કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 111
માત્ર સાત જ વર્ષમાં મહંમદઅલી ઝીણાને પાકિસ્તાન મળી ગયું
મુસલમાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાની જરૂર હતી : ‘જુઓ, હિન્દુઓની માફક તમે પણ આ માતૃભૂમિના પુત્ર છો. આપણા બંનેની વંશપરંપરા એક જ છે. જાતિથી, લોહીથી – આપણે ભાઈ – ભાઈ છીએ. તમારી રંગમાં પણ હિન્દુ લોહી દોડે છે. બાબર નહીં રામ તમારા વંશજ છે. તમારા પૂર્વજો પણ હિન્દુ જ હતા. તેમને મોગલો, તુર્કો, અફઘાનો વગેરે આક્રમકોએ ઈસ્લામમાં ધર્માંતરિત કરી નાખ્યા હતા.’
1931 સુધી સ્વતંત્ર મુસ્લિમ રાજ્યનો વિચાર મહંમદઅલી ઝીણાના મનમાં આવ્યો નહોતો. એજ ઝીણા 1940માં પાકિસ્તાન નિર્માણના ઠરાવ આગળ લઇને વધ્યા અને તેમને તેમનું સ્વપ્ન સાકાર કરતાં માત્ર સાત વર્ષ જ લાગ્યાં. ભારતના બધા જ મુસલમાનો કંઈ એવા ભ્રમમાં નહોતા કે પાકિસ્તાનના નિર્માણથી તેમના માટે સ્વર્ગનાં દ્વાર ખુલી જશે. છતાં 1945 ની ચૂંટણીમાં મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીની તરફેણમાં મુસલમાનોએ સંગઠિત થઈને મતદાન કર્યું.
હિન્દુસ્થાન પર આક્રમણ કરનારાઓમાં મુસલમાનો પહેલા નહોતા. ઇસ્લામના આક્રમણ પહેલાં એક હજાર વર્ષ સુધી શક, કુષાણ, હૂણ વગેરે આ દેશ પર આક્રમણ કરતા રહ્યા હતા. પરંતુ મુસલમાનોની સ્થિતિ તેમનાથી અલગ હતી. મુસ્લિમ સામ્રાજ્ય છિન્ન – ભિન્ન થઈ ગયા પછી પણ કરોડો મુસલમાન અહીં રહ્યા, પરંતુ મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં તેમાંથી કોઈ પણ વિદેશી આક્રમકોના વંશજ નહોતા. તે એક વટલાયેલો નવો સમુદાય હતો. એ તો છળકપટ, બળ કે લોભ-લાલચથી ઈસ્લામમાં વટલાયેલા હિન્દુઓ જ હતા. આજના મુસલમાનોમાં એજ લોહી દોડે છે, પરંતુ વટલાયેલા મુસલમાનોની એક પેઢી પછી તેમની માનસિકતા વિદેશી આક્રમકો સાથે જોડાઈ ગઇ હતી. તેમના અચેતન મનમાં હજુ પણ એવી ભાવના ઘર કરી ગઈ છે કે તે ઈરાન અથવા અરબના વિજેતાઓ તરીકે અહીં આવ્યા છે, તેમણે લાંબા સમય સુધી હિન્દુસ્થાન પર શાસન કર્યું છે. આથી પોતાને વિજેતા આક્રમક મુસલમાનોની સંતાન માને છે. પણ વાસ્તવમાં તો એ મૂળે હિન્દુઓ જ છે.
આથી મુસ્લિમ માનસના મૂળિયા અહીંની રાષ્ટ્રીય ભૂમિમાં મજબૂતાઇથી રોપાય તે જોવું ખૂબ જરુરી હતું. જ્યાં સુધી માનસિક રીતે તે અરબસ્તાનના રણમાં ભટકતાં રહેશે ત્યાં સુધી તે હિન્દુઓ સાથે સંઘર્ષ નહીં કરે તેવી આશા રાખવી વ્યર્થ છે. ડગલે ને પગલે તેમને સાવધાન કરવા જરૂરી છે. મુસલમાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાની જરૂર હતી : ‘જુઓ, હિન્દુઓની માફક તમે પણ આ માતૃભૂમિના પુત્ર છો. આપણા બંનેની વંશપરંપરા એક જ છે. જાતિથી, લોહીથી – આપણે ભાઈ – ભાઈ છીએ. તમારી રગમાં પણ હિન્દુ લોહી દોડે છે. બાબર નહીં રામ તમારા વંશજ છે. તમારા પૂર્વજો પણ હિન્દુ જ હતા. તેમને મોગલો, તુર્કો, અફઘાનો વગેરે આક્રમકોએ ઈસ્લામમાં ધર્માંતરિત કરી નાખ્યા હતા; તે માત્ર એક ઐતિહાસિક સંયોગ હતો. આથી તમે તમારી જાતને એ આક્રમકો સાથે જોડી તેમના જેવો વ્યવહાર કરો તે જરૂરી નથી. હવે પછી આપણા સૌનું ભાગ્ય એક સાથે જોડાયેલું છે. સમગ્ર રાષ્ટ્રનું હિત એ જ તમારું હિત છે. પોતાની જ માતૃભૂમિમાં વિશેષ અધિકારોની માગણી કરવી અને અલગતાવાદી માનસિકતા તમારા મનમાં પોસવા દેવી તે તમારા માટે જ અહિતકારી છે. તમારા મનમાં આક્રાંતાઓની સ્મૃતિઓ બાકી રહી ગઈ હોય તો તેને તમારા મનમાંથી કાઢી નાખો, તમારા જીવનમાં એક નવો અધ્યાય જોડવાનો સમય હવે આવી ગયો છે. આ દેશના મહાન રાષ્ટ્ર-નિર્માતાઓ અને સ્વતંત્રતા-સેનાનીઓના ઉચ્ચ આદર્શોનું હૃદયથી સ્વાગત કરો અને સ્વતંત્રતાના વર્તમાન સંઘર્ષમાં સહકાર આપો. સાથે – સાથે આ દેશનાં ઉદાત્ત સાંસ્કૃતિક મૂલ્યોને હૃદયંગમ કરો – અર્થાત્ નારી, ગોમાતા અને માતૃભૂમિનો આદર કરો. અમારી ઉદાર આધ્યાત્મિક પરંપરાની વિશિષ્ટતા છે કે અમે અન્ય પંથ-મતોને હંમેશા સન્માનની નજરે જોયા છે. જન્મભૂમિની માતૃ-રૂપે અમે વંદના કરીએ છીએ અને એ ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ જેવા પ્રેરક ઉદગારમાં વારંવાર ઝળકે છે. તમારા હ્રદયમાં પણ માતૃભૂમિ પ્રત્યે આવો ભક્તિ ભાવ પ્રગટવો જોઇએ. આ રાષ્ટ્રીય વિશેષતાઓને હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરો અને રાષ્ટ્રીય જીવનની મુખ્ય ધારામાં ભળી એક થઈ જાવ.’
મુસલમાનોમાં આવા ઉદ્દાત્ત મૂલ્યોનું આરોપણ કરતી વખતે ક્યારેક સંઘર્ષની સ્થિતિ પણ આવી શકે છે, પરંતુ તેમના મનમાં જે કંઈ આંતરિક વિરોધ હોય છતાં તેમને જણાવી દેવું જોઈએ કે તે પોતાની જાતને રાષ્ટ્રીયતાના પ્રવાહમાં ભેળવી દે. આની ખૂબ આવશ્યક્તા હતી. પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે આ અંગેનો માર્ગ ચીંધ્યો છે. વીર સાવરકરે પણ સ્વતંત્રતા સંગ્રામમાં મુસલમાનોના સહકારની અપેક્ષા રાખી હતી, છતાં સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું હતું – ‘તમે સાથે આવશો તો તમારી સાથે, નહીં આવો તો તમારા વગર અને તમે વિરોધ કરશો તો પણ હિન્દુઓ સ્વતંત્રતા સંગ્રામ માટે સતત ઝઝૂમતા રહેશે.’
વાસ્તવમાં 1942ના પ્રસિદ્ધ ‘ભારત છોડો’ આંદોલન છેડતી વખતે કૉંગ્રેસની આવી જ અઘોષિત નીતિ તેના ઠરાવમાં હતી; પરંતુ એ તો માત્ર ઉપરછલ્લો દેખાડો હતો. બાકી, કૉંગ્રેસી વિચારધારા કાયમ આથી વિપરીત જ રહી છે. તેમની નીતિઓ મુસલમાનોને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવામાં સદંતર નિષ્ફળ રહી. તેને બદલે તેમની અલગતાવાદી અને આક્રમક વૃત્તિઓને ઉત્તેજન જ મળ્યું. પરિણામ સ્વરૂપે કૉંગ્રેસી કાયમ મુસલમાનોને સ્વતંત્રતા આંદોલનમાં જોડવામાં નિષ્ફળ રહ્યા, ઉપરથી કોન્ગ્રેસની નીતિ-રીતિ એમના અલગતાવાદી માનસને પોષતી રહી. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે હિન્દુ –મુસ્લિમ એક્તાનું તેમનું જીવનભરનું સ્વપ્ન ધૂળમાં મળી ગયું. ‘સ્વતંત્રતા’ના પ્રથમ દિવસે દિલ્હીમાં હાજર રહેવાની તેમની લેશમાત્ર ઈચ્છા નહોતી. દેશ સ્વતંત્રતાનો જશ્ન મનાવતો હતો અને ગાંધીજી હજારો કિલોમીટર દૂર હતા. તે દિવસે ગાંધીજી કરોડો લોકોના રક્ત અને આંસુઓના સાગરસમા કલકત્તામાં ડૂબેલા હતા. તેમણે તે દિવસે ઉપવાસ કર્યો હતો. તેમના માટે તે સૌથી વધારે પીડાદાયક દિવસ હતો. જીવનમાં કદાચ તેમને આટલી માનસિક વ્યથા પહેલીવાર થઈ હતી. ભારતના ભાગલા એ મુસ્લિમ માનસિકતાના સ્વભાવનું પ્રગટીકરણ હતું અને દેશના નેતા એને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. સમજ્યા હતા તો આંખ આડા કાન કર્યા. રાષ્ટ્રના હિત માટે જે ઇચ્છા શક્તિ જોઇએ તેનો સદંતર અભાવ હતો.
મુસ્લિમ માનસ પર કૉંગ્રેસની તુષ્ટીકરણની નીતિનો કેવો પ્રભાવ પડ્યો તેના પર વિચાર કરવો જરુરી છે. 1931 સુધી સ્વતંત્ર મુસ્લિમ રાજ્યનો વિચાર પણ મહંમદઅલી ઝીણાના મનમાં આવ્યો નહોતો. એજ ઝીણા 1940માં પાકિસ્તાન નિર્માણના ઠરાવ આગળ લઇને વધ્યા અને તેમને તેમનું સ્વપ્ન સાકાર કરતાં માત્ર સાત વર્ષ જ લાગ્યાં. ભારતના બધા જ મુસલમાનો કંઈ એવા ભ્રમમાં નહોતા કે પાકિસ્તાનના નિર્માણથી તેમના માટે સ્વર્ગનાં દ્વાર ખુલી જશે. છતાં 1945 ની ચૂંટણીમાં મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીની તરફેણમાં મુસલમાનોએ સંગઠિત થઈને મતદાન કર્યું. આવો વિરોધાભાસ કેમ ?
|ક્રમશઃ|
– ©કિશોર મકવાણા