Spread the love

– કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

– ભાગલા છળકપટથી થયા છે, ભારત ફરી અખંડ બનશે

– પાકિસ્તાનના પ્રાચીન રાષ્ટ્રીય મૂળ હિન્દુ પ્રકૃતિમાં પડેલા છે, જે બાકીના ભારતવર્ષમાં પણ સમાનરૂપે વિદ્યમાન છે. સ્વયં મહમદઅલી ઝીણાએ પણ ભાગલા પહેલા અમેરિકન પત્રકાર અને લેખક લૂઈ ફિશરને જણાવ્યું હતું કે, ‘ભારતમાંના મોટાભાગના મુસલમાનો પહેલાં હિંદુ હતાં.’

– ઈન્ડોનેશિયામાં 80 ટકા વસતી મુસલમાનોની છે. વ્યક્તિગત સ્તરે એમનો મત ઈસ્લામ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે એમની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જ રહી છે. રામાયણ અને મહાભારત એમનાં રાષ્ટ્રીય મહાકાવ્યો છે. ઈન્ડોનેશિયાવાસી ગર્વથી કહે છે, અમે અમારો ધર્મ બદલ્યો છે, અમારા પૂર્વજો નહિ ! ઈન્ડોનેશિયાથી કોઈ વ્યક્તિ ભારત આવે છે તો એના ઘરવાળા એને ભારતથી પવિત્ર ગંગાજળ લાવવાનું કહે છે. તેઓ હિન્દુસ્થાનમાં ફરવા માટે નહિ, પરંતુ તીર્થયાત્રા માટે આવે છે.

ભારત વર્ષની પાંચ હજાર વર્ષ કરતા જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ છે અને હિન્દુ સંસ્કૃતિની આ સશક્ત પરંપરાને કારણે સ્વાભાવિક છે કે વખતોવખત પાકિસ્તાનમાં એનાં દર્શન થતા જ રહેવાના. થોડા વર્ષો પહેલાં મહાન સંસ્કૃત વ્યાકરણાચાર્ય પાણિનિની 2000મી જન્મજયંતી પાકિસ્તાનમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. સિંધના વયોવૃદ્ધ નેતા જી. એમ. સૈયદ અને અનેક સિંધી મુસલમાનો ગર્વથી કહે છે કે રાજા દાહિર એમના વીર નાયકોમાં એક હતા, જેમણે મુહમ્મદ બિન કાસિમના આક્રમણથી સિંધની રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. પાકિસ્તાનના પંજાબ છાત્ર સંઘે જાહેર કર્યું હતું કે એમનો રાષ્ટ્રીય દિવસ ‘વૈશાખી’ છે. કરાંચી નજીક સિંધુ નદી અને મહાસાગરના સંગમ પાસે દેવાલ નાયક સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં બીજી વસ્તુઓની સાથે ખોદકામ કરતાં ‘શિવલિંગ’ પણ મળ્યાં. અહીંના લોકો પોતાને પુરાતન સાંસ્કૃતિક પરંપરાનું જ અંગ માને છે. તક્ષશિલા વિદ્યાપીઠના અવશેષરુપે આજે પણ ભારતની મહાનતાનો ધ્વજ આ ધરતી પર ફરકી રહ્યો છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઝૂલ્ફીકાર ભુટ્ટોએ એમના ઓરડામાં ભગવાન બુદ્ધની એક વિશાળ અર્ધપ્રતિમા રાખી હતી કે જેથી કરીને સૌને પાકિસ્તાન પોતાની પ્રાચીનતમ વારસારુપે ગૌરવપૂર્ણ બૌદ્ધ પરંપરાનાં દર્શન કરી શકે. પાકિસ્તાનના કેટલાક ઉર્દૂ શાયરો ‘હિન્દીની સહજ સૌમ્યતા’ને કારણે હિન્દી પદોની રચના કરે છે. ભારતીયો અને પાકિસ્તાનીઓના વ્યવહારની રીત, એમની બોલચાલ અને એમનાં આચરણ એક છે. બીજા લોકો એમાં ભેદ પારખી શકતા નથી. કારણ માત્ર એટલું જ કે બધાની રગોમાં લોહી હિન્દુ વહે છે, ભારતનું વહી રહ્યું છે.

આ બધી બાબતો એક જ મૂળ તથ્ય તરફ ઈશારો કરે છે કે પાકિસ્તાનના પ્રાચીન રાષ્ટ્રીય મૂળ હિન્દુ પ્રકૃતિમાં પડેલા છે, જે બાકીના ભારતવર્ષમાં પણ સમાનરૂપે વિદ્યમાન છે.

સ્વયં મહમદઅલી ઝીણાએ પણ અમેરિકન પત્રકાર અને લેખક લૂઈ ફિશરને જણાવ્યું હતું કે, ‘ભારતમાંના મોટાભાગના મુસલમાનો પહેલાં હિંદુ હતાં.’ એટલે ભારત-પાકિસ્તાન, બાંગલાદેશ અને અઘાનિસ્તાનના મુસ્લિમોના પૂર્વજો હિન્દુ જ હતા.

એ વાત સાચી છે કે ઈસ્લામની તલવારે એના આક્રમણના પહેલા પૂરમાં અનેક દેશોના રાષ્ટ્રીય તાણાવાણાને છિન્નભિન્ન કરી નાખ્યા હતા, પરંતુ ધીમે ધીમે સ્થાનિક સાંસ્કૃતિક, ભાષાકીય અને ઐતિહાસિક પરંપરાએ એનો રંગ બતાવ્યો અને ઈસ્લામને જ એક નવા રંગે રંગી દીધો. ઈરાન પુરાણું ફારસ. એણે જોકે ઈસ્લામ અંગીકાર કર્યો, તો પણ એની પ્રાચીન પારસી માન્યતાઓનો સંપૂર્ણપણે ત્યાગ ન કર્યો. એણે પ્રાચીન સંપ્રદાયની વિશેષતાઓને ઈસ્લામ સાથે જોડી અને એક નવા સૂફી મતને જન્મ આપ્યો. આ નવો મત નવા અને જૂનાના મિલનનું પ્રતીક હતો ! અરબોથી અલગ થઈને ઓળખ ટકાવી રાખવા માટે ઈરાને શિયા મતનો સ્વીકાર કર્યો. ઈસ્લામના સદીઓ પૂર્વેના રૂસ્તમ, સોરાબ અને બીજાં બિનમુસ્લિમ ઐતિહાસિક પાત્રોને એ પોતાના રાષ્ટ્રીય શૂરવીરો તરીકે માનતો રહ્યો. ‘નવરોજ’ની માન્ય પરંપરાને એણે ટકાવી રાખી.

તુર્કીમાં ઈસ્લામે એક અલગ રૂપ ધારણ કર્યું. આધુનિક તુર્કીના નિર્માતા મુસ્તફા કમાલપાશાએ ઈસ્લામમાં પશ્ચિમી સભ્યતાની ‘કલમ’ જોડી. એમણે તુર્કી ભાષામાં કુરાનનો અનુવાદ કરાવ્યો. તુર્કી ભાષામાં નમાજ શરૂ કરી અને અરબોના ‘અલ્લાહ’ ને તુર્કીમાં ‘તારી’ બનાવી દીધા.

ઈન્ડોનેશિયા એ ઈસ્લામી દેશનું અનોખું ઉદાહરણ છે. એના રોમરોમમાં હિન્દુ સંસ્કૃતિ સમાયેલી છે. ઈન્ડોનેશિયામાં 80 ટકા વસતી મુસલમાનોની છે. વ્યક્તિગત સ્તરે એમનો મત ઈસ્લામ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે એમની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જ રહી છે. રામાયણ અને મહાભારત એમનાં રાષ્ટ્રીય મહાકાવ્યો છે. એનાં સંગીત, સાહિત્ય અને કલાના પ્રાણ છે. એમની વિમાન સેવાનું નામ એમણે પવિત્ર ગરૂડના નામે કર્યું છે. મહાભારતના ગુરુ દ્રોણાચાર્ય એમની રક્ષણ અકાદમીને શોભાવી રહ્યા છે. ઈન્ડોનેશિયાવાસી ગર્વથી કહે છે, અમે અમારો ધર્મ બદલ્યો છે, અમારા પૂર્વજો નહિ ! ઈન્ડોનેશિયાથી કોઈ વ્યક્તિ ભારત આવે છે તો એના ઘરવાળા એને ભારતથી પવિત્ર ગંગાજળ લાવવાનું ખાય યાદ કરાવે છે. તેઓ હિન્દુસ્થાનમાં ફરવા માટે નહિ, પરંતુ તીર્થયાત્રા માટે આવે છે.

ઈન્ડોનેશિયા ભારતથી સેંકડો માઈલ દૂરનો દેશ છે. સદીઓ પહેલાં એ હિન્દુ સંસ્કૃતિથી ઓતપ્રોત હતો. લગભગ ચારસો –પાંચસો વર્ષ પહેલાં એને ઈસ્લામમાં ધર્માંતરિત કરવામાં આવ્યો. તેઓ ત્યારથી ઈસ્લામની પ્રથાઓનું પાલન કરવા લાગ્યા, તો પણ ભારત અને એની પરંપરા પ્રત્યે એના પ્રગાઢ પ્રેમમાં કોઈ ઓટ આવી નથી. એની સરખામણીમાં પાકિસ્તાન અને ભારતના તો ભૌતિક અને સાંસ્કૃતિક સંબંધો તો અત્યંત નિકટના છે.  પાકિસ્તાનનાં બધાં વિસ્તારો ભારતનાં અભિન્ન તેમજ પરસ્પર સંકળાયેલ અંગ રૂપે જ વિકસ્યાં છે.  આપણા સાંસ્કૃતિક ઈતિહાસના અનેક સોનેરી અધ્યાયો આજે જે પાકિસ્તાનમાં છે એ વિસ્તારમાં લખાયેલા છે. આપણી રાષ્ટ્રીય પરંપરાની આ ગાઢ અંતઃધારા તરત જ પ્રગટીને રહે છે. ભારતવર્ષના સાંસ્કૃતિક ઉપવનની કળી કળીમાંથી નીકળતી ભીની – ભીની મનમોહક સુગંધ એમના મનને સ્ફૂર્તિથી ભરી દે છે અને આપણે એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ કે અલગ થયેલા ભાગ ફરીથી એકબીજાને ગળે લગાવશે. વેદ-ઉપનિષદો જ્યાં રચાયા એ ધરતી પર ફરી આપણી સાંસ્કૃતિક ધારા એના પ્રચંડ વેગ સાથે વહેતી થાય !

જયપ્રકાશ નારાયણે પણ આવું સુંદર પ્રેરણાદાયી ભવિષ્યનું ચિત્ર એમના મનમાં આંક્યું હતું. નવેમ્બર 1977માં રા. સ્વ. સંઘના બિહાર પ્રાંતના પ્રશિક્ષણ શિબિરના સમાપન – સમારોહમાં સંબોધન કરતાં એમણે કહ્યું હતું : ‘સામ્રાજ્યવાદીઓ ભારતના અંગને વિચ્છેદ કરવામાં સફળ થઈ ગયા, છતાં પણ અમે બધા, અર્થાત્ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ત્રણે દેશોમાં રહેતા લોકો વાસ્તવમાં એક જ રાષ્ટ્ર ભારતના વાસી છીએ. અમારા રાજકીય એકમો ભલે અલગ હોય, પરંતુ અમારી રાષ્ટ્રીયતા હંમેશાં એક જ રહી છે અને એ છે ભારતીય.’

ઈતિહાસ અને ભૂગોળે તો દેશને એક બનાવ્યો હતો; પણ એના સેક્યુલારિઝમ અને જેહાદી માનસિકતાની આડમાં બનાવટી ભાગલા પાડવામાં આવ્યા ત્યારે ત્રણ ભાગોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. ભારત તો એની તાકાતથી ઊભું થયું પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર એની ભયાનક પ્રતિકૂળ અસર પડી. આજે પણ આ બંને દેશોની આર્થિક હાલત ભિખારી જેવી છે. મોટાભાગની ચીજ વસ્તુઓ એણે બહારથી આયાત કરવી પડે છે. આવો દેશ કેટલા સમય ટકે ?

|ક્રમશઃ|

© કિશોર મકવાણા


Spread the love