એક તરફ દેશમાં સતત વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને હજુ સુધી ધમકી આપનાર સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે રાજકોટમાં 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ રંગીલા રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ મળ્યો હતો. ઈમેઇલ મળતાં જ હોટલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધમકીના ઈમેઈલના પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચાર આવતાની સાથે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ઈમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક સાથે ઈમેઈલ આવ્યો છે. આ પ્રકારની ધમકીનો મેઈલ આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે અને આ અંગે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસ ઈમેઈલ ક્યાંથી આવ્યો? કોણે કર્યો છે? તેનું પગેરુ શોધવા સઘન તપાસમાં લાગી ગઈ છે. તહેવાર સમયે જ રાજકોટની પ્રતિષ્ઠિત હોટલોને બોમ્બની ધમકી મળતાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હોટલ્સ ખાતે પહોંચ્યો હતો. જોકે, એકપણ હોટલમાં હજુ સુધી કંઈપણ ના મળી આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.