Spread the love

બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. ચક્રવાત બિપરજોયના કારણે ભારે તબાહીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતના જામનગર, ભુજ, નલિયાના એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં તમામ હેલિકોપ્ટર કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે સ્ટેન્ડ બાય પર છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાયા બાદ રાહત અને બચાવ માટે જરૂર પડ્યે સિવિલ એરપોર્ટ પરથી ઓપરેશન ચલાવવાની તૈયારી છે.

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો એકદમ નજીક પહોંચી ચૂક્યો છે, ત્યારે સાયક્લોન બિપરજોયની સંભવિત અસરને પગલે ભારતીય સૈન્ય પણ લોકોની મદદ કરવા માટે સજ્જ થયું છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડ અંતર્ગત આવતા ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગાંધીનગર, અમદાવાદ, ધ્રાંગધ્રા, જામનગર અને ભુજ સહિતના વિસ્તારમા તમામ સાધન સરંજામ સાથે જવાનો સ્ટેન્ડબાય રખાયા છે. જરૂરિયાત મુજબ ડિપ્લોયમેન્ટ કરવાના આદેશ મળશે એ મુજબ ટીમ પહોંચશે. 

કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોળાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીણવટપૂર્વક ચિતાર મેળવ્યો હતો. ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.  

રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે. NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ 3 ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની 12 ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.

મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્‍શ, જનરેટર સાહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા. સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની  સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ ‌‌‌‌દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા કલેકટરઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, આગામી 72 કલાક સુધી દર કલાકે વાવાઝોડાની સ્થિતિ અને દિશા બદલાઈ શકવાની શક્યતા છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સ્થિતિ પર સતત ધ્યાન રાખી સ્થાનિક પરિબળો મુજબ યોગ્ય નિર્ણય લે અને જરૂર જણાય ત્યાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમના સંપર્ક સાધી વધુ મદદ પણ મેળવે તે અપેક્ષિત છે. 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *