ભારતીય નૌકાદળનો ભાગ બનવા જઈ રહ્યા છે અત્યાધુનિક યુદ્ધ જહાજ જે દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દેશે. નૌકાદળને મળનારા યુદ્ધ જહાજમાં આક્રમણ માટે 8 બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવશે તથા હવાઈ હુમલાથી બચવા માટે તેમાં 32 મિસાઈલ લગાવવામાં આવશે. ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવનાર પ્રથમ અત્યાધુનિક મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ નેક્સ્ટ જનરેશન મિસાઇલ શિપ (NGMV) નું બાંધકામ કોચીન શિપયાર્ડ ખાતે સ્ટીલ કટીંગ સમારોહ સાથે શરૂ થયું છે.
ભારતીય નૌકાદળને આવા 6 યુદ્ધ જહાજો મળવાના છે. આ યુદ્ધ જહાજો 2027થી નૌકાદળમાં જોડાવાનું શરૂ કરશે. આ જહાજોને હાઈ-સ્પીડ યુદ્ધ જહાજ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ, મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલી, એર સર્વેલન્સ અને ફાયર કંટ્રોલ રડાર સાથે અદ્યતન હથિયાર અને સેન્સર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
‘Steel Cutting’ ceremony of the first of the six ships of Next Generation Missile Vessel (NGMV), held at @cslcochin, Kochi in presence of Cmde S Parthiban, Warship Production Superintendent, Kochi.
— SpokespersonNavy (@indiannavy) December 16, 2024
Capable of undertaking high speed operations & planned to be installed with… pic.twitter.com/CkXRke5w1z
સૌથી વધુ હથિયારો અને સેન્સરથી સજ્જ યુદ્ધ જહાજ
આ યુદ્ધજહાજો શ્રેષ્ઠ શસ્ત્રો અને સેન્સરથી સજ્જ હશે, જે નૌકાદળની લડાયક ક્ષમતાને મજબૂતી અને ગતિ આપશે. આ તમામ યુદ્ધ જહાજો હાઇ સ્પીડના હશે અને દુશ્મનના યુદ્ધ જહાજો અથવા જમીન પરના નિશાન પર પ્રહાર કરવા માટે મિસાઇલોથી સજ્જ હશે. મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલીની સાથે સાથે હવાઈ હુમલાને અગાઉથી જાણી લેવાની વ્યવસ્થા પણ હશે.
આ યુદ્ધ જહાજોની મહ્ત્તમ ગતિ 35 નોટ સુધી હશે અને તેમાં 93 ખલાસીઓ પણ તૈનાત કરી શકાશે. પ્રહાર કરવા માટે તેમાં 8 બ્રહ્મોસ લગાવી શકાય છે. હવાઈ હુમલાથી રક્ષણ માટે 32 એન્ટિ એર મિસાઈલો સ્થાપિત કરવા સક્ષમ હશે.
ઝડપથી આધુનિક બની રહી છે ભારતીય નેવી
ભારતીય નૌકાદળ ઝડપથી પોતાનું આધુનિકીકરણ કરી રહ્યું છે. હાલમાં ભારતીય નૌકાદળના 50 યુદ્ધ જહાજો નિર્માણાધીન છે અને આગામી 12 મહિનામાં દર મહિને લગભગ એક યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.
આ યુદ્ધ જહાજોનું નિર્માણ કાર્ય 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મળેલી જીતની યાદમાં મનાવવામાં આવતા વિજય દિવસ 16મી ડિસેમ્બરે શરૂ થયું છે. આ યુદ્ધમાં ભારતીય નૌકાદળે કરાંચી બંદર પર હુમલો કરીને પાકિસ્તાન નૌકાદળની કમર તોડી નાખી હતી.