• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 88
• ગાંધીજીની હાજરીમાં કોન્ગ્રેસે ભાગલાને ટેકો આપતો ઠરાવ પસાર કર્યો.
- અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ની એક અસામાન્ય બેઠક દિલ્હીમાં 1947ની 14મી અને 15મી જૂને બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાગલાની દરખાસ્ત વિરુદ્ધ ઘણા અવાજો ઊઠ્યા. પરંતુ એ અવાજો દબાઇ ગયા. પુરુષોત્તમદાસ ટંડન છેલ્લે સુધી ભાગલાને ટેકો આપતા આ ઠરાવની વિરુદ્ધમાં મક્કમતાપૂર્વક ઊભા રહ્યા. ભાવવિભોર અને ગળગળા થઈને તેમણે કહ્યું કે, ‘આ ઠરાવ નબળાઈ અને નિરાશાનો ઠરાવ છે. નહેરુ સરકાર મુસ્લિમ લીગના આતંકી કાવત્રાઓ સામે પોતાનું સાહસ ગુમાવી બેઠી છે.
- કૉંગ્રેસે ભાગલાનો સ્વીકાર તો કર્યો જ, ઉપરાંત દુ:ખની વાત એ છે કે કૉંગ્રેસે ભારત માટે સ્પષ્ટ રીતે અયોગ્ય અને હાનિકારક યોજનાના એવા કોઈ પણ વાતનો વિરોધ સુદ્ધા કર્યો નહીં. કૉંગ્રેસ કઈ હદે મૂઢ બની ગઈ હતી તેનો તે સમયના કોન્ગ્રેસ અધ્યક્ષ કૃપલાણીએ સ્વીકાર કર્યો છે : ‘કાર્યકારિણીની બેઠક તંગ વાતાવરણમાં થઈ. કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર વાઈસરૉયના ઠરાવનો સ્વકાર કરી લેવામાં આવ્યો.’
- પોતાનું ભાષણ સમાપ્ત કરતાં ગાંધીજીએ કહ્યું : ‘મારી પાસે સમય હોત તો શું મેં તેનો વિરોધ ન કર્યો હોત ? પરંતુ હું કૉંગ્રેસના વર્તમાન નેતૃત્વને પડકારી શકું તમે નથી. ગાંધીજીના હસ્તક્ષેપથી ભાગલાના ઠરાવ પર સ્વીકૃતિની મહોર લાગી ગઈ. ઠરાવ પસાર થયો. તરફેણમાં 157 મત પડ્યા અને વિરોધમાં 29 તેમજ 32 સભ્યો તટસ્થ રહ્યા.
ભાગલાની યોજના બની અને પં. નહેરુ અને સરદાર પટેલે એને મંજૂર કરી એ સમયે મહાત્મા ગાંધી નોઆખલી તોફાનગ્રસ્ત વિસ્તારોમાં હતા.3 જૂન 1947 ના રોજ ભારતના ભાગલાની વિધિવત જાહેરાત થઇ. 4 જૂનના રોજ માઉન્ટબેટન પ્રાર્થનાસભા પહેલાં મહાત્મા ગાંધીજીને મળ્યા. ગાંધીજી હવે લગભગ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાયા હતા. એમના માટે ભાગલાને મંજૂર કરવા સિવાય બીજો કોઇ આરો નહોતો.એલન કૈમ્પબેલ જૉન્સને કહ્યું છે : ‘માઉન્ટબેટને ગાંધીજીએ વિનંતી કરી કે તે ઘોષણાને માઉન્ટબેટન – યોજના તરીકે ન જોતાં એને ગાંધી-યોજના તરીકે જૂએ, કારણ કે તેમણે પૂર્ણ નિષ્ઠાથી ગાંધીજીની અહિંસા અને આત્મનિર્ણયની મુખ્ય માન્યતાઓનું, શક્ય એટલા ઝડપી બ્રિટિશરો અહીંથી ચાલ્યા જાય એ તારીખનું અને ‘ડોમિનિયન’ સ્તર સંબંધી એમના સહાનુભૂતિપૂર્ણ વિચારોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.’ (કૈમ્પબેલ જૉન્સન : મિશન વીથ માઉન્ટબેટન, પૃષ્ઠ: 92-93). ગાંધીજીએ આમ તો પોતાની પ્રાર્થનાસભામાં તેમણે આકરા શબ્દોમાં ભાગલાનો વિરોધ કરતા હતા, પરંતુ એ દિવસની પ્રાર્થનાસભામાં તેમણે નછૂટકે કહેવું પડ્યું : ‘બ્રિટિશ સરકાર ભાગલા માટે જવાબદાર નથી. વાસ્તવમાં તે પોતે કૉંગ્રેસની માફક ભાગલાની વિરુદ્ધ છે. પરંતુ આપણે બંને – હિન્દુ અને મુસલમાન – કોઈ પણ બાબતે સહમત થઈ શકતા નથી ત્યારે વાઈસરૉય પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કેવળ આ જ યોજનાના આધાર પર સમજૂતી થઈ શકે છે.’ (કૈમ્પબેલ જૉન્સન : મિશન વીથ માઉન્ટબેટન, પૃષ્ઠ: 92) ગાંધીજીએ લોકોને આ યોજના સ્વીકારી લેવા માટે કહ્યું ત્યારે પ્રાર્થના સભામાં કોઈએ એમને તેમનું પ્રસિદ્ધ વાક્ય યાદ અપાવ્યું : ‘માતૃભૂમિના ટુકડા કરતા પહેલાં મારા ટુકડા કરી નાખો.’ ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો : ‘મેં વાત લોકમતને ઉવેખીને કહી હતી, પરંતુ લોકમત મારા વિરોધમાં છે તો શું હું એને દબાવી દઉં ?’ (જે. એન. સાહની : ધ લિડ ઓફ, પૃષ્ઠ: 205). ગાંધીજીનું આ વાક્ય: ‘લોકમત ભાગલાની તરફેણમાં હતો’ સ્પષ્ટ રીતે તથ્યો પર આધારિત નહોતું. માત્ર મુસ્લિમો સિવાય કોઇ જ ભાગલાની તરફેણમાં નહોતું. મુસલમાનોએ ક્યારેય આ ભૂમિને પોતાની માતૃભૂમિ માની જ નહોતી એનું આ પરિણામ હતું. ભાગલા તો એક અપવિત્ર ગઠબંધનની ઊપજ હતું. જેમાં મુસ્લિમ લીગનાં આતંકવાદી કારનામાં, સામ્રાજ્યવાદી બ્રિટિશ રણનીતિ અને કૉંગ્રેસના ‘થાકેલા – હારેલા ઘરડા લોકો’ સામેલ હતા. પ્રજાની પીઠ પાછળ કઈ રમતો રમાઇ રહી હતી તે બાબતે કૉંગ્રેસે કાયમ એમને અંધારામાં જ રાખ્યા હતા.કૉંગ્રેસે ભાગલાનો સ્વીકાર તો કર્યો જ, ઉપરાંત દુ:ખની વાત એ છે કે કૉંગ્રેસે ભારત માટે સ્પષ્ટ રીતે અયોગ્ય અને હાનિકારક યોજનાના એવા કોઈ પણ વાતનો વિરોધ સુદ્ધા કર્યો નહીં. કૉંગ્રેસ કઈ હદે મૂઢ બની ગઈ હતી તેનો તે કોન્ગ્રેસ અધ્યક્ષ કૃપલાણીએ સ્વીકાર કર્યો છે : ‘કાર્યકારિણીની બેઠક તંગ વાતાવરણમાં થઈ. દેશના ભાગલાની આશંકાથી દરેક જણ ખિન્ન હતો. કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર વાઈસરૉયના ઠરાવનો સ્વકાર કરી લેવામાં આવ્યો. વાસ્તવમાં જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ તો ઠરાવને સ્વીકારી લેવાનું વચન આપી ચૂક્યા હતા.’ભાગલાના નાટકના અંતિમ દ્રશ્યનો પ્રારંભ થઇ ચૂક્યો હતો.3 જૂનની જાહેરાત અંતર્ગત માઉન્ટબેટનની ભાગલા યોજના પર ઠરાવ પસાર કરવા માટે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ની એક અસામાન્ય બેઠક દિલ્હીમાં 1947ની 14મી અને 15મી જૂને બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાગલાની દરખાસ્ત વિરુદ્ધ ઘણા અવાજો ઊઠ્યા. પરંતુ એ અવાજો દબાઇ ગયા. તેમાં સિંધના ચૌથરામ ગિડવાણી પણ હતા, જેમણે આ દરખાસ્ત માટે ઝીણાના નેતૃત્વમાં હિંસા માટે તત્પર મુસ્લિમ લીગના બ્લેકમેઈલરોની આગળ કોન્ગ્રેસનો આ ઠરાવ આત્મસમર્પણ છે, તેમ કહીને ઠરાવની આકરા શબ્દોમાં ટીકા કરી. કૉંગ્રેસના નેતાઓના આ ઠરાવના વિરોધમાં બોલવાવાળા બીજા વકતા પુરુષોત્તમદાસ ટંડન હતા, જે છેલ્લે સુધી ભાગલાને ટેકો આપતા આ ઠરાવની વિરુદ્ધમાં મક્કમતાપૂર્વક ઊભા રહ્યા. ભાવવિભોર અને ગળગળા થઈને તેમણે પોતાની પીડા પ્રતિનિધિઓ સમક્ષ વ્યક્ત કરીને કહ્યું કે, ‘આ ઠરાવ નબળાઈ અને નિરાશાનો ઠરાવ છે. નહેરુ સરકાર મુસ્લિમ લીગના આતંકી કાવત્રાઓ સામે પોતાનું સાહસ ગુમાવી બેઠી છે, તેથી ભાગલાને મંજૂરી આપવાનું કામ એક પ્રકારની દગાબાજી અને આત્મસમર્પણ બનવાનું છે. આપણા સમર્પિત ધ્યેયો અંતર્ગત, સંયુક્ત ભારતનું બલિદાન આપવાના બદલે થોડા વધુ સમય માટે બ્રિટિશ રાજને સહન કરી લેવું જોઈએ. આપણે દેશની એકતાની રક્ષા કરવી જોઈએ અને જો જરૂર પડે તો અંગ્રેજો અને મુસ્લિમ લીગ બંને સાથે લડાઈ માટે કમ્મર કસી લેવી જોઈએ.’ ટંડનના ભાષણને વધાવતા તાળીઓના ગડગડાટે કૉંગ્રેસના નેતાઓને ચેતવણીની એક ઝલક આપી દીધી. અન્ય વક્તાઓ પણ બોલ્યા આ કમનસીબ બેઠકમાં રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણે નોંધપાત્ર હસ્તક્ષેપ કર્યો. લોહિયાના પોતાના શબ્દોમાં, ‘અમે બંને (પોતે અને જયપ્રકાશ નારાયણ), મહાત્મા ગાંધી અને અબ્દુલ ગફારખાનને બાદ કરીએ તો કોઈ પણ નેતા ભાગલાની વિરુદ્ધ એક પણ શબ્દ નથી બોલ્યા.’રામ મનોહર લોહિયા લખે છે:‘આ બેઠકમાં મૌલાના આઝાદ બંને દિવસ એક ખુરશી પર બેઠા રહ્યા, ‘એ નાના એવા ઓરડામાં જેમાં આપણે બધા ઠસોઠસ ભરેલા હતા, તેના એક ખૂણામાં તે સિગારેટ પર સિગારેટ ફૂંકતા રહ્યા પરંતુ એક પણ શબ્દ બોલ્યા નહીં.’‘… આ બેઠકોમાં આચાર્ય કૃપલાણીની છબી ખૂબ દયાજનક દેખાતી હતી. તેઓ તે સમયે કૉંગ્રેસના અધ્યક્ષ હતા. આ બેઠકમાં તેઓ ઝોકા ખાતાં, અઢેલીને બેઠા હતા. ચર્ચા દરમિયાન કોઈક મુદ્દા ઉપર મહાત્મા ગાંધીએ એક થાકેલા કૉંગ્રેસ અધ્યક્ષને ટાંકીને કશુંક કહ્યું. તે વખતે મેં (રામ મનોહર લોહિયા) એકદમ ધૂંધવાઈને તેમનો હાથ પકડીને એમને ઢંઢોળ્યા જેના પર તેમણે કહ્યું કે તેઓ માથાના દુઃખાવાથી અસહ્ય પીડાય છે.ખાન અબ્દુલ ગફારખાન માત્ર એક કે બે વાક્ય જ બોલ્યા. તેમણે પોતાના સાથીઓને ભાગલાની આ યોજનાને સ્વીકારી લીધી છે તે હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું. તેઓ ઈચ્છતા હતા કે આ નેતાઓ હજુ પણ એક નાની એવી કૃપા કરે અને પશ્ચિમોત્તર સરહદી પ્રાંતમાં પ્રસ્તાવિત જનમતસંગ્રહમાં ભારત અને પાકિસ્તાનમાં જવાની સાથે આઝાદીનો વિકલ્પ મૂકવામાં આવ્યો છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવે. બેઠક દરમિયાન તેમણે ક્યારેય એક શબ્દ પણ વધારાનો કહ્યો નહીં, કારણ કે તેઓ પોતે ઘણા દર્દથી પીડિત રહ્યા હશે.’ પોતાના સમાજવાદી સાથીઓને પણ હડફેટમાં લેનાર રામ મનોહર લોહિયા આગળ લખે છે : ‘જયપ્રકાશ નારાયણે ભાગલાની વિરુદ્ધ સાવ ટૂંકી પરંતુ સચોટ ટીકાઓ કરી અને બેઠકના બાકીના સમયમાં તેઓ પણ મૌન જ રહ્યા. તેમણે એવું શા માટે કર્યું ? દેશના ભાગલાને લઈને કારોબારી જે રીતે ચાલી રહી હતી શું તેઓ તેનાથી નિરાશ હતા ? કે પછી ભાગલાને લઈને જે જડતાપૂર્વક નેતાઓ એકમત થઈ ગયા હતા તેની સામે તેમણે મૌન રહેવાનું જ નક્કી કર્યું હતું ? તેમનું ચરિત્ર ક્યારેક અને કેટલાક અણીના સમયે સ્વસ્થ પ્રતિક્રિયા ઉપર એવી સાવધાનીનું જ ઝાઝું કરીને મિશ્રણ છે, જેને જોઈને બહુ ચીડ ચડે છે, અને આ કારણે મને તેમના પર ખૂબ ગુસ્સો પણ આવ્યો”, સાથો સાથ લોહિયા આત્મનિરીક્ષણમાં પણ પાછા નથી પડતા. ‘ભાગલા પરત્વે મારો પોતાનો વિરોધ ખૂબ કટ્ટર અને ચોખ્ખોચટ હતો. પરંતુ હું પૂરતા પ્રમાણમાં ગંભીર ન થઈ શક્યો અને આજે હું તેમાંના અસત્યની નોંધ પણ લઉં છું.’આ બેઠકમાં મહાત્મા ગાંધીની દખલગીરી ખૂબ મહત્વની વાત હતી. અને પછી લોહિયા તે મહાન વ્યક્તિ દ્વારા પક્ષને માટે તેમણે વ્યક્ત કરેલા તે આખરી શબ્દોની જાણકારી આપે છે, જે પક્ષ તેમનો જ બનાવેલો હતો અને તેમણે દસકાઓ સુધી કરેલા પરિશ્રમનું ફળ હતું. જેને તેમણે આકાર આપ્યો, દેશવ્યાપી સંગઠન પણ બનાવ્યું હતું અને સૌથી જરૂરી તો એ કે તેમણે તેમાં સ્વતંત્રતાની ભાવના ફૂંકી હતી. લોહિયા યાદ કરે છે, ‘હું ખાસ કરીને ગાંધીજીએ આ બેઠકમાં ઉઠાવી હતી તે બે બાબતો તરફ ધ્યાન દોરવા માંગું છું. તેમણે ફરિયાદભર્યા સૂરમાં નહેરુ અને સરદાર પટેલને પૂછ્યું કે તેમણે ભાગલાની યોજના માટે પોતાની જાતને તૈયાર કરતાં પહેલાં મને (એટલે ગાંધીજીને) કેમ જણાવ્યું નહીં ?’ ગાંધીજી આ મુદ્દાઓ સરખી રીતે ઉઠાવે તે પહેલાં જ નહેરુએ કંઈક ભારપૂર્વક દખલ કરી અને કહ્યું કે તેમણે તેમને સારી રીતે જણાવ્યું હતું, ‘મહાત્મા ગાંધી દ્વારા તેમને ભાગલાની યોજના અંગે માહિતી નથી. તેવું બીજી વખત કહ્યા પછી નહેરુએ પહેલાં કરેલી પોતાની વાતને થોડી ફેરવી. તેમણે કહ્યું કે, નોઆખલી ખૂબ દૂર છે અને ભલે તેઓ તે યોજનાની વિગતવાર જાણકારી ન આપી શક્યા હોય છતાં પણ પં. નહેરુએ ભાગલા અંગે ગાંધીજીને ગોળ-ગોળ ચોક્ક્સ લખી જણાવ્યું હતું.’અહીં લોહિયા એક ચુકાદો આપવાના સૂરમાં કહે છે, ‘હું આ બાબતમાં મહાત્મા ગાંધીના પક્ષને જ માનીશ, નહેરુના પક્ષને નહીં અને કોણ એવું નહીં માને ? કોઈને નહેરુને જૂઠ્ઠા કહીને હડસેલી દેવાની જરૂર નથી. તેમણે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો તેવી નહેરુની દલીલથી કામ નહીં ચાલે. એવું પણ થઈ શકે કે આ અસ્પષ્ટ પત્રોમાં કાલ્પનિક અને અપૂરતી માહિતી પણ આપવામાં આવી હોય. નિશ્ચિતપણે આ આખી કાર્યવાહીમાં ચૂપકીદીથી કામ પતાવી લેવાનો ઈરાદો દેખાય છે.’નહેરુ અને સરદાર પટેલ સાથે મોઢામોઢા થયા પછી ગાંધીજીએ વળી બીજો મુદ્દો ઊભો કર્યો. ‘તેઓ ઈચ્છતા હતા કે આપણા નેતાઓ દ્વારા માઉન્ટબેટનને આપવામાં આવેલા વચનોનું કૉંગ્રેસ સન્માન કરે. સિદ્ધાંતોને મંજૂર કર્યા બાદ કૉંગ્રેસે તેને લાગુ પાડવાના સંબંધમાં જાહેરાત કરવી જોઈએ. એક વાર કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા ભાગલાની મંજૂરી પછી તેમણે બ્રિટિશ સરકાર અને તેના વાઈસરૉયને દૂર હટી જવાનું કહેવું જોઈએ અને પછી કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા સંયુક્ત રીતે કોઈ ત્રીજા પક્ષની દખલગીરી વિના દેશના ભાગલા કરવા જોઈએ. રામ મનોહર લોહિયાની નજરમાં આ એક બહુ મોટી વ્યૂહાત્મક ચાલ હતી.માઉન્ટબેટનના પ્રસ્તાવો ઉપર ત્યારે એક સંકલ્પથી અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો અને તેમાં ‘બે રાષ્ટ્રો’નો ઉલ્લેખ નકારાત્મક રીતે કરવામાં આવ્યો. નહેરુ દ્વારા રજૂ કરાયેલા મૂળ ખરડામાં આવો કોઈ ઉલ્લેખ ન હતો. તે માટે લોહિયાએ સૂચિત ઠરાવમાં સુધારાનું સૂચન કર્યું, જેને ગાંધીજીએ ટેકો આપ્યો. સુધારામાં મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું, ‘ભારત આજે જે પણ છે તેને ભૂગોળ, પર્વતો અને સમુદ્રોએ તેવો આકાર આપ્યો છે, કોઈ પણ માનવીય એજન્સી આ આકારને બદલી શકે નહીં અને ન તો તેનું નસીબ ઘડનારા વિધાતાની આડે આવી શકે છે. ભારતની જે છબીને આપણે કંડારી રાખવાનું શીખ્યા છીએ તે જ આપણા દિલોદિમાગમાં રહેશે. ભારતમાં બે રાષ્ટ્રોના તકલાદી સિદ્ધાંતનું બધા દ્વારા અપમાન અને તિરસ્કાર કરવામાં આવશે.”(આ સંકલ્પ એજ સુધારા સાથે કારોબારી દ્વારા પસાર પણ કરવામાં આવ્યો) પરંતુ જ્યારે આ સુધારો લોહિયાએ રજૂ કર્યો અને ગાંધીજીએ તેને ટેકો આપ્યો ત્યારે નહેરુએ ગુસ્સે થઈને કહ્યું કે, ‘તેમના મનમાં ઝીણાના વિચાર ઘર કરી ગયા છે અને તે લોકો તેની સાથે કાયમ એવી જ ચર્ચામાં ગૂંચવાયેલા રહે છે. ભાઈઓ, તેવા લોકોને બોલાવવાનું શું કારણ છે, જે હંમેશાં જ એકબીજાની આકરી ટીકા કરવાની પ્રવૃત્તિ કરે છે ?’ તેના પર લોહિયાએ જવાબ દીધો કે, ‘અમેરિકામાં ગૃહયુદ્ધ થયું, બંને પક્ષમાંથી 3-4 લાખ કે તેનાથી વધુ અમેરિકનોને મારી નાખવામાં આવ્યા, પરંતુ એનો અર્થ એવો નહીં કે તેમનામાંથી ભાઈચારો સમાપ્ત થઈ ગયો છે.’ આ વાત પર ગાંધીજીએ ફરીથી મક્કમતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ પાસેથી વિભાજનનો ઠરાવ પસાર કરાવી લીધો. ગાંધીજી હૃદયના ઉંડાણથી પણ વિષાદમય અવાજમાં બોલ્યા, “માઉન્ટબેટનની ભાગલાની યોજનાને સ્વીકાર કરવાના નિર્ણયને જો આ અવસ્થામાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ નકારી કાઢે તો દુનિયા તેમના માટે શું વિચારશે ? એ અસ્વીકારનું પરિણામ એવું આવશે કે નવા નેતાઓ શોધવા પડશે, પછી તેમણે એક નવી કારાબોરીની રચના કરવી પડશે અને સરકાર ચલાવવા માટે સક્ષમ થવું પડશે. હાલની સ્થિતિમાં દેશમાં શાંતિ જાળવી રાખવી ખૂબ આવશ્યક છે. કૉંગ્રેસ શરૂઆતથી જ પાકિસ્તાનના વિરોધમાં રહી છે અને મેં પણ મક્કમતાથી તેનો વિરોધ કર્યો છે. તો પણ મારે હવે આ ઠરાવની મંજૂરી માટે આગ્રહ કરવો પડે છે. ક્યારેક અરૂચિકર હોય તેવા નિર્ણયો પણ લેવા પડે છે.’પોતાનું ભાષણ સમાપ્ત કરતાં ગાંધીજીએ કહ્યું : ‘મારી પાસે સમય હોત તો શું મેં તેનો વિરોધ ન કર્યો હોત ? પરંતુ હું કૉંગ્રેસના વર્તમાન નેતૃત્વને પડકારી શકું તમે નથી અને તેના પ્રત્યે લોકોની જે આસ્થા છે તેને નષ્ટ કરી શકું તમે નથી. આવું હું ત્યારે જ કરીશ – જ્યારે હું તેમને કહી શકું કે ‘લો, આ રહ્યું વૈકલ્પિક નેતૃત્વ.’ આવા વિકલ્પના નિર્માણનો સમય મારી પાસે રહ્યો નથી. વર્તમાન પરિસ્થિતિમાં વર્તમાન નેતૃત્વને નિર્બળ કરવું અયોગ્ય ગણાશે. આથી, આ કડવી દવા મારે પીવી જ પડશે.’ તેમણે એમ પણ કહ્યું : ‘આજે મારામાં એવી શક્તિ રહી નથી, નહીંતર તો મેં એકલા જ વિદ્રોહની ઘોષણા કરી દીધી હોત.’ (આચાર્ય કૃપલાણી : ગાંધી, પૃષ્ઠ: 288-289)ગાંધીજીની ઉપરોક્ત ટિપ્પણી સંબંધે એ જાણવું જરૂરી ગણાશે કે નહેરુએ લેઓનાર્ડ મોસ્લેને શું કહ્યું હતું. ભાગલાના સ્વીકાર્યા તેના કારણો પર પ્રકાશ ફેંક્યા પછી નહેરુએ કહ્યું : ‘‘….. પરંતુ જો, ગાંધીજીએ અમને કહ્યું હોત કે ભાગલાનો સ્વીકાર કરવામાં ન આવે તો અમે લડાઈ ચાલુ રાખી હોત – રાહ જોઈ હોત.’ (લેઓનાર્ડ મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 285)ગાંધીજીના હસ્તક્ષેપથી ભાગલાના ઠરાવ પર સ્વીકૃતિની મહોર લાગી ગઈ. ઠરાવ પસાર થયો. તરફેણમાં 157 મત પડ્યા અને વિરોધમાં 29 તેમજ 32 સભ્યો તટસ્થ રહ્યા. એલન કૈમ્પબેલ જોન્સને એની દૈનંદિનીમાં લખ્યું છે :‘નિર્ણાયક ઘડીમાં ગાંધીજી સ્વીકૃતિની તરફેણમાં ઊભા રહી ગયા અને કૉંગ્રેસ ઉચ્ચસત્તાના અપેક્ષાકૃત ‘સંપ્રદાયવાદી સભ્યો’માં સુષુપ્ત વિરોધ હતો તે સામાન્ય કાઠીના કૃષકાય વ્યક્તિના વિરાટ વ્યક્તિત્વ આગળ પ્રભાવી ન બની શક્યો.’ (કૈમ્પબેલ જૉન્સન : મિશન વીથ માઉન્ટબેટન, પૃષ્ઠ: 100)વી. પી. મેનને પણ કહ્યું છે : ‘‘સમય તો ગાંધીજીએ જ્યારે ઠરાવને ટેકો આપ્યો એ જ ઘડીએ નક્કી થઈ ગયો હતો.’અનેક લોકોને આ એક વિરોધાભાસ દેખાયો કે ગાંધીજી તો ભાગલાના પ્રબળ વિરોધી હતા, પરંતુ તેમણે જ અત્યંત સંવેદનશીલ ઘડીમાં તેની તરફેણ કરનારાઓને પોતાનો પૂરો ટેકો આપ્યો અને તેના વિરોધીઓનાં મોં બંધ કરી દીધાં. આ રીતે વિભાજનના દુઃખાન્ત નાટકના અંતિમ દ્રશ્ય પર પડદો પડ્યો. રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા કૉંગ્રેસે રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના સૌથી મહત્વના મૂળ અને મહત્વપૂર્ણ પ્રશ્ન સામે આત્મસમર્પણ કરી દીધું. આ સ્થિતિમાં કોઈને પણ એ માહિતી નહોતી કે આ પ્રાચીન ભૂમિ કેવી રીતે વહેંચવામાં આવશે અથવા તેની સરહદની રેખા ક્યાંથી પસાર થશે ત્યાં સુધી કે એવી પણ ખબર નહોતી કે છેવટે તે ક્યાં અલગ પડશે ?
|: ક્રમશ:|