- દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમની કાર્યવાહી
- બેંગલુરુની એક્ટિવિસ્ટની ધરપકડ
- ગ્રેટા થનબર્ગે શેર કરેલી ટુલકીટ એડીટ કરી હતી ધરપકડ કરાયેલી એક્ટિવિસ્ટે
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમની કાર્યવાહી
ગ્રેટા થનબર્ગે શેર કરેલી ખેડૂત આંદોલન અંગેની ટુલકીટ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમને પ્રારંભિક મોટી કહી શકાય એવી સફળતા પ્રાપ્ત થઈ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બેંગલુરુથી 21 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમના અધિકારીના જણાવ્યા મુજબ દિશા રવિ ટુલકીટ કેસની એક કડી છે. મળતી જાણકારી પ્રમાણે પ્રારંભિક પુછપરછમાં દિશા રવિએ જણાવ્યું છે કે તેણે ગ્રેટા થનબર્ગે શેર કરેલી ટુલકીટ એડીટ કરી હતી તેમાં કેટલીક બાબતો ઉમેરી હતી અને બાદમાં તેને આગળ વધારી હતી. સ્પેશિયલ સેલ હવે રિમાન્ડ માંગીને આગળ પૂછપરછ કરશે એવું માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં હજુ કેટલીક ધરપકડ થઈ શકે છે.
કોણ છે દિશા રવિ ? અને ટુલકીટ કેસમાં એ કડી કેેે રીતે ગણી શકાય
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે જેની બેંગલુરુથી ધરપકડ કરી તે દિશા રવિ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ તથા ફ્રાઈડે ફોર ફ્યુચર કેમ્પેન ઈન્ડિયાના સ્થાપકોમાંની એક છે. દિશા રવિ પર આરોપ છે કે તેણે 26 મી જાન્યુઆરીએ લાલ કિલ્લા તથા દિલ્હીમાં થયેલી હિંસાને લઈને ભારત ઉપર સાયબર સ્ટ્રાઈક માટે તૈયાર કરવામાં આવેલી ટુલકીટને એડિટ કરી હતી, ટુલકીટમાં કેટલીક બાબતો ઉમેરીને આગળ સરક્યુલેટ કરી હતી. 4થી ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ટુલકીટ બાબતે કેસ દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ટૂલ કિટના સ્ક્રિપ્ટ રાઈટર એક ખાલિસ્તાની સંગઠન છે. આ મામલે દિલ્હી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને હવે દિશા રવિની (Disha Ravi) ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્વીડિશ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને ભારતમાં કૃષિ સંબંધિત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન કર્યું હતું. ગ્રેટા થનબર્ગે ટ્વીટર પર એક ટુલકીટ શેર કરી હતી જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા માટે વિડિયો, ફોટો, ટ્વીટર હેશટેગ, ટેગિન્ગ એકાઉન્ટસની યાદી સહિત કેટલીક સામગ્રી મોજુદ હતી. જોકે ગ્રેટા થનબર્ગે બાદમાં ટુલકીટ શેર કરતી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.
ટુલકીટ શું છે ?
ટુલકીટ એટલે કોઈ પણ નિશ્ચિત આયોજનની વિગતો તથા રૂપરેખા ધરાવતો દસ્તાવેજ ગણી શકાય. ટ્વીટર પર કોઈ અભિયાનને ચલાવવા માટે તૈયાર કરવામાં આવેલી ટુલકીટમાં જે તે અભિયાનને ટ્રેન્ડ કરાવવા સંબંધિત દિશાનિર્દેશો તથા સામગ્રી હોય છે. આ પ્રકારની ટુલકીટમાં ટ્વીટર પર ક્યારે કયા હેશટેગ ચલાવવા, કયા ફોટો, મીમ, તૈયાર ટ્વીટ શેર કરવાની તારીખ, સમય વગેરે જણાવવામાં આવતા હોય છે અર્થાત્ એવી બધી જ સામગ્રી હોય છે જેના દ્વારા ચોક્કસ અભિયાનના સમર્થનમાં અને વિરોધીઓના વિરોધમાં ટ્વીટર પર ટ્રેડિંગ કરાવીને વૈશ્વિક સ્તરે ધ્યાન કેન્દ્રિત કરી શકાય.