પાકિસ્તાનમાં બલૂચ લડવૈયાઓએ (BLA) જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે. એટલું જ નહીં, બલૂચ આર્મીએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સુરક્ષા દળો કોઈ સૈન્ય કાર્યવાહી શરૂ કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે. આટલું જ નહીં બલૂચ સેનાએ ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને બંધક બનાવી લીધા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ સોશિયલ મીડિયા પર ટ્રેન હાઇજેકની માહિતી આપી હતી.

બલૂચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઓપરેશન મશ્કફ, ધાદર, બોલાનમાં કરવામાં આવ્યું હતું. જ્યાં તેના લડવૈયાઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી. આ પછી ટ્રેનને કાબૂમાં લેવામાં આવી હતી અને તમામ મુસાફરોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
BLAએ આપી ધમકી
બલૂચ લિબરેશન આર્મીએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ પણ સૈન્ય કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેના પરિણામો ભયંકર હશે અને તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ હત્યાઓની જવાબદારી સંપૂર્ણપણે સેનાની રહેશે. જોકે બાળકો અને મહિલાઓને મુક્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હાઇજેક કરાયેલી ટ્રેનમાં 100 થી વધુ પાકિસ્તાની આર્મીના જવાનો પણ સામેલ છે.
6 સુરક્ષાકર્મીઓની કરી હત્યા
બલૂચ લિબરેશન આર્મીએ જણાવ્યું કે, આ ઓપરેશન મજીદ બ્રિગેડ, એસટીઓએસ અને ફતેહ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈપણ સૈન્ય કાર્યવાહીનો સમાન રીતે જોરદાર જવાબ આપવામાં આવશે. અત્યાર સુધીમાં સેનાના છ જવાનો માર્યા ગયા છે, અને સેંકડો મુસાફરો કસ્ટડીમાં છે. બલૂચ લિબરેશન આર્મી આ ઓપરેશનની સંપૂર્ણ જવાબદારી લે છે.