Spread the love

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાંથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદ અને અંદાજે 125 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે આવનારી કુદરતી આફત સામે તંત્ર પણ સતર્ક બન્યું છે, તંત્ર દ્વારા સાવચેતીની તમામ કામગીરી કરવામાં આવી રહી છે. ‘બિપોરજોય’ જ્યાં ટકરાવાનું છે તેવા દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તોફાની પવન અને ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આઠ જિલ્લાની શાળા કોલેજોમાં બુધવાર અને ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાંની અસર થનાર વિસ્તારમાં માઇક તથા અન્ય સાધનો દ્વારા લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસર આજે સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ અને સોરઠ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વેરાવળ-સોમનાથમાં 6 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ તથા માળિયા, કેશોદ અને માંગરોળમાં ચાર ઈંચ વરસાદ પડતા નદી-નાળાઓમાં પૂર આવ્યાં હતાં જ્યારે મેંદરડા, માણાવદર અને વંથલીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, જામનગર પંથકમાં પણ ઝાપટાંથી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. અરબ સાગરમાં ઉદ્ભવેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. બિપોરજોય વાવાઝોડુ પ્રતિકલાક 8 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે. આ લખાય છે ત્યારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિમી તો દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે અને નલિયા તથા જખૌ બંદરેથી 430 કિમીના અંતરે વાવાઝોડું છે. 14 જૂને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાને ઓળંગશે જ્યારે 15 જૂને માંડવી અને કરાંચી વચ્ચેથી પસાર થવાની શક્યતા છે. ધીમે ધીમે તે કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે જેની અસર ગુજરાતના દરિયાકાંઠે વર્તાઈ રહી છે. વાવાઝોડાંને લઈને આવતીકાલે પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0થી 5 કિમી અને ત્યારબાદ 5થી 10 કિમીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે. જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડું ટકરાશે તેવા સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવી છે એમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું. વાવાઝોડાં સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે દરિયાકિનારાના કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ ઉમેર્યું હતું કે, નાગરિકોની સલામતી માટે વાવાઝોડાં પ્રભાવિત વિસ્તારમાં જ્યારે 60 કિ.મી. પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન શરૂ થશે ત્યારે વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે. વાવાઝોડાં બાદ વીજળી પુરવઠો પૂર્વવત્ કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજપોલ સહિતનો જરૂરી  જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડાં પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફ- એસડીઆરએફની 12-12 ટીમો તહેનાત કરાઈ છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં એક ટીમ અનામત રખાઈ છે. વાવાઝોડાં બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજ્જકરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 13થી 14 જૂનની વચ્ચે દ્વારકા, અમરેલી, સોમનાથમાં તથા 14થી 15 જૂન વચ્ચે કચ્છ, પોરબંદર, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં અને 15થી 16 જૂનની વચ્ચે કચ્છ, દ્વારકા, જામનગરમાં, પોરબંદર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડું વધુ તીવ્ર બનતાં મોટા ભાગનાં બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કચ્છનાં 72 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં દરિયાકાંઠાના લોકોના સ્થળાંતરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે શેલ્ટર હોમ પણ ઊભા કરવામાં આવ્યા છે. દરમિયાનમાં વાવાઝોડાંથી લોકોને નુકસાન ન થાય તે માટે લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. જેમાં કંડલામાંથી 1000 લોકોનું, દ્વારકામાંથી રૂપેણમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરાયું છે ત્યારે સુરેન્દ્રનગરના રણમાંથી અગરિયાઓને પણ સલામત સ્થળે જવાની સુચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર તરફની 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તો બીજી બાજુ એસટીના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *