કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
પ્રજા સાથે કૉંગ્રેસનો વિશ્વાસઘાત
– 3 જૂનની યોજના સ્વીકારવાથી ભાગલા પણ થયા અને નરસંહાર પણ થયો; પરંતુ યોજના ન સ્વીકારવા માટે દ્રઢ નીતિ અપનાવી હોત તો આપણને અખંડ ભારત મળ્યું હોત અને ઓછામાં ઓછો રક્તપાત થયો હોત; પરંતુ કૉંગ્રેસી નેતા પડકારનો સામનો ન કરી શક્યા અને તેમણે ભાગલાની થાળી સજાવીને સામેથી ઝીણાને આપી દીધી.
– સમગ્ર દેશ હિન્દુ દેશપ્રેમથી ઓતપ્રોત એક વિરાટ શક્તિ તરીકે સંગઠિત થઈ રહ્યો હતો. હજારો હિન્દુ નવયુવાન રાષ્ટ્રની વેદી પર બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમનામાં સાહસ હતું. અનુશાસન હતું અને ત્યાગ હતો. આ અદમ્ય હિન્દુશક્તિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર હતી. આપણા રાષ્ટ્રીય નેતાઓએ ભાગલાનો પ્રાણાંતે વિરોધ કર્યો હોત તો આ શક્તિએ તેમને સંપૂર્ણ સાથ આપ્યો હોત.
ભાગલા પછી નવા બનેલા પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ પ્રત્યે ઉદારતા અને ભાઈચારાનો પરિચય કરાવશે એવી આશા રાખી શકાય એવો કોઇ આધાર નહોતો. શાસન તેનું પોતાનું, સેના તેની અને તેની જ પોલીસ આ સ્થિતિમાં તો પછી જેહાદનો ઉન્માદ તેની પરાકાષ્ઠાએ ન પહોંચે તો જ નવાઈ ? તેના ભયંકર પરિણામ આવવાના જ હતા. પાકિસ્તાનના સર્જનથી બધા પ્રશ્નો થાળે પડી જશે , પાકિસ્તાની શાસકો સમસ્ત પ્રજાજનોનું ઇસ્લામના આધારે વિચાર ન કરતા માનવતાના આધારે સૌનું રક્ષણ કરશે એવી અપેક્ષા કૉંગ્રેસના નેતા રાખતા હતા- એ નકરી મુર્ખતા હતી. જેમણે નોઆખલીમાં હિન્દુ હત્યાકાંડ સર્જ્યો, જેમણે લાહોર સળગાવી દીધું, જેમણે રાવળપીંડીમાં હિન્દુ સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી ધોળે દિવસે રસ્તે રસ્તે ફેરવી, તે ઇસ્લામની પરંપરામાં ઉછરેલા ગુંડાઓ હવે રાજકર્તાની તુમાખીમાં અત્યાચાર કરતા ફરતા હતા અને જે લોકોએ મહંમદઅલી ઝીણાના પાકિસ્તાનની તરફેણમાં સો ટકા મત નોંધાવ્યો તે મુસલમાનો ‘ભારત’ દેશમાં રહીને પાકિસ્તાન નિર્માણનો ઉત્સવ ઉજવી રહ્યા હતા.
વાસ્તવમાં ભાગલાના વિનાશકારી દુષ્પરિણામોને ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1942ના હિન્દ છોડો આંદોલન વખતે જેલમાં હતા એ જ વખતે પામી ગયા હતા. તેમણે કહ્યું છે : ‘ભાગલા નિરાશાની પેદાશ છે. તેનાથી લઘુમતીઓની સમસ્યા ઉકેલાય તેમ નથી. મને તો શંકા છે કે એથી તેનામાં ઊભરો આવશે. ચોક્કસપણે તે કટુતાને જન્મ આપશે. સ્પષ્ટ છે – તે લાગુ થવાથી એક પક્ષ તો આનંદ મનાવશે, ઘીના દીવા કરશે પરંતુ બીજા પક્ષના હૃદયમાં આક્રોશ ધધગશે. તેના કારણે ભાઈ ભાઈના લોહીનો તરસ્યો બની જાય છે અને વિશ્વયુદ્ધ છેડાઈ જાય છે. આપણે આ સંકટો પ્રત્યે આંખ આડા કાન ન કરીએ તેમાં જ બુદ્ધિમાની છે…પરંતુ … એક બીજું ‘પરંતુ’ છે, જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. વિનંતી વ્યર્થ જાય અને ભાગલા થઈ જ જાય તો આપણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. ત્યારપછી પણ બધું સામાન્ય થઈ જશે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ. તેનાં વિનાશકારી દુષ્પરિણામ પણ દીવાસ્વપ્ન જેટલાં જ સ્પષ્ટ છે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 371)
આમ 3 જૂનની યોજનાની સ્વીકૃતિમાં ભાગલા પણ સમાએલા હતા અને અભૂતપૂર્વ નરસંહાર પણ સમાએલો હતો તથા બંને બાજુ લાખો – કરોડો લોકોનો સર્વનાશ પણ સમાએલો હતો. વાસ્તવમાં ભાગલાના કારણે દેશમાં જે ભયંકર વિનાશ થયો તેણે દેશના નેતાઓને મૂઢ અને અતિશય હતપ્રભ બનાવી નાખ્યા. પ્યારેલાલના શબ્દોમાં – ‘ભાગલાના બે વર્ષ પછી 16 ઓક્ટોબર 1949 ના દિવસે પંડિત નહેરુએ ન્યૂયોર્કમાં એક જાહેરસભામાં એકરાર કર્યો કે તેમને ખબર હોત કે ભાગલાના કારણે આટલી ભયંકર માર – કાપ થશે તો તેમણે ભારતના ભાગલાનો પ્રચંડ વિરોધ કર્યો હોત. જ્યાં સુધી આચાર્ય કૃપલાણીનો સંબંધ છે તેમણે પાછળથી ભાગલા માટે સંપૂર્ણ જવાબદારી ‘કૉંગ્રેસ હઈકમાન્ડ’ ઉપર નાખી. જો કે જૂન 1947માં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના નિર્ણાયક અધિવેશનમાં 3 જૂન યોજનાને કારણે ટેકો આપ્યો હતો. ક્યાંથી ક્યાં તે પહોંચી ગયા !’ (પ્યારેલાલ : લાસ્ટ ફેજ, પૃષ્ઠ: 256) વાસ્તવમાં આપણા નેતાઓએ ભાગલાનો દ્રઢતાથી વિરોધ કર્યો હોત તો સ્થિતિ અલગ જ હોત અને આ વાતનો મજબૂત આધાર છે. અખંડ ભરતને માન્યતા મળી હોત અને આંતરિક કત્લેઆમ-અરાજકતા પણ ટળી ગઇ હોત. બ્રિટનની નવી નીતિએ મહંમદઅલી ઝીણાને બાંધી રાખ્યા હતા. સાંપ્રદાયિક ઉન્માદમાં તેમની સાથે વળગી રહેલા તેમના સાથીઓ પણ કઠોર વાસ્તવિક્તા જોઇને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. તેમની છાવણી ખાલી થવા લાગી હતી. તેમની તમામ આંતરિક દુર્બળતાઓ બહાર આવવા લાગી હતી. માઉન્ટબેટને તેમને કહી દીધું કે જે આપવામાં આવી રહ્યું છે તેને સ્વીકારી લો, નહીંતર કાયમને માટે હાથ ધોવા પડશે. આમ મહંમદઅલી ઝીણા પોતાના પતનને સારી રીતે સમજી ચૂક્યા હતા. તેમની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ હતી. મહંમદઅલી ઝીણા આ નગ્ન સત્યને સારી રીતે સમજતા હતા.
બીજી તરફ કૉંગ્રેસ અજેય સ્થિતિમાં હતી. કૉંગ્રેસે સોનેરી તકનો લાભ લઈ રાષ્ટ્રની અખંડિતતા માટે અંગ્રેજોનો, મુસલમાનોનો અથવા બંનેનો પડકાર ઝીલી લઈ રાષ્ટ્ર જાગરણનું અભિયાન છેડ્યું હોત તો રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક તેને સાથ આપવા તૈયાર થઇ ગયો હોત. પોલીસ અને સેનામાં પણ ખળભળાટ હતો. બ્રિટિશ સરકાર કહી ચૂકી હતી કે રાષ્ટ્રીય ચળવળના દમન માટે તેના પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી.
ઉપરાંત સમગ્ર દેશમાં હિન્દુ દેશપ્રેમથી ઓતપ્રોત એક વિરાટ શક્તિ તરીકે સંગઠિત થઈ રહ્યો હતો. હજારો હિન્દુ નવયુવાન રાષ્ટ્રની વેદી પર બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમનામાં સાહસ હતું. અનુશાસન હતું અને ત્યાગ હતો. આ અદમ્ય હિન્દુશક્તિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર હતી. આપણા રાષ્ટ્રીય નેતાઓએ ભાગલાનો પ્રાણાંતે વિરોધ કર્યો હોત તો આ શક્તિએ તેમને સંપૂર્ણ સાથ આપ્યો હોત. તે સમયે રા. સ્વ. સંઘના સરસંઘચાલક શ્રી ગુરુજી ગોળવલકરનો દેશભરનો તોફાની પ્રવાસ લોકોના મનોબળને હિમાલયની ઊંચાઈ પર લઈ જઈ રહ્યો હતો. તેઓ પોતાનાં ઓજસ્વી ભાષણોમાં અખંડ ભારત માતાના દિવ્ય સ્વરૂપની વંદના કરી રહ્યા હતા. તેમણે લોકોને આહ્વાન કર્યું કે માતૃભૂમિની અખંડિતતાના રક્ષણ માટે જેટલો પણ ત્યાગ કરો એટલો ઓછો છે. ગુરુજીએ વ્યથિત થઈને કહ્યું હતું : ‘આપણા નેતા માત્ર છ મહિના વધુ રોકાઈ ગયા હોત તો મહંમદઅલી ઝીણાએ નહેરુની વાત માની લીધી હોત. એટલું જ નહીં તેમણે પાકિસ્તાન લેવા માટે રાષ્ટ્રવાદી શક્તિના સંગઠિત સામર્થ્ય સાથે સીધો સંઘર્ષ કરવો પડ્યો હોત. આવી સ્થિતિમાં તેમને ચોક્કસ ખબર પડી જાત કે બળપ્રયોગ કરવાથી તેમની દશા કેવી થાય છે.’ આવી સ્થિતિમાં ભયંકર રક્તપાતની કોઈ શક્યતા નહોતી. ક્યાંક કોઈ રડીખડી હિંસા થઈ હોત તો તે પણ મહાસાગરમાં એકાદ ટીપાં જેવી હોત.
ટૂંકમાં 3 જૂનની યોજના સ્વીકારવાથી ભાગલા પણ થયા અને નરસંહાર પણ થયો; પરંતુ યોજના સામે દ્રઢ નીતિ અપનાવી હોત તો આપણને અખંડ ભારત મળ્યું હોત અને ઓછામાં ઓછો રક્તપાત થયો હોત; પરંતુ કૉંગ્રેસી નેતા પડકારનો સામનો ન કરી શક્યા અને તેમણે ભાગલાની થાળી સજાવીને સામેથી મહંમદઅલી ઝીણાને આપી દીધી. કૉંગ્રેસે એની જ બેઠકમાં એક ઠરાવ પસાર કરી દેશની પ્રજાને જે વચન આપ્યું હતું એજ ભૂલી ગઇ.
14 જૂન 1947ના રોજ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. તેમાં પસાર કરેલા ઠરાવમાં પ્રજાને ભરોસાની લોલીપોપ આ રીતે આપવામાં આવી હતી: ‘ભારતને રચ્યું છે પ્રકૃતિએ – તેના ભૂગોળે, પર્વતોએ અને સાગરોએ. આથી કોઈ પણ માનવીય આક્રમણ ન તો તેના રૂપને બદલી શકે છે કે ન તો કોઇ તેના અંતિમ લક્ષ્ય આડે અડચણો ઊભી કરી શકે તેમ છે. આજે આર્થિક પરિસ્થિતિની વધારે માગ છે અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો તકાજો છે કે ભારત સંગઠિત થાય. ભારતનું જે ચિત્ર આપણે આપણા મનમાં સજાવી રહ્યા છીએ, તે આપણા હૃદય અને મસ્તિષ્કમાં વસેલું રહેશે. અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ સાચા હૃદયથી વિશ્વાસ રાખે છે કે વર્તમાન ભાવાવેશની ભરતી શાંત થઈ જશે ત્યારે ભારતની સમસ્યાઓ પર તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવામાં આવશે અને ભારતમાં બે રાષ્ટ્રોના કૃત્રિમ સિદ્ધાંતની બધા અવહેલના અને અવમાનના કરશે.’’
ઠરાવ પસાર કર્યા પછી કૉંગ્રેસી નેતા આવા જ ઉદ્દગાર પ્રગટ કરતા રહ્યા. તેમનું કાયમી રટણ આવું જ રહ્યું – ‘આજનો વિયોગ છે કાલના મિલન માટે.’
ક્રમશઃ
©કિશોર મકવાણા