ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 87
• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 87
• 3 જૂને બ્રિટને ભાગલાની જાહેરાત કરી
–
– અગણિત ક્રાંતિવીરો, દેશભક્તો અને સ્વતંત્રતા સેનાનીઓએ ભારતને એક અખંડ ભારત તરીકે સ્વતંત્ર થવાનું જોયેલું સપનું ધરાશાયી થઇ ગયું હતું. હવે બધું જ અર્થહીન હતું. પેડ્રેલ મૂને આકરી ટીપ્પણી કરતા લખ્યું છે: ‘પાકિસ્તાન હવે તો એક નિશ્ચિત બની ચૂક્યું છે. પાકિસ્તાન એક સાર્વભૌમ તથા શરુઆતમાં ભલે વિખરાયેલો મુસ્લિમ દેશ કેમ ન હોય પરંતુ તેને બનાવવો અને તેને મેળવવો એ ઝીણાનો અદભૂત વિજય હતો.
– માઉન્ટબેટને કહ્યું ‘જુઓ, મિસ્ટર ઝીણા ! હું નથી ઈચ્છતો કે આ સમજૂતી માટે કરવામાં આવેલા બધા જ પરિશ્રમ પર તમારા હાથે પાણી ફેરવવા દઉં. આવી સ્થિતિમાં તમે કોઈ પણ સંજોગોમાં તેનું ખંડન નહીં કરો. હું જ્યારે તમારી તરફ જોઉં ત્યારે તમે મૌન સંમતિમાં માત્ર માથું હકારમાં હલાવી દેશો.’
– 3 જૂન 1947ના રોજ નેતાઓ સાથે થયેલા નિર્ણાયક સંમેલનમાં માઉન્ટબેટન અને ઝીણાએ પોતપોતાનો અભિનય કર્યો. અંતે બ્રિટીશ સરકારે ભારતના ભાગલાની જાહેરાત 3 જૂન 1947 ના રોજ કરી દીધી. કૉંગ્રેસે પણ યોજનાને મંજૂરી આપી દીધી.
લોર્ડ માઉન્ટબેટને રજૂ કરેલી યોજનામાં કહેવાયું હતું કે ભારતના ભાગલા કરવા અને એક નિશ્ચિત પ્રક્રિયા મુજબ ભાગલા થવા જોઈએ કે નહીં એ અંગે લોકોની ઈચ્છા જાણવી જોઇએ અને સાંસ્થાનિક રાજ્યના સ્તર પર, જેવી પણ સ્થિતિ હોય તે મુજબ એક કે બે કેન્દ્રીય સરકારોને સત્તા સોંપવામાં આવે. ભાગલા થાય તો સરહદ અને સશસ્ત્ર સેનાઓના ભાગલા કરવામાં આવશે અને બંને ‘ડોમિનિયનો’ માટે માઉન્ટબેટન સમાન ગવર્નર જનરલ પદે રહેશે. લોર્ડ માઉન્ટબેટનના પ્રશંસક અને તેમનું જીવન ચરિત્ર લખનાર લેખક જેગ્લરે માઉન્ટબેટન વિશે લખ્યું છે: ‘તેમનામાં દોષો પાર વગરના હતા. તેમનો દેખાવ ભલે બાળક જેવો હોય પણ ખરેખર વિકરાળ હતો. તેમની મહત્વાકાંક્ષા અમર્યાદિત હતી. તેમણે વાસ્તવિકતાને અવગણીને હંમેશાં ઇતિહાસને ફરીથી લખવાની કોશિશ કરી…’ભારતના છેલ્લા વાઇસરોયને વડાપ્રધાન એટલીએ અમર્યાદિત સત્તાઓ આપીને ભારત મોકલ્યા હતા. ભારત આવીને માઉન્ટબેટને પોતાની સિદ્ધિઓના ઢગલા કરવા માટે સત્યને ગમે તેમ મચડવાની શરુઆત કરી હતી. છેલ્લા વાઇસરોય તરીકે તેમને અખંડ ભારતના કરોડો લોકોનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર સોંપવામાં આવ્યો હતો અને તેથી જે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજતા નહોતા એવી વ્યક્તિના હાથમાં ભારતનું ભવિષ્ય સોંપવામાં આવ્યું હતું. પરિણામે રાજરમત, છળકપટની બધી જ મર્યાદાઓ ઓળંગાવા લાગી હતી.2 જૂન 1947ના રોજ કૉંગ્રેસ કાર્યકારિણીએ એની બેઠકમાં માઉન્ટબેટનની યોજનાનો એ શરતે સ્વીકાર કર્યો હતો કે મુસ્લિમ લીગ પણ આ યોજનાને ‘જો’ અથવા ‘પરંતુ’ જેવા વાંધા વચકા વગર સંપૂર્ણ રીતે સ્વીકારી લેવી જોઇએ.પં. નહેરુ, સરદાર પટેલ વગેરે નેતાઓ સાથે વાતચીત કરી લીધા પછી એ જ દિવસે માઉન્ટબેટન ગાંધીજીને મળ્યા. ગાંધીજીને તેમણે ખૂબ જ શાંતિથી વિવિધ પગલાંઓ અંગે માહિતી આપી. ગાંધીજીનું એ દિવસે મૌનવ્રત હતું. તેમણે કાગળ પર લખીને જણાવ્યું કે તેમણે અત્યાર સુધી પોતાનાં ભાષણોમાં માઉન્ટબેટન વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો નથી. ગાંધીજીની આ વાતનો એક જ સંકેત હતો કે ગાંધીજી આ યોજનાનો વિરોધ કરશે એવી આશંકા લોર્ડ માઉન્ટબેટને રાખવાની જરૂર નથી. માઉન્ટબેટને 2 જૂનના રોજ રાત્રે મહંમદઅલી ઝીણાની મુલાકાત લીધી. તે સમયે ઝીણાએ તેમને કહ્યું કે મુસ્લિમ લીગની અખિલ ભારતીય પરિષદની અનુમતિ મળી જશે એવી એમને આશા તો છે, પરંતુ તેના માટે પોતાની સંમતિ આપવી બંધારણીય રીતે શક્ય નથી. તેમણે કહ્યું કે પરિષદની બેઠક બોલાવવા માટે ઓછામાં ઓછો તેમને એક અઠવાડિયાનો સમય મળવો જોઈએ. માઉન્ટબેટને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવી સ્થિતિમાં એક અઠવાડિયા જેટલું મોડું કરવાથી તો આખી યોજના જ ધ્વસ્ત થઈ શકે છે. માઉન્ટબેટને મહંમદઅલી ઝીણાને ચેતવણી આપી કે બીજા દિવસે કાર્યકારી પરિષદમાં તેમણે કોઈ પણ રીતે બેમોઢાંની વાત કરી તો કૉંગ્રેસ અને શીખ નેતા એમની સંમતિ પાછી ખેંચી લેશે. તેનાથી ચારેબાજુ સંકટ પેદા થશે અને મહંમદઅલી ઝીણાના હાથમાંથી પાકિસ્તાન મેળવવાનો મોકો કાયમને માટે નીકળી જશે. માઉન્ટબેટનના સૂચના અધિકારી એલન કૈમ્પબેલ જોન્સનના શબ્દોમાં -‘મે 1947ના અંતમાં માઉન્ટબેટન લંડનથી પાછા ફર્યા ત્યારે એમની પાસે એક ખૂબ જ મહત્વનો સંદેશ હતો. તે સંદેશ મહંમદઅલી ઝીણા માટે ચર્ચિલે મોકલ્યો હતો. તેનો ઉપયોગ માઉન્ટબેટન સ્વ-વિવેકથી કરી શકે તેમ હતા. ચર્ચિલના સંદેશ મુજબ યોજનાનો સ્વીકાર કરવો ઝીણા માટે જીવન-મરણના પ્રશ્નથી ઓછો મહત્વનો નહોતો.’ (ગોષ્ટી સુબ્બારાવ : ધ પાર્ટિશન ઓફ ઈન્ડિયા, પૃષ્ઠ: 100-101)મહંમદઅલી ઝીણા રાજકારણના એટલા કાચા ખેલાડી નહોતા કે તે આ ગંભીર સ્થિતિમાં અવસર તથા સંકટોને સમજી ન શકે! તેઓ અંગ્રેજોને સહકાર આપી રહ્યા છે એવો તેમણે દેખાડો જ કર્યો હતો, પરંતુ માઉન્ટબેટને પણ એમની પહેલાંના બધા જ વાઈસરૉયોના પગલાનું અનુકરણ કરી આવી દરેક સંવેદનશીલ ઘડીમાં ઉમળકાથી એમનું રક્ષણ કર્યું. લોર્ડ માઉન્ટબેટન એ પણ જાણતા હતા કે મહંમદઅલી ઝીણા ચર્ચિલનું પ્યાદુ છે.માઉન્ટબેટને કહ્યું ‘જુઓ, મિસ્ટર ઝીણા ! હું નથી ઈચ્છતો કે આ સમજૂતી માટે કરવામાં આવેલા બધા જ પરિશ્રમ પર તમારા હાથે પાણી ફેરવવા દઉં. તમે મુસ્લિમ લીગ તરફથી હા નહીં કહો તો હું પોતે જ એના વતી હા કહી દઈશ. મને તમારા આશ્વાસનથી સંતોષ છે એમ કહેવાની આકરી જવાબદારી હું ઉઠાવું છું, પરંતુ એક શરત છે અને તે એ કે સવારની બેઠકમાં જ્યારે હું એમ કહું કે મી. ઝીણાએ મને આશ્વાસન આપ્યું છે, મેં એમને મનાવી લીધા છે અને મને એનાથી સંતોષ છે.’ આવી સ્થિતિમાં તમે કોઈ પણ સંજોગોમાં તેનું ખંડન નહીં કરો. હું જ્યારે તમારી તરફ જોઉં ત્યારે તમે મૌન સંમતિમાં માત્ર માથું હકારમાં હલાવી દેશો.’ (એલન કૈમ્પબેલ જૉન્સન : મિશન વીથ માઉન્ટબેટન, પૃષ્ઠ: 87)3 જૂન 1947ના રોજ નેતાઓ સાથે થયેલા નિર્ણાયક સંમેલનમાં માઉન્ટબેટન અને ઝીણાએ પોતપોતાનો અભિનય કર્યો. અંતે બ્રિટીશ સરકારે ભારતના ભાગલાની જાહેરાત 3 જૂન 1947 ના રોજ કરી દીધી. કૉંગ્રેસે પણ યોજનાને મંજૂરી આપી દીધી. એ દિવસે વડાપ્રધાન એટલીએ ‘હાઉસ ઓફ કોમન્સ’ માં યોજનાની ઘોષણા અધિકૃત રીતે કરી દીધી. આથી આ યોજનાનું નામ પડ્યું ‘3 જૂન યોજના.’ઉપરાંત ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ પરથી માઉન્ટબેટન અને ભારતીય નેતાઓએ ભાષણો આપ્યાં. આ પ્રસંગનું વર્ણન કરતાં માઉન્ટબેટને કહ્યું છે : ‘નહેરુએ ચર્ચા કરી કે ભારતના અમુક ભાગોને સંઘથી અલગ થવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે એક તરફ કૉંગ્રેસી સભ્યોનાં મુખ વિષાદથી મુરઝાઈ ગયાં હતા, બીજી તરફ એની તુલનામાં મુસ્લિમ લીગીઓના મુખડા જોવા જેવા હતા.’ (લૈરી કૉલિન્સ અને ડોમિનિક લૈપિયરે : માઉન્ટબેટન એન્ડ પાર્ટિશન ઓફ ઈન્ડિયા, પૃષ્ઠ: 128)અગણિત ક્રાંતિવીરો, દેશભક્તો અને સ્વતંત્રતા સેનાનીઓએ ભારતને એક અખંડ ભારત તરીકે સ્વતંત્ર થવાનું જોયેલું સપનું ધરાશાયી થઇ ગયું હતું. હવે બધું જ અર્થહીન હતું. પેડ્રેલ મૂને પોતાના પુસ્તક ‘ડીવાઇડ એન્ડ રુલ’ માં આકરી ટીપ્પણી કરતા લખ્યું છે: ‘પાકિસ્તાન હવે તો એક નિશ્ચિત બની ચૂક્યું છે. ઝીણાને એનાથી સંતોષ થયો છે. કારણ કે હજુ પણ છ પ્રાંતોવાળા પાકિસ્તાનની તેમની લાલસા ઊભી છે. તો પણ પાકિસ્તાન એક સાર્વભૌમ તથા શરુઆતમાં ભલે વિખરાયેલો મુસ્લિમ દેશ કેમ ન હોય પરંતુ તેને બનાવવો અને તેને મેળવવો એ ઝીણાનો અદભૂત વિજય હતો. …ફક્ત ઝીણાની વ્યક્તિગત ખંતપૂર્વકની મહેનતના કારણે જ પાકિસ્તાન અસ્તિત્વમાં આવી રહ્યું છે.’ જોકે આ વિશ્લેષણ અધૂરું છે. વાસ્તવમાં તો બ્રિટીશરો, ઇસ્લામની વિસ્તારવાદી નીતિ રીતિ મુજબ મુસલમાનોએ બનાવેલી નીતિ તેમજ કૉંગ્રેસના સેક્યુલર હિન્દુ નેતાઓ વગેરે મળીને પાકિસ્તાનને જન્મ આપ્યો હતો. એટલે તો આજે પણ પ્રશ્ન મૂંઝવે છે કે ભારતના ભાગલા કોણે કર્યા ? પાકિસ્તાનનું સર્જન કોણે કર્યું ?
|: ક્રમશ:|
©️kishormakwana