અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટના જેમાં દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપીંડી કરીને PMJY યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ઉલીખનીય છે કે આ ઘટનામાં બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓના સગા-વ્હાલાઓ દ્વારા થયેલા વિરોધ બાદ જવાબદાર તબીબો ઘટના સ્થળેથી ગાયબ થઈ ગયા હતા જેને પરિણામે દર્દીઓ રઝળી પડ્યા હતા. હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તે દર્દીઓ તબીબોની ગેરહાજરીના કારણે રઝળી પડ્યા હતા. સારવારના અભાવે રઝળી પડેલા દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે.
સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હોવાના સમાચાર વિશે વધુ માહિતી આપતાં PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી પહોંચેલી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે, જે દર્દીઓ તબીબો વગર રઝળી રહ્યા છે તેમની સારવાર કરવામાં આવશે તથા જે કોઈ દર્દીઓની આવશ્યકતા જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે અને તે દર્દીઓને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ થયેલા મૃત્યુ બાદ PMJY હેલ્થ મિશન ડાયરેક્ટર ડૉ. યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે ડોક્ટર અને હોસ્પિટલની તપાસમાં જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે#Ahmedabad #gujarat #hospital #KhyatiHospital pic.twitter.com/Pjpe9RcVDE
— DD News Gujarati (@DDNewsGujarati) November 12, 2024
PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર યુ.ટી. ગાંધીએ આગળ જણાવ્યું કે, PMJY ના નામે કરવામાં આવેલી છેતરપિંડીના દાવા વિશે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવશે તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા મળશે, આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.