ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સવાલો ઉઠાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને હિન્દુઓના નામે મકાનો લઈ મુસ્લિમો કબ્જો ધરાવતા હોવાનાં નામજોગ આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે ભાજપના સ્થાનિક આગેવાનો અતુલ પંડિત, ધર્મેદ્ર મિરાણી તેમજ કેટલાક રહેવાસીઓને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વોર્ડ નં. 2 માં જ્યાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે ત્યાં કોઈને કોઈ કારણસર મુસ્લિમના નામે દસ્તાવેજ થાય છે કે હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમો રહે છે. આ બારામાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નહેરુનગર વિસ્તારમાંથી હિન્દુઓ હિઝરત કરી ગયા છે. તેમજ સુભાષનગર 8-9 તેમજ 10 નંબરની શેરીમાં પણ હિન્દુઓ હિઝરત કરી ગયા છે. આ વિસ્તારોમાં મુસ્લિમને મકાન વેચવાનું હોય તો તે હિન્દુ સિવાય કોઈને વહેંચી શકે નહીં તેવી કડક કાર્યવાહી થાય તો જ આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમોનું બેલેન્સ થાય તેમ છે. હાલ આ વિસ્તારમાં પોલરાઈઝેશન થવાથી આ વિસ્તાર સંવેદનશીલ બનતો જાય છે. રૈયા રોડ પર દર વર્ષે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા નિકળે ત્યારે પણ આ સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ બંદોબસ્તની જરૂર રહે છે.
હાલ આ વિસ્તારમાં જે મકાનોના સોદા થઈ રહ્યા છે તેમાં બ્લેક મનીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સાથો સાથ મની લોન્ડરીંગ પણ થયું હોય તેવુ જણાય છે. અગાઉના નાયબ કલેક્ટર ચૌધરી તથા નાયબ મામલતદાર વર્ષાબેન વેગડે અસરકારક કામગીરી કરી હોય તેવું જણાતુ નથી. હાલના નાયબ કલેક્ટર તથા તેની નીચેના અધિકારી પોલીસ તથા હાઈકોર્ટના બહાના આપી મુસ્લિમોને મંજુરી આપતા હોય તેવું જણાય છે. તો આ બાબતમાં ઉંડાણપુર્વક તપાસ કરવી જરૂરી છે.
આવેદનમાં આક્ષેપ કરાયો છે કે, સૌપ્રથમ મુસ્લિમ લોકો મકાનમાં ગેરકાયદે મસ્જિદ બનાવે છે તેથી આજુબાજુમાં રહેતા હિન્દુઓ ત્યાંથી હિઝરત કરવા માંડે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને એક બીજાને સંમતિ આપી મકાન વેચવા પ્રેરાય છે. આવેદનપત્રમાં કેટલાક મકાનોના શંકાસ્પદ વેચાણો અંગે પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.