કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
એક તરફ દેશના ભાગલા પડી રહ્યા હતા બીજી તરફ કૉંગ્રેસના નેતા મંત્રી બનવા દોડાદોડી કરતા હતા
– 1960માં લેઓનાર્ડ મોસ્લે સાથે વાતચીત દરમિયાન પં. નહેરુએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું : ‘અમે થાકી ગયા હતા અને ઉંમર પણ વધારે હતી – એ સત્ય છે. અમારામાંથી ખૂબ થોડા લોકો જેલમાં જવાની વાત કરતા હતા. અમારી ઈચ્છા મુજબના અખંડ ભારત અંગે અડગ રહ્યા હોત તો અમારે ફરી જેલમાં જવું જ પડત એ સ્પષ્ટ છે.
– સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળના સભ્ય એન. વી. ગાડગિલે વધારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે: ‘દેશની મુખ્ય રાજકીય શક્તિ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ હતી અને તેના નેતા ઘરડા થઈ ગયા હતા. થાકી ગયા હતા. તેમને ચાર દાયકાના સતત સંઘર્ષના ફળ મળશે કે નહીં તે વિશે દ્રઢ વિશ્વાસ નહોતો.
– એક તરફ દેશના ભાગલા થવાના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ કૉંગ્રેસી નેતા પ્રથમ મંત્રી મંડળમાં સ્થાન લેવા દોડાદોડ કરી રહ્યા હતા. ગાડગિલના શબ્દોમાં : ‘3 જૂનની ઘોષણા થતાં જ દિલ્હીમાં સમાચારપત્રોમાં ભવિષ્યવાણીઓ થવા લાગી કે સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં કોણ – કોણ બિરાજશે, કોણ નહીં. અનેક કૉંગ્રેસી નેતા પોતાનું ભવિષ્ય સુધારવાના કાર્યમાં લાગી ગયા હતા.’
ભાગલાથી બધા દુ:ખી તો હતા પણ રોકી શકે તેમ હતા તો ય ભાગલા રોક્યા નહીં. પંડિત નહેરુએ પણ 15 જૂન, 1947ના દિવસે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની નિર્ણાયક બેઠકમાં તેમના ભાષણમાં નેતાઓની વાસ્તવિક મનોદશાનો સ્વીકાર કર્યો છે. પ્યારેલાલના શબ્દોમાં: ‘નહેરુના ભાષણથી ખબર પડે છે – સરકારમાં લીગી સભ્યોની આંતરિક તોડફોડ અને અંગ્રેજોનું નિયંત્રણ જળવાઈ રહેવાના કારણે અંતિમ સરકાર અસહાય બની ગઈ. વધી રહેલી આ અરાજકતાનો સામનો સરકાર ન કરી શકી. તેના લીધે કૉંગ્રેસનું ઉચ્ચ નેતૃત્વ એટલું હતાશ થઈ ગયું કે તે આ અસહ્ય સ્થિતિમાંથી ગાળિયો છોડાવવાની ચિંતામાં પડી ગયું. તેને ભાગલાની કિંમત ચૂકવવાનું જ વધારે યોગ્ય ગણ્યું. કૉંગ્રેસી નેતા હવે તેમના જીવનના અંતિમ તબક્કામાં હતા. એક ચતુર્થાંશ સદી સુધી અંધકારમાં ભટકતા રહ્યા પછી તેમને પોતાના સ્વપ્નિલ દેશનાં દર્શન થવા લાગ્યાં. તે યોદ્ધા હતા. જરૂર હોત તો તે એક વધુ પ્રયાસ કરતાં પણ ન ખચકાત. પરંતુ ફરી સંઘર્ષમાં ક્યાંક તેમને સફળતા નહીં મળે તો, સ્વતંત્રતા – સંઘર્ષનાં ફળ હવે લગભગ તેમની મુઠ્ઠીમાં આવી ચૂક્યાં છે તે ક્યાંક તેમના હાથમાંથી છટકી ન જાય. અસંખ્ય સ્વતંત્રતા – સેનાનીઓનાં સેંકડો બલિદાન ક્યાંક વ્યર્થ ન જતાં રહે તેવી તેમને શંકા હતી.’ (પ્યારેલાલ : લાસ્ટ ફેજ, પૃષ્ઠ: 253)
1960માં લેઓનાર્ડ મોસ્લે સાથે વાતચીત દરમિયાન પં. નહેરુએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું : ‘અમે થાકી ગયા હતા અને ઉંમર પણ વધારે હતી – એ સત્ય છે. અમારામાંથી ખૂબ થોડા લોકો જેલમાં જવાની વાત કરતા હતા. અમારી ઈચ્છા મુજબના અખંડ ભારત અંગે મક્કમ રહ્યા હોત તો અમારે ફરી જેલમાં જવું જ પડત એ સ્પષ્ટ છે. અમે જોયું કે પંજાબમાં આગ ભડકી રહી છે અને દરરોજ કાપાકાપી થઈ રહી છે. ભાગલાની યોજનાએ એક માર્ગ કાઢ્યો અને અમે તેને સ્વીકારી લીધો.’ (લેઓનાર્ડ મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 285)
પંડિત નહેરુએ તેમના વિશ્વાસપાત્ર ઈતિહાસકાર માઈકલ બ્રીચરને કહ્યું હતું તે પણ ઉલ્લેખનીય છે :
‘જુઓ, મારા વિચાર મુજબ પરિસ્થિતિ અને એ વાતે દબાણ હતું કે દલદલમાંથી નીકળવાનો અમે માર્ગ અપનાવ્યો હતો તેમાં અમે સફળ થઈ શક્યા નહીં. સ્થિતિ નિરંતર બગડતી ગઈ… મારા અભિપ્રાય મુજબ અમને તાત્કાલિક સ્વતંત્રતા મેળવવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો… અને એટલા જ માટે અમે તેનો સ્વીકાર કરી લીધો.’ (લેઓનાર્ડ મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ:284 – 285)
આ વાતને સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળના સભ્ય એન. વી. ગાડગિલે વધારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે: ‘દેશની મુખ્ય રાજકીય શક્તિ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ હતી અને તેના નેતા ઘરડા થઈ ગયા હતા. થાકી ગયા હતા. તેમને ચાર દાયકાનાં સતત સંઘર્ષનાં ફળ મળશે કે નહીં તે વિશે દ્રઢ વિશ્વાસ નહોતો. તે તેમના ભવિષ્યફળ બાબતે પણ નિશ્ચિત નહોતા. તે દોરડાને તૂટી જાય એ હદે ખેંચ્યે રાખવા ઈચ્છતા નો’તા કે કર્યા કારવ્યા પર પાણી ફરી વળે. પરિણામે જૂના અને હિંમતવાન યોદ્ધા પણ તેમનું સર્વસ્વ દાવ પર લગાડવાના બદલે સમજૂતીના ચક્કરમાં પડી ગયા.’ (એન. વી. ગાડગિલ : ગવર્નમેન્ટ ફ્રોમ ઈનસાઈડ, પૃષ્ઠ: 22)
આવી માનસિકતાના લીધે કૉંગ્રેસી નેતાઓએ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિમાં પુરુષોત્તમદાસ ટંડનના લલકાર તરફ આંખ આડા કાન કર્યા. થોડાંક વર્ષોથી કૉંગ્રેસમાં રાજકીય સત્તા – લોલુપતા પેદા થવા લાગી હતી. તેણે મોટા ભાગના કૉંગ્રેસીઓની સંઘર્ષ કરવાની આગને ઠંડી કરી નાખી હતી. 3 જૂન ભાગલા યોજનાની ઘોષણા થયા પછી તરત જ સત્તા મેળવવા માટે કૉંગ્રેસી નેતાઓમાં હલકટ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ હતી. ગાડગિલના શબ્દોમાં : ‘3 જૂનની ઘોષણા થતાં જ દિલ્હીમાં સમાચારપત્રોમાં અટકળો થવા લાગી. ગપસપના અડ્ડાઓ પર ભવિષ્યવાણીઓ થવા લાગી કે સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં કોણ – કોણ બિરાજશે, કોણ નહી. દરરોજ ગાંધીજીને મળવા આવતા લોકોના માપદંડના આધાર પર અનુમાન થવા લાગ્યા કે ભાવિ મંત્રીમંડળની રૂપરેખા કેવી હશે ? કૉંગ્રેસી લોબીમાં પણ ચર્ચાનો મુખ્ય વિષય આ જ હતો કે પ્રથમ મંત્રી મંડળમાં કોને કોને સ્થાન મળશે. અનેક કૉંગ્રેસી પોતાનું ભવિષ્ય સુધારવાના કાર્યમાં લાગી ગયા હતા. કૉંગ્રેસી રાજકારણમાં વૃદ્ધ થઈ ગયેલા અનેક સભ્યો દરરોજ ગાંધીજી, સરદાર પટેલ, પં. નહેરુ અને ક્યારેક – ક્યારેક મૌલાનાના ઘરનાં ચક્કર કાપવા લાગ્યા.’ (એન. વી. ગાડગિલ : ગવર્નમેન્ટ ફ્રોમ ઈનસાઈડ, પૃષ્ઠ: 37-38)
પંડિત નહેરુના અત્યંત ઘનિષ્ઠ મિત્ર કૃષ્ણમેનને પણ આવી જ ધારણા વ્યક્ત કરી હતી : ‘‘કૉંગ્રેસીઓ રાજસત્તા અને પદના એટલા લાલચુ હતા કે રાષ્ટ્રની એકતાના રક્ષણ માટે સંઘર્ષ ચાલુ રાખવાની તેમનામાં સહેજ પણ ઈચ્છા નહોતી.’ (વી. એન. દત્ત : ટ્રિબ્યૂન, 3 સપ્ટેમ્બર 1983)
આમ સત્તાના ચક્કરમાં અટવાયેલા કૉંગ્રેસીઓ પાસે ફરી જેલમાં જવા માટે તૈયાર થયા હોત તેવી આશા રાખવી વ્યર્થ હતી.
રામમનોહર લોહિયાએ તે સમયના કૉંગ્રેસીઓની મનોદશાનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે : ‘હિન્દુ – મુસ્લિમ સંબંધ બંધાય તેવી કોઈ સંભાવના રહી નહોતી એવી સ્થિતિમાં જૂના કૉંગ્રેસીઓની ખુરશીની લાલચ કોઈ ઉચ્ચ હેતુની આડમાં ઉપસીને સામે આવવા માંડી હતી. તેમાંથી અમુકને તેમના તુચ્છ ઉદ્દેશ્યનું ભાન ન રહ્યું હોય તેવું બની શકે છે. વાસ્તવમાં તેમને આમાં ઔચિત્યનો જ આભાસ થયો હશે, કારણ કે તે જ્યારે દેશનો અંગભંગ કરી રહ્યા હતા અને ખુરશી પર બેસવાની તૈયારીમાં હતા ત્યારે તેમને લાગ્યું હશે કે તે અસાધ્ય હિન્દુ – મુસ્લિમ સમસ્યાને કારણે ઠેકાણે પાડી રહ્યા છે.’ (રામમનોહર લોહિયા : ધ ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાઝ પાર્ટીશન, પૃષ્ઠ: 25)
અખંડ ભારતના સંઘર્ષ માટે તો ચોક્કસપણે દ્રઢ ઈચ્છાશક્તિ અને દૂર દ્રષ્ટિની નિતાંત આવશ્યક્તા હતી. કૉંગ્રેસી નેતાઓની ઈચ્છા – શક્તિ તો ધ્વસ્ત થઈ ચૂકી હતી. તે ઘડપણના થાકથી પીડાતા હતા અને સત્તા લાલચના ચક્કરમાં પડી ચૂક્યા હતા. આથી તેમણે આ સંઘર્ષમાં માર ખાધો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ટૂંકમાં, આપણી મહાન અને પ્રાચીન માતૃભૂમિ ભારતવર્ષના જેના કારણે ત્રણ ટૂકડા થયા હતા. તેના મૂળમાં આવી તો ઘણી હિન માનસિકતા હતી. દેશ હિત અને અખંડ ભારત આ સિવાય બીજો કોઇ વિચાર આ લોકોના મનમાં ન આવ્યો હોત તો ન દેશના ભાગલા થયા હોત કે ન જેહાદી માનસિકતાને આટલું બળ મળ્યું હોત!
ખેર અંગ્રેજોની ચાલાકી, મુસ્લિમોની જેહાદી માનસિકતા – ઇસ્લામની પ્રસાર વૃત્તિ તેમજ કોગ્રેસની તુષ્ટિકરણની નીતિ- નેતાઓની કાયરતાના લીધે દેશના ભાગલા તો થયા પરંતુ આજે પ્રશ્ર એ પણ છે કે શું ભારત ફરી અખંડ બનશે? પાકિસ્તાન કાયમ માટે વિશ્વ નકશામાંથી ભૂંસાઇ જશે ?
|ક્રમશઃ|
-© કિશોર મકવાણા