કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
શું ભારત અખંડ બનશે ? પાકિસ્તાનની ધરતીના કણ કણમાં હિન્દુ સંસ્કૃતિની ધારા વહે છે….
– પાકિસ્તાનના નિર્માતાઓ સમક્ષ કોઈ ઉચ્ચ આદર્શ નહોતા. તેઓ સત્તાભૂખ્યા હતા. ‘ભાંગ્યા – તૂટ્યા, ક્ષત – વિક્ષત, ઊધઈ લાગેલા ‘પાકિસ્તાન પર તેઓ ગીધડાંની જેમ તૂટી પડ્યા એના પરથી જ તેમની સત્તાભૂખ દેખાઈ આવે છે. 1946માં મહંમદઅલી ઝીણાએ વાઈસરૉય વેવેલને વિનંતી કરતાં કહ્યું હતું કે ગમે તેટલો નાનો કેમ ન હોય, તો પણ મુસલમાનોને એમનો પોતાનો દેશ આપવો જોઈએ.
– ભારત-પાતિસ્તાન-બાંગલાદેશ- આ ત્રણે દેશોના સામાન્ય માનવીના રગોમાં તો હિન્દુ રક્ત જ વહે છે તેમજ પરસ્પર બાંધી રાખતી સંસ્કૃતિના મૂળ હકીકતમાં ખૂબ ઊંડા છે. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ પાકિસ્તાનના પુરાતત્વીય સલાહકાર આર. ઈ. એમ. વ્હીલરના ‘5000 ઈયર્સ ઓફ પાકિસ્તાન’ (પાકિસ્તાનના 5000 વર્ષ) નામક પુસ્તકની પ્રસ્તાવનામાં પાકિસ્તાનના તત્કાલીન વાણિજ્ય તેમજ શિક્ષણમંત્રી ફજલુર્રહેમાને કહ્યું છે : ‘આ પરંપરાને અખંડિત રાખવી જોઈએ. સૂકા ઠૂંઠામાં લીલી લીલી કોમળ કૂંપળો ચોટાડવાથી કોઈ લાભ નહિ થાય.’
ભૌગોલિક અને રાજકીય રીતે ભારતના ભાગલા થયા પરંતુ અખંડ ભારત સાંસ્કૃતિક રીતે એક હતું અને રહેવાનું છે. એટલે ભારત પુન: અખંડ બનશે જ એ સપનું દરેક ભારતીયનું રહેવાનું…
વિશ્વમાં અનેક રાષ્ટ્રોના કૃત્રિમ ભાગલા થયા છે. એ રાષ્ટ્રોના ભાગલા થયેલા વિસ્તારો પુનઃ મિલન માટે હંમેશા અદમ્ય ઈચ્છા રાખતા હોય છે અને એ માટે ઉત્કટ પ્રયાસ પણ રહેતો હોય છે. ઉત્તર અને દક્ષિણ કોરિયાના રૂપે કોરિયાનું વિભાજન કરવામાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ જર્મનીરૂપે જર્મનીનું વિભાજન કરવામાં આવ્યું હતું. અલ્સ્ટરને આયરલેન્ડથી અલગ કરી દેવાયું. એક સમયે વિયેટનામ બે ભાગમાં વહેંચાયું હતું, પરંતુ લાંબા અને કઠોર સંઘર્ષના અંતે તે ફરીથી એક બની ગયું. આ બધાં દેશોના ભાગલા એ સામ્રાજ્યવાદી તાકાતોના ષડયંત્રોનાં પરિણામો છે. તક મળતાં જ એ વિભાજિત ભાગો આ અકુદરતી ભાગલાને સમાપ્ત કરી દે એવી સતત સંભાવના રહેલી હોય છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ અંગે પણ આવી સંભાવનાને નકારી શકાય નહિ.
પાકિસ્તાનની માગણી પાછળ એક વૈચારિક કુતર્ક એવો હતો કે ‘એની એક વિશિષ્ટ ઈસ્લામી ઓળખ હશે. એ હિન્દુઓ સાથેના સમાન રાષ્ટ્રીય પરંપરાના બધા સંબંધોની અવગણના કરી બધા મુસલમાનોને એક સમાનરુપે ગૂંથી લેશે.’ પરંતુ પાકિસ્તાનની સ્થાપનાના પહેલા દિવસથી જ આ માગણીનું બોદાપણું સ્પષ્ટપણે દેખાવા માંડ્યું. પાકિસ્તાનની પ્રજામાં પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં બંગાળીની ભારે બહુમતી હતી, આથી પશ્ચિમી પાકિસ્તાનની સૈનિક સરકારે ચૂંટણીઓ સ્થગિત કરી દીધી.
ઉપરાંત – ‘1956ના બંધારણમાં એવી વ્યવસ્થા હતી કે ‘પાકિસ્તાની નેશનલ કાઉન્સિલ’માં 45 ટકા પશ્ચિમી પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ 55 ટકા બંગાળીઓના પ્રતિનિધિત્વ જેટલું જ રહેશે… ઉર્દૂ ભાષી લધુમતીઓએ બાંગ્લાભાષી બહુમતી પર ઉર્દૂને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા તરીકે લાદવાનો પ્રયત્ન કર્યો. 1951ની વસતી ગણતરીમાં 56.40 ટકા પાકિસ્તાનીઓએ પોતાને બાંગ્લા – ભાષી તરીકે લેખાવ્યા હતા. કેવળ 3.37 ટકા લોકોએ ઉર્દૂને પોતાની માતૃભાષા જણાવી હતી.’ (વી. પી. નાગરકર : જેનેસિસ, પૃષ્ઠ: 483)
પશ્ચિમ પાકિસ્તાનના આ દબદબાને કારણે જ આખરે પાકિસ્તાનના ભાગલા થયા અને 1971માં બાંગ્લાદેશનો ઉદય થયો. બાંગ્લાદેશનો સંઘર્ષ ચાલી રહ્યો હતો એ દિવસોમાં ઈંગ્લેન્ડના ‘ન્યૂ સ્ટેટ્સમેન’માં પ્રકાશિત એક લેખમાં પાકિસ્તાન વિશે કહેવામાં આવ્યું હતું – ‘એવો દેશ જે ક્યારેય હતો જ નહિ.’ આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પાકિસ્તાન એક અકુદરતી અને વિકૃત રચના છે. પશ્ચિમ પાકિસ્તાનની મુસ્લિમ – સૈનિક સરકાર અને મુસ્લિમ સેનાએ બાંગ્લાદેશના મુસલમાનો પર જે ભયાનક અત્યાચારો કર્યા, એણે ઈસ્લામ એ પાકિસ્તાની રાષ્ટ્રીયતાને જોડનાર આધાર છે એવા દાવાના ભ્રમને જ દૂર કરી નાખ્યો.
પાકિસ્તાનના નિર્માતાઓ સમક્ષ કોઈ ઉચ્ચ આદર્શ નહોતા. તેઓ સત્તાભૂખ્યા હતા. ‘ભાંગ્યા – તૂટ્યા, ક્ષત – વિક્ષત, ઊધઈ લાગેલા ‘પાકિસ્તાન પર તેઓ ગીધડાંની જેમ તૂટી પડ્યા એના પરથી જ તેમની સત્તાભૂખ દેખાઈ આવે છે. 1946માં મહંમદઅલી ઝીણાએ વાઈસરૉય વેવેલને વિનંતી કરતાં કહ્યું હતું કે ગમે તેટલો નાનો કેમ ન હોય, તો પણ મુસલમાનોને એમનો પોતાનો દેશ આપવો જોઈએ. પેંડરલ મૂને કહ્યું છે: ‘આ વિચાર એમના રાજકીય પીઠ્ઠુઓ અને પેલા મહત્વાકાંક્ષી મુસ્લિમ સિવિલ સર્વેન્ટ્સ’ ના વિચારો સાથે મેળ ખાતા હતા. તેઓ જ ચોરીછૂપીથી એમને પ્રોત્સાહન આપતા હતા. આ સત્તાલોલુપ-સ્વાર્થી લોકો માટે એક છાણનો નાનો એવો ઢગલો પણ કાંઈ ન હોવા કરતાં સારો હતો.’ (પેંડરલ મૂન : ડિવાઈડ એન્ડક્વિટ, પૃષ્ઠ: 69)
દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રાજકીય સ્વાર્થ સાધવા માટે માત્ર એક વૈચારિક ઢાલ સિવાય બીજું કંઇ જ નહોતું. આ વાતને સ્પષ્ટ કરતાં ખલીકુજ્જમાને પોતે જ કહ્યું છે : ‘મિ. ઝીણાએ પહેલી તક મળતાં જ પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને ‘આવજો’ કહી દીધું હતું. 11 સપ્ટેમ્બર 1947ના દિવસે પાકિસ્તાનના પસંદ કરાયેલ ગવર્નર જનરલ અને પાકિસ્તાની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ભાષણ આપતાં એમણે કહ્યું હતું: ‘આજે જે કઢંગી સ્થિતિ છે, બહુમતી અને લઘુમતી સમુદાયો – હિન્દુ અને મુસ્લિમ સમુદાયોનો જે ઝમેલો છે, એ બધો વખત જતાં સમાપ્ત થઈ જશે એવી ભાવનાથી કામ શરૂ કરી દેવું જોઈએ. આપણે ત્યાં મુસલમાનોમાં પણ પઠાણ છે, પંજાબી છે, શિયા છે, સુન્ની છે, વગેરે વગેરે. હિન્દુઓમાં પણ બ્રાહ્મણ, વૈશ્ય અને ખત્રી છે. વળી બંગાળી, મદ્રાસી વગેરે છે. હકીકતમાં જો મને પૂછતા હોય તો ભારતની પ્રગતિમાં સૌથી મોટાં રોડાં હોય તો આ છે. આ બધા ગૂંચવાડા ન હોત તો આપણે ક્યારનાય સ્વતંત્ર થઈ ગયા હોત. આપનો સંપ્રદાય કે આપની જાતિ ગમે તે હોય, રાજકાજ સાથે એને કોઈ લેવાદેવા નથી.’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 320)
ખલીકુજ્જમાને કહ્યું કે : ‘‘સુહરાવર્દીને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની સાર્થકતા માટે શંકા હતી. મારા મતે પણ એનાથી આપણને કોઈ લાભ થયો નથી; પરંતુ ભાગલા પછી એ ભારતના મુસલમાનો માટે ચોક્કસપણે અને અન્યત્ર બધે મુસલમાનો માટે દૂરગામી દ્રષ્ટિએ હાનિકારક સાબિત થયો છે.’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 400)
પાકિસ્તાન એના જન્મકાળથી જ ઘોર આંતરિક તાણ અને દબાણોથી ઘેરાયેલું રહ્યું છે. પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને બલૂચિસ્તાનની આત્મનિર્ણયની માંગણી વધુ ને વધુ જોર પકડતી ગઈ છે. એના કારણે જ ઘણું કરીને પાકિસ્તાનના શાસકોએ ત્યાંની જનતા પર બેફામ દમન કર્યુ છે.
સિંધના ભૂતપૂર્વ મંત્રી અને ભાગલાના પ્રબળ સમર્થક જી. એમ. સૈયદ પોતાના પ્રાંત અને પોતાની ભાષાના પ્રવક્તા હતા. એમણે ‘જિયે સિંધ’નું આંદોલન ચલાવ્યું. એમનો વિરોધ એ બાબતે રહ્યો હતો કે રોજેરોજ બહારના ઉર્દૂ – ભાષી મુસલમાનોનો પ્રભાવ વધતો જ જાય છે અને એમના પર ઉર્દૂને લાદવામાં આવી રહી છે.
એ જ રીતે 1947માં પચાવી પાડેલું ગુલામ કાશ્મીર પણ આજે ય પાકિસ્તાનના હિંસક પંજામાંથી મુક્ત થવા ઝંખી રહ્યું છે.
વિચિત્ર વાત તો એ છે કે ‘મુસ્લિમ’ શબ્દની કોઈ સર્વસંમત વ્યાખ્યા જ નથી. અહમદી સંપ્રદાય વિરુદ્ધ ઊઠતા ‘જેહાદ’ને પરિણામે ‘જસ્ટીસ મુનીર કમિશન’ નિયુક્ત કરવામાં આવ્યું. એ પણ કોઈ વ્યાખ્યા આપવામાં નિષ્ફળ ગયું. પંચે અહેવાલ રજૂ કર્યો : ‘ઉલેમાઓએ આપેલી અનેક વ્યાખ્યાઓને ધ્યાનમાં લેતાં અમે બસ આટલું જ કહી શકીએ છીએ કે આ મૂળ વાત અંગે કોઈ પણ બે વિદ્વાનો સહમત નથી. અમે પણ અમારી પોતાની અલગ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ જેવો પ્રયત્ન દરેક ઉલેમાએ કર્યો છે, તો એ વ્યાખ્યા બીજી બધી પરિભાષા કરતાં અલગ હશે. અમે સર્વ સંમતિથી ઈસ્લામના ચોકઠાંમાંથી બહાર થઈ જઈએ છીએ. અમે કોઈ એક ઉલેમાની વ્યાખ્યાનો સ્વીકાર કરીએ તો એ ‘આસિમ’ ના વિચાર પ્રમાણે અમે મુસલમાન રહીશું, પરંતુ બીજા બધાની વ્યાખ્યા પ્રમાણે ‘કાફર’ રહીશું.’ (એમ. આર. એ. બેગ : ધ મુસ્લિમ ડિલેમાઈન ઈન્ડિયા, પૃષ્ઠ: 17)
આવી તદ્દન ખોટી અને અકુદરતી ધારણાઓ પર આધારિત તેમજ દાર્શનિક રીતે શૂન્ય રાજ્ય એક દિવસ એવો નિર્ણય કરી લે કે એ એની મૂળ (માતૃ) સંસ્કૃતિનો પાલવ પકડી અને એના જીવનને સમૃદ્ધ બનાવવાનો વિચાર કરે અથવા તો ભારતનો સમર્થ શાસક પાકિસ્તાનને જ ભારતમાં ભેળવી દે તો એમાં કોઈ નવાઈની વાત રહેશે નહિ.
કારણ આ ત્રણે દેશોના સામાન્ય માનવીના રગોમાં તો હિન્દુ રક્ત જ વહે છે તેમજ પરસ્પર બાંધી રાખતી સંસ્કૃતિનાં મૂળ હકીકતમાં ખૂબ ઊંડાં છે. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ પાકિસ્તાનના પુરાતત્વીય સલાહકાર આર. ઈ. એમ. વ્હીલરે ‘5000 ઈયર્સ ઓફ પાકિસ્તાન’ (પાકિસ્તાનના 5000 વર્ષ) નામક પુસ્તક લખ્યું હતું. એની પ્રસ્તાવનામાં પાકિસ્તાનના તત્કાલીન વાણિજ્ય તેમજ શિક્ષણમંત્રી ફજલુર્રહેમાને કહ્યું છે : ‘પાકિસ્તાન પાસે ઈ.સ. 1707માં બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પહેલાંનાં પ્રાચીન ભવનો અને સાંસ્કૃતિક અવશેષોના સ્વરૂપે કેટલી ભવ્ય ભૌતિક પરંપરા છે એ વિશે પાકિસ્તાન અને બાહ્ય જગત સમક્ષ એક સંક્ષિપ્ત રેખાચિત્ર પ્રસ્તુત કરવાનો હેતુ આ પુસ્તકના સંકલન પાછળ રહેલો છે. માત્રા, શ્રેણી અને ગુણની દ્રષ્ટિએ નવું ‘ડોમિનિયન’ ગર્વ લઈ શકે એવી આ પરંપરા છે. એમાં બે – ત્રણ હજાર વર્ષ ઈ.સ. પૂર્વેની સિંધુ ખીણની સભ્યતા સામેલ છે. એશિયાની એ એક મહાન સભ્યતા હતી.
અફઘાનિસ્તાનની સીમાની સાથે સાથે ભવ્ય અને અનોખી બૌદ્ધ કલાના આદિ વૈભવની કથા પણ એમાં સહભાગી છે. એ બીજા સૈકામાં અને એની આસપાસ અહીં ફૂલીફાલી હતી. પૂર્વ બંગાળની સહજ, સ્વત: સ્ફૂર્ત, જીવંત વૃત્તિએ આઠમી અને નવમી સદીમાં એને હિમાલયની દક્ષિણે એક મહત્વપૂર્ણ અભૂતપૂર્વ મૃણમૂર્તિકલા શૈલીથી સમૃદ્ધ કરી. ઈસ્લામના આગમન પછી એની ઉપલબ્ધિઓ વધુ વ્યાપક સ્વરૂપે પ્રસિદ્ધ થઈ; જેમાં તત્તાની ‘ખપરૈલ’ વાળી મસ્જિદો છે, લાહોરનો મોઘલ કિલ્લો છે અને ગૌડની ‘છોટી સોના’ મસ્જિદ છે. દેશની પ્રત્યેક શાળા – મહાશાળામાં એની ગાથાઓ વારંવાર ફરી ફરી કહેવાવી જોઈએ.
પાકિસ્તાનનું સશક્ત અને સ્વસ્થ ભાવિ નિર્માણ કરવું હશે તો આ પરંપરાને અખંડિત રાખવી જોઈએ. સૂકા ઠૂંઠામાં લીલી લીલી કોમળ કૂંપળો ચોટાડવાથી કોઈ લાભ નહિ થાય.’ (આર. ઈ. એમ. વ્હીલર : 5000 ઈયર્સ ઓફ પાકિસ્તાન, ભૂમિકા)
પુસ્તકમાં આવા તો કેટલાય ઉલ્લેખો મોટા પ્રમાણમાં મળે છે –જેમ કે મોહન જો દડો અને હડપ્પા સભ્યતાનાં પ્રાગૈતિહાસિક ગ્રામ અને નગર, ઋગ્વેદ, ગૌતમ બુદ્ધ, તક્ષશિલા, બૌદ્ધ ધર્મનો પ્રકાશ ફેલાવનાર મહાન અશોક, જાતક કથાઓ, હિન્દુ મંદિરો અને દુર્ગા, પૂર્વ બંગાળનું પુદાર નગર, ‘ઐતરેય આરણ્યક’ અને ‘ઐતરેય બ્રાહ્મણ’ ધર્મપાલ રચિત સોમપુર વિહાર, અદ્દભુત શૈલીવાળા એક ભવ્ય મંદિર સાથે મૌર્ય અને ગુપ્તકાલીન નગર વગેરે !
વ્હીલરે લખ્યું છે : ‘દેશના સશક્ત વ્યક્તિત્વ અને એની પરંપરાગત સંસ્કૃતિમાં નવાં તત્વોને ખપાવવાની એની ક્ષમતાનો પરિચય એકવાર નહિ અનેકવાર મળ્યો છે.’
|ક્રમશઃ|
– © કિશોર મકવાણા