- રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન
- બે મહિના પહેલા અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
- રાજકોટથી ચેન્નાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા અભય ભારદ્વાજનું આજે સાંજે ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ બે મહિના પહેલા પોઝિટિવ આવ્યો હતો અને રાજકોટમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ તેમને ફેફસામાં તકલીફ સર્જાતા ચેન્નાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. ગુજરાતના રાજકારણ ઉપર કોરોના મહામારીનો રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના અવસાન બાદ બીજો આઘાત છે.
ભાજપના વરિષ્ઠ નેતા અભય ભારદ્વાજ
અભય ભારદ્વાજનો જન્મ પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં જીજા શહેરમાં જન્મ્યા હતા. યુગાન્ડામાં જન્મ હોવા છતાં તેમણે તેમની કર્મભૂમિ ભારતના ગુજરાતને બનાવ્યું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે જનસત્તા સાથે જોડાયા હતા અને માત્ર 18 વર્ષની ઉંમરે સમગ્ર ભારતના સૌથી યુવાન સબ એડિટર બન્યા હતા. અભય ભારદ્વાજની રાજકીય કારકિર્દી પણ યુવા વયે જ શરૂ થઈ હતી અને માત્ર 23 વર્ષની યુવાન વયે જનતા પાર્ટીના રાજકોટ શહેરના મહામંત્રી નિમાયા હતા તથા અખિલ ભારતીય કારોબારીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભય ભારદ્વાજ રાજકારણી હોવા ઉપરાંત સફળ વકીલ પણ હતા તેમના હાથ નીચે 210 જુનિયર ધરાવવાનો વિક્રમ એમના નામે છે. વકીલ, રાજકારણી હોવા ઉપરાંત અભય ભારદ્વાજે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, અગ્નિકાલ નામની ફિલ્મમાં તેમણે જજ તરીકે તથા બાપા સીતારામ ફિલ્મમાં કલેકટરનુ પાત્ર ભજવ્યું હતું. આ વર્ષે ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટે ભાજપના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી અને તેઓ રાજ્યસભાના સાંસદ ચુંટાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા ટ્વીટર પર ટ્વીટ કરીને દુઃખ તથા અભય ભારદ્વાજના પરિવાર પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર મન ગુમાવી દીધું છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેના પરિવાર અને મિત્રોને સંવેદના. ઓમ શાંતિ.