કરી.
અમેરિકા, યુરોપમાં લાંબો સમય અભ્યાસ કર્યો હતો એને આધારે ડૉ. આંબેડકર એવું વિચારતા હતા કે શિક્ષણ વધતા અસ્પૃશ્યતાનું નિવારણ આવી શકે છે જોકે વડોદરામાં એમના ટુંકા નોકરી કાળ દરમિયાન સાવ વિપરીત અનુભવ થયો જ હતો.
શિક્ષણનો આવિર્ભાવ થતા વ્યક્તિના મનમાં અસ્પૃશ્યતા જેવા અમાનવીય, અન્યાયકર્તા વિચાર ટકી જ કેવી રીતે શકે ? પરંતુ બોમ્બેના ન્યાયાલય કંઈક જુદાં જ વાતાવરણનું દર્શન કરાવતાં હતા. જ્યાંથી સામાન્ય નાગરિક પોતાના નાગરિક, માનવીય અધિકાર માટે ન્યાયની અપેક્ષા કરતા હતા એ ન્યાયાલયના ખૂણેખૂણા અસ્પૃશ્યતાના અમાનવીય, અન્યાયી વલણથી ભરેલા હતા. ન્યાયાલયમાં પણ ચારેતરફ જાતિવાદી ભેદભાવ અને અસ્પૃશ્યતાના ઝેરી કાંટા પથરાયેલા હતા. અરે ! હદ તો ત્યારે થઈ જ્યારે અહીં તો ડૉ. આંબેડકરને પોતાની ચામડીના રંગના કારણે પણ ભેદભાવ સહન કરવો પડ્યો. દેશમાં કદાચ જ એવી કોઈ જગ્યા બાકી બચી હશે કે જેને તે વખતે અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, અમાનવીય વ્યવહારે પોતાની નાગચૂડમાં ના દબાવ્યા હોય.
ન્યાયાલયમાં પણ અસ્પૃશ્યતા અને જાતિગત ભેદભાવ જેવા અમાનવીય વાતાવરણને જોઈ ને ડૉ. આંબેડકરને પ્રથમ તો આઘાત લાગ્યો. જોકે આ ભેદભાવ એમના લક્ષ્ય અને કાર્ય પ્રત્યેના અડગ નિર્ધારને ડગાવી શકી નહીં, અને ડગાવી પણ કેવી રીતે શકે ? કારણકે બાલ્યાવસ્થાથી આજદિન સુધી સતત અપમાન, અવહેલના સહન કરતા કરતા જ તો સિમાડાથી અહીં શિખર સુધીનો પ્રવાસ ડૉ. આંબેડકર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. એવું કહેવું જરાક પણ વધારે પડતુ નહીં હોય કે ભીમરાવ રામજી આંબેડકર થી ડૉ. ભીમરાવ આંબેડકર સુધીની અત્યંત કઠીન અને ડગલે ને પગલે કંટકોથી આચ્છાદિત કેડી પર દોડી ને વિજેતા બન્યા હતાં તેથી એમને હવે આવા જાતિવાદી લોકોના ગંદા પ્રયાસોની જે અસર થતી હતી તે દર્શાવવાનું યોગ્ય જ નહોતું લાગતુ પરંતુ આવાં અમાનવીય અનુભવો અને ગંદકીથી ભરપુર માનસિકતા ધરાવતા લોકો દેશને ચોતરફ થી વિંટળાઈ વળેલી અસ્પૃશ્યતા રૂપી વિષવેલને જડમૂળથી નાબૂદ કરવાના ડૉ. આંબેડકરના નિર્ધારને ઓર પોલાદી બનાવવા માટે ભાગ ભજવતા હતા.
દેશનો ખૂણે ખૂણો જ્યારે અસ્પૃશ્યતાના જાતિવાદી અન્યાયી, અમાનવીય ભેદભાવથી ખદબદતો હતો ત્યારે જ દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોમાં પ્રસરેલી સુધારણાની નવિન લહેર તથા પ્રતિકાર કરવાની આવતી જતી મજબુતીના કારણે આ વર્ગોના માનસિક, આર્થિક અને સામાજિક વર્તનમાં દેખાય એવો બદલાવ આવવા માંડ્યો હતો. અસ્પૃશ્યોમાં વધતો શિક્ષણ નો પ્રસાર, ટપાલ, ટેલીગ્રામ જેવા સંચાર ના વધતા માધ્યમો, રેલવે જેવી વાહનવ્યવહારની વધતી સુવિધાઓ તથા સ્વતંત્રતા સંગ્રામના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રવાદી વિચારોના પ્રભાવ અને પ્રસારને કારણે નગણ્ય કહી શકાય એવી રીતે અસ્પૃશ્યતાના ઘૃણાસ્પદ આચાર અને વિચારમાં અસરકારક રીતે પરિવર્તન આવતુ જતુ હતુ.
એક તરફ ન્યાયના ઘરમાં શિક્ષિતો દ્વારા આચરવામાં આવતી અસ્પૃશ્યતા, બીજી તરફ અસ્પૃશ્યોમાં આવી રહેલા સકારાત્મક અને મજબૂત પરિવર્તન હતા, ત્રીજી તરફ સ્વતંત્રતા સંગ્રામના વિસ્તાર અને પ્રસારથી આવેલા રાષ્ટ્રવાદી વિચારોથી ભલે ઓછી પરંતુ અસ્પૃશ્યતા નહીં રાખવાની શરૂઆત થઈ રહી હતી એવામાં એક સુધારો અમલમાં આવ્યો જેના પરિણામો ખુબ જ દુરોગામી રહેવાના હતા. આ એ સુધારો હતો જે ડૉ. આંબેડકર ને અસ્પૃશ્યો નાં સર્વસ્વીકૃત નેતા ઘોષિત કરી દેવાનો હતો.
ક્રમશઃ