એપ્રિલ 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST દ્વારા રેકોર્ડ 2.10 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયુ છે. GST દ્વારા થયેલા કલેક્શનમાં અત્યાર સુધીના કોઈપણ મહિનામાં થયેલું આ સૌથી વધુ જીએસટી કલેક્શન છે. અગાઉનો GST દ્વારા કલેક્શનનો રેકોર્ડ રૂ. 1.87 લાખ કરોડ હતો જે એપ્રિલ 2023માં થયું હતું.
વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 12.4%નો વધારો થયો છે. જ્યારે ગયા મહિને એટલે કે માર્ચ 2024માં GST કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે મહિના દર મહિનાના આધારે કલેક્શનમાં 18%નો વધારો થયો છે. સરકારે 18 હજાર કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા.
રિફંડ આપ્યા બાદ નેટ GSTની આવક ₹1.92 લાખ કરોડ રહેવા પામી છે. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો ગણી શકાય છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST નુ ₹50,307 કરોડ અને SGST નું ₹41,600 કરોડની પતાવટ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GSTનું કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ થયું હતું, જે અગાઉના વર્ષે રૂ. 20 લાખ કરોડની થયેલી આવક કરતાં 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.