તાજેતરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મમાં જોવા મળેલા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અભિનેતાની આ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે.
વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને દર્શકોના હ્રદયમાં જગ્યા બનાવી છે. વિક્રાંતે આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે. 1 ડિસેમ્બરે વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય સર્જાયું હતું.
વિક્રાંતે અભિનયમાંથી લીધી નિવૃતિ
વિક્રાંતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હેલો, છેલ્લાં કેટલાંક વર્ષ અને ત્યાર પછીના વર્ષો શાનદાર રહ્યા. આપના નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને સમજાયું છે કે તે ફરીથી મુલ્યાંકન કરવાનો અને પતિ, પિતા, પુત્ર અને અભિનેતા તરીકે પણ ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. તેથી,આગામી 2025 માં આપણે છેલ્લી વાર એકબીજાને મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી આભાર, ફરીથી દરેક બાબત માટે સદૈવ માટે આભારી રહીશ.”
વિક્રાંતના નિર્ણયથી ચાહકોને આંચકો
વિક્રાંતની આ જાહેરાતથી ચાહકો અને બધાને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં અભિનેતાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી, એક યુઝરે લખ્યું, “તમે આવું કેમ કરશો? તમારા જેવો અભિનેતા ભાગ્યે જ કોઈ હશે. અમને સારી ફિલ્મોની જરૂર છે.” અન્ય એક ટિપ્પણીમાં ચાહકે લખ્યું : “એક મહાન કારકિર્દી પાછળ છોડી,” જ્યારે ત્રીજાએ લખ્યું: “હું આશા રાખું છું કે આ સત્ય નથી.”
વિક્રાંત મેસીની કેરિયર
વિક્રાંતના કેરિયર વિશે વાત કરીએ તો, ગયા વર્ષે જ તેને 12th ફેલમાં IPS મનોજ કુમાર શર્માની ભૂમિકા માટે ઘણી પ્રશંસા મળી હતી. તેની ઓગસ્ટમાં રિલીઝ થયેલી ફિર આયી હસીન દિલરૂબામાં તેણે રીશુની ભૂમિકામાં પુનરાગમન કર્યું હતું અને આ ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. તાજેતરમાં વિક્રાંત મેસ્સી અભિનીત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ રીલિઝ થઈ હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ તેની પ્રશંસા કરી છે.