- સર્વોચ્ચ ન્યાયાલયે સંબંધિત કાયદાઓ પર આગલા આદેશ સુધી રોક લગાવી.
- 4 સભ્યોની કમિટીની રચના કરી
- ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કાયદા નાબૂદ કરવાની માંગ છે ખેડૂતોની
સર્વોચ્ચ ન્યાયાલયે કૃષિ સંબંધિત કાયદાઓના અમલ ઉપર લગાવી રોક
ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો તથા કેન્દ્ર સરકાર વચ્ચે આઠ રાઉન્ડ સુધી વાતચીત અનિર્ણિત રહી છે ત્યારે આજે સર્વોચ્ચ ન્યાયાલયે આજે ચુકાદો આપતા ત્રણેય કૃષિ સંબંધિત કાયદાઓના અમલ ઉપર નવા આદેશ ન આવે ત્યાં સુધી રોક લગાવી છે. સર્વોચ્ચ ન્યાયાલયે ચાર સદસ્યોની એક કમીટીની રચના કરી છે.
ચાર સદસ્યોની કમીટીની રચના કરી
સર્વોચ્ચ ન્યાયાલયે કૃષિ સંબંધિત કાયદાઓ ઉપર આગલા આદેશ સુધી રોક લગાવવાની સાથે સાથે કેન્દ્ર સરકાર તથા ખેડૂત નેતાઓ પોતાની વાત રજૂ કરવા માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે બનાવેલી કમિટીમાં ભારતીય કિસાન યુનિયનના ભુપેન્દ્રસિંહ માન, ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડૉ. પ્રમોદ જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી તથા શેતકરી સંગઠન મહારાષ્ટ્રના અનિલ ધનવંત સામેલ છે. આ પહેલા ખેડૂતો દ્વારા જસ્ટિસ કાત્જુ તથા અન્ય એક નિવૃત્ત ન્યાયમૂર્તિના નામ સૂચવ્યા હતા જેને સર્વોચ્ચ ન્યાયાલયે એવું કહીને નકારી દીધા હતા કે કમીટીના સભ્યો કોણ હશે તે સર્વોચ્ચ ન્યાયાલય નક્કી કરશે.