Spread the love

– છત્તીસગઢના જશપુર જીલ્લાની કમકમાટીભરી ઘટના

– ગાંજો ભરેલી ધસમસતી ગાડીએ માઈ ભક્તોને કચડ્યા

– 1 નું મૃત્યુ, 26 લોકો ઈજાગ્રસ્ત

છત્તીસગઢના જશપુર જીલ્લાની કમકમાટીભરી ઘટના

છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગાંવમાં લગભગ 150 લોકો એકઠાં થઈને દુર્ગા માં વિસર્જન માટે જઈ રહ્યાં હતા ત્યારે ધસમસતી કારની ટક્કરથી 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 4 લોકોની સ્થિતિ ગંભીર છે. ધસમસતી આવેલી કારમાં ગાંજો ભરેલો હતો અને તસ્કરો ગાંજાને ઓરિસ્સાથી મધ્યપ્રદેશના સિંગરૌલી લઈ જતા હતા.

લોકોનો આક્રોશ ઉતર્યો

અચાનક જ તેજ ગતિમાં ધસી આવેલી ગાડીએ માઈ ભક્તોને અડફેટે લેવાની ઘટના પછી લોકોએ કારના ડ્રાઈવરને ઘટના સ્થળથી 5 કિલોમીટર દૂર સુખરાપારાથી ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઢોરમાર માર્યો હતો. ભીડને ટક્કર મારનારી કારને પણ લોકોએ આગના હવાલે કરી દીધી હતી. પોલીસને પણ આરોપીને ભીડની પકડમાંથી છોડાવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડ્રાઈવરને ભીડથી બચાવી પોલીસ રાયગઢ જિલ્લાના કાપૂ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. લોકોના ગુસ્સાને જોતા ઘટના સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત શું છે ? કેટલા વાગ્યે બની ઘટના ? ગાડીની ઝડપ કેટલી હતી ?

દુર્ઘટના લગભગ બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઘટી હતી જ્યારે પત્થલગામમાં 7 દુર્ગા પંડાલની મૂર્તિનું વિસર્જન કરવા માટે લોકો નદી તરફ લઈ જઈ રહ્યાં હતા કે અચાનક જ અંધાધૂંધ ઝડપથી આવેલી કારે વિસર્જન માટે જતા ભક્તો પર ગાડી ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનાને કારણે ગૌરવ અગ્રવાલ (21 વર્ષ)નામના યુવાનનું મોત થયું છે. જ્યારે બેંડ વગાડી રહેલા 4 લોકો ગંભીર રીતે સહિત 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે કારની સ્પીડ લગભગ 100થી 120ની હતી. ગાડી ધસમસતી અંધાધૂંધ ઝડપથી આવી અને સીધા જ લોકોને હડફેટે ચડાવ્યા હતા.


Spread the love