Spread the love

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 109

કૉંગ્રેસની સત્તા લાલસાના લીધે ભાગલા થયા ?

– ભાગલા સમયે આપણા નેતાઓની માનસિકતાના  પાંચ પાસા દેખાય છે – એક: રાષ્ટ્ર પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા, બે: દ્રઢ વૈચારિક આસ્થાનો અભાવ; ત્રણ: અંગ્રેજોના ભાગલા પાડનારા ષડયંત્રનો શિકાર બનવું; ચાર: હિન્દુઓનાં આત્મબળ અને આત્મવિશ્વાસનાં મૂળિયા ખોદી કાઢવા; પાંચ: પરાજિત માનસિકતા, સાહસનો અભાવ અને અનેક બાબતેમાં સત્તાલાલસા.

– આપણા ઋષિઓએ અને મહાપૂરુષોએ માતૃભૂમિ, ધર્મભૂમિ, કર્મભૂમિ, પુણ્યભૂમિ, દેવભૂમિ, મોક્ષભૂમિ ગણીને આ માતૃભૂમિની પૂજા કરી છે. અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ આપણી  ભારતમાતા છે. કૉંગ્રેસી વિચારધારામાં આ આપણી મૂળ આસ્થાને તિલાંજલિ આપી દેવામાં આવી હતી. તેમની નજરમાં ભારતની એક્તા માત્ર રાજકીય સોદાબાજી રહી ગઈ હતી.

કૉંગ્રેસ મહાસમિતિએ ભાગલાનો ઠરાવ 157 વિરુદ્ધ 15 મતોથી પસાર કર્યો હતો. છતાં આશ્ચર્ય એ વાતનું છે કે કૉંગ્રેસના નેતા એવો રાગ આલાપતા રહ્યા કે ‘ભારતનું માન ચિત્ર કોઇપણ માનવીની તાકાત બદલી શકશે નહીં. ભારત માતાનું જે ચિત્ર અમે આજ સુધી અમારા હ્રદયમાં જાળવી રાખ્યું છે તે હંમેશ કાયમ રહેશે.’ આવી જૂઠી આશા અને વિશ્વાસનો રાગ આલાપવાનું કારણ કયું હશે ? આત્માને વેદના આપનારો તેમનો આ અપરાધ – બોધ હોઈ શકે છે. તેમણે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હતો ? લોકોના આક્રોશને ઠંડો કરવાનો આ પ્રયત્ન હતો ? ‘ભાગલા’ તો કામચલાઉ છે અને સ્વતંત્રતા જેવા મહાન લક્ષ્યની પ્રાપ્તિની તુલનામાં આ તો એક મામૂલી બલિદાન છે એવું તે દેખાડવા માગતા હતા, જેથી તેમનો ગુનો નાનો દેખાય ? જે કંઈ હોય, પરંતુ કૉંગ્રેસી નેતાઓની આ ગુનેગાર જેવી મનોદશા કેમ થઈ ? આવા પ્રશ્રો ટાળી શકાય તેમ નથી. લાખો લોકોની ભરી સભામાં દેશની અખંડિતતાના રક્ષણનું વ્રત લેનાર સ્વતંત્રતા સંગ્રામના મહારથીઓએ ક્યાં કારણે  અધમ સ્થિતિ સ્વીકારી લીધી ? આ બાબતનું વિશ્લેષણ વધારે મહત્વનું બની જાય છે, કારણ કે આપણા આ નેતા સ્વતંત્રતા પછી તરત જ દેશના કર્ણધાર બનવાના હતા.

તે સમયના આપણા નેતાઓની માનસિકતાના  પાંચ પાસા દેખાય છે – એક: રાષ્ટ્ર પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા, બે: દ્રઢ વૈચારિક આસ્થાનો અભાવ; ત્રણ: અંગ્રેજોના ભાગલા પાડનારા ષડયંત્રનો શિકાર બનવું; ચાર: હિન્દુઓનાં આત્મબળ અને આત્મવિશ્વાસનાં મૂળિયાં ખોદી કાઢવા; પાંચ: પરાજિત માનસિકતા, સાહસનો અભાવ અને અનેક બાબતેમાં સત્તાલાલસા.

તેમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા અને વૈચારિક આસ્થાના અભાવ એ સૌથી મોટા પાસા છે. આપણા રાષ્ટ્રીયત્વ પ્રત્યેની તેમની સંકલ્પના ભાવવિહોણી, જડ અને નિષ્પ્રાણ હતી. તે પ્રાદેશિક, રાજકીય અને આર્થિક પક્ષ સુધી જ મર્યાદિત હતી. ઉપરોક્ત ઠરાવમાં પણ કૉંગ્રેસે આ વાતનો જ સ્વીકાર કર્યો છે કે માત્ર ભૌગોલિક, આર્થિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ જ ભારતની અખંડિતતાનો મૂળ આધાર છે, પરંતુ ભારત એ કેવળ ભૂમિનો ટુકડો નથી, એ તો એક અદ્દભુત-દિવ્ય  જીવંત રાષ્ટ્રીય જીવન છે. તેની એક લાંબી, ગૌરવપૂર્ણ, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરા રહી છે. આપણા માટે આપણી માતૃભૂમિ પર્વતો અને નદીઓ વાળો માત્ર નકશો નથી. એ તો એક દિવ્ય પ્રતિભા છે. એ તો પ્રેરણામય માતાનું સ્વરૂપ છે, જગજ્જનનીનો સાક્ષાત્ અવતાર છે. તેના ઉજ્જવળ યશનું ગાન બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોર, અરવિંદ જેવા અનેક ભક્તજનોએ કર્યું છે. ભારતને એક સૂત્રમાં પરોવનારી આ સાંસ્કૃતિક અદ્રશ્ય ગંગાનું સુંદર અને સજીવ ચિત્રણ પ્રખ્યાત બ્રિટિશ ઈતિહાસકાર વિન્સેન્ટ સ્મિથે આ પ્રકારે કર્યું છે : ‘તેમાં જરા પણ શંકા નથી કે ભારતમાં મૂળ એક્તાની અતિ ગહન અદ્રશ્ય ધારા વિદ્યમાન છે. ભૌગોલિક અલગતાવાદ કે રાજકીય પ્રભુત્વમાંથી તેનો જન્મ થયો નથી. તે એથી ક્યાંય વધારે શ્રેષ્ઠ છે. આ એક્તાને રક્ત, વર્ણ, ભાષા, પહેરવેશ, રીતરિવાજ અને પંથોની અસંખ્ય વિવિધતાઓ વડે તેની અંદર સમાવ્યા છે.’’ તેમણે એમ પણ કહ્યું છે : ‘‘ભારતની એક્તાનો અત્યંત મહત્વનો પક્ષ છે – ભારતના અનેકવિધ, બહુરંગી લોકોએ એક  એવી નિરાળી સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ કર્યો છે, જે સંસારમાં અદ્વિતીય છે.’

મહાયોગી અરવિંદે કહ્યું છે કે આ ભૂમિ દિવ્ય એવી વિશ્વજનનીનો આવિષ્કાર છે. એ જગન્માતા,આદિશક્તિ, મહામાયા, મહાદુર્ગાનાં દર્શન કરી શકાય, તેનું પૂજન કરી શકાય એ માટે જ તેણે આ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું છે.
કવિ રવીન્દ્રનાથ ઠાકુરે એની સ્તુતિ આ શબ્દોમાં કરી છે –
‘અયિ ભુવનમનમોહિની…
નીલ સિન્ધુજલધૌત ચરણતલ…’
બંકિમચંદ્રએ ‘વંદે માતરમ્’ અમર ગીતમાં એને વંદન કરતા કહ્યું છે –
“ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી…”
અર્થાત્ દસ આયુધો ધારણ કરનાર દુર્ગા તું જ છે.
હજારો તરુણોને માતૃભૂમિના સ્વાતંત્ર્યને ખાતર હસતાં હસતાં ફાંસીના માંચડે ચઢવાની પ્રેરણા આ જ ગીતે આપી છે. આપણા ઋષિઓએ અને મહાપૂરુષોએ માતૃભૂમિ, ધર્મભૂમિ, કર્મભૂમિ, પુણ્યભૂમિ, દેવભૂમિ, મોક્ષભૂમિ ગણીને આ માતૃભૂમિની પૂજા કરી છે.

અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ આપણી  ભારતમાતા છે. કૉંગ્રેસી વિચારધારામાં આ આપણી મૂળ  આસ્થાને જ તિલાંજલિ આપી દેવામાં આવી હતી. તેમની નજરમાં ભારતની એકતા માત્ર રાજકીય સોદાબાજી રહી ગઈ હતી. એક તરફ અંગ્રેજો સાથે અને બીજી તરફ મુસ્લિમ લીગ સાથે કૉંગ્રેસી નેતાઓની વાતચીતનો નિરંતર સિલસિલો ચાલ્યો, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય રાજકીય સત્તાની આપસમાં વહેંચણીનો હતો.

તે વખતે ચોખ્ખું દેખાતું હતું કે લગભગ બધા જ સ્વતંત્રતા પ્રાપ્તિનો તાલમેળ માત્ર સત્તા-સોદાબાજી સાથે બેસાડવાના ચક્કરમાં હતા. ‘સ્વરાજ્ય શા માટે ?’ એ પ્રશ્નને બાજુ પર મૂકી દેવામાં આવ્યો હતો. સ્વતંત્રતાની પ્રેરણા આપનાર ઉદાત્ત રાષ્ટ્રીય આદર્શો, મૂલ્યો અને સપનાઓનો લોપ થઈ ગયો હતો. સ્વતંત્રતા –સંગ્રામના અગણિત હુતાત્માઓને પ્રેરણા આપનારી આંતરદ્રષ્ટિને ગ્રહણ લાગી ગયું હતું. સ્વતંત્રતાનો અર્થ માત્ર – વિદેશી ડખલગીરી વગરની રાજકીય તથા આર્થિક સત્તા પડાવી લેવી એટલો જ રહી ગયો હતો. આપણે જોઈ ચૂક્યા છીએ કે ક્રિપ્સ ઠરાવોની ટીકા કરતી વખતે પં. નહેરુએ બરાબર આવો જ સ્વતંત્રતાનો  ઉદ્દેશ્ય વ્યક્ત કર્યો હતો.

તો અમુક લોકોએ ભાગલાને યોગ્ય ઠેરવવા આ પ્રકારે દલિલો કરે છે – ‘હિન્દુ અને મુસલમાન એક પરિવારના ભાઈ જેવા છે. કદાચ કોઈ કારણવશ આ બંને ભાઈઓ સાથે ન રહી શકે તો તે આપસમાં સંપત્તિના ભાગલા કરી લઈ અલગ – અલગ રહે એવું ન બની શકે ? ભારત ના ભાગલાને પણ આ દ્રષ્ટિએ કેમ ન જોવું જોઇએ ?’ ભારત માત્ર ભૌતિક સંપત્તિ છે અને તેના ભાગલા કરી શકાય છે, આવો તર્ક પણ ભારતને આ દ્રષ્ટિએ જોવાનું એક બહાનું છે.

તેમના માટે આ દેશ પવિત્ર માતૃભૂમિ અથવા પ્રાણથી વહાલી ભારતમાતા નથી. ક્યારેય એવું સાંભળ્યું છે કે બાળકે એની માતાના બે ટુકડા એવા આધાર પર કરી નાખ્યા હોય કે આ તો તેની પૈતૃક સંપત્તિ છે ? માત્ર વૈચારિક દેવાળિયાપણામાંથી જ આવા આધારહીન અને વાહિયાત તર્કો જન્મે છે.

ક્રમશઃ

© કિશોર મકવાણા


Spread the love