કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 107
બગાસું ખાતા મહંમદઅલી ઝીણાને કૉંગ્રેસે પતાસું આપી દીધું
“કૉંગ્રેસે 3 જૂન (1947)ભાગલાની યોજનાને સ્વીકારી લીધી ત્યારે મહંમદઅલી ઝીણાના આનંદનો પાર રહ્યો નહીં. મહંમદઅલી ઝીણા માટે તો આ છપ્પડફાડ લાભ હતો. ઝીણાએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમની દાદાગીરી-છેતરપિંડી આવો લાભ કરાવશે. મહંમદઅલી ઝીણા ભાગલાના દસ દિવસ પહેલા કરાંચી પહોંચ્યા તે દિવસે તેમણે તેમના સાથી મિત્રને કહ્યું હતું : ‘આવું થશે એવી મેં કલ્પના નહોતી કરી. હું મારી હયાતીમાં પાકિસ્તાન જોઈ શકીશ એવી મને આશા નહોતી.”
ભાગલાના સ્વીકાર બાબતે કૉંગ્રેસી નેતાઓનો તર્ક એવો હતો : દેશ સમક્ષ તે વખતે માત્ર બે વિકલ્પ હતા – ભાગલા અથવા ગૃહયુદ્ધ. ગૃહયુદ્ધ ટાળવા માટે કૉંગ્રેસે ભાગલાની પસંદગી કરી, પરંતુ ઝીણવટથી જોતાં આ તર્ક પણ પાયા વગરનો દેખાય છે.
ભારતના ભાગલા કરી પાકિસ્તાન બનાવવા માટે ચાલેલા આંદોલનમાં બધા જ મુસ્લિમ નેતાઓ ‘ઉચ્ચ વર્ગ’ના હતા. ગાંધી અધ્યયન સંસ્થાન, વારાણસીના વરિષ્ઠ સંશોધન વડા રફીકખાને ઊંડાણથી આ પાસા પર વિચારો રજૂ કરતા લખ્યું છે : ‘ભારતમાં ઈસ્લામી ધર્માંતરના પ્રારંભથી જ ઉત્તર ભારતમાં મુસ્લિમ સમુદાયની બે અલગ મોટી – મોટી પ્રશાખાઓ બની ગઈ હતી. એક નાની પ્રશાખા તો વખતોવખત મુસ્લિમ આક્રમણકારીઓ સાથે આવતી રહી. અમુક મોગલ શાસનકાળમાં સેના તથા અન્ય સેવાઓમાં ભરતી થવા માટે આવ્યા અને અહીં જ રહી ગયા. અમુકે અહીં જ લગ્ન કર્યાં અને ઘણાએ અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયાની નજીકના વિસ્તારોમાં લગ્ન કર્યાં. આ નાનકડો વર્ગ આક્રમણખોરોની સાથે આવ્યો હતો અથવા તે જોડ – તોડ કરી ‘અદાલતો’ની નજીક સંપર્કમાં રહ્યો હતો. આથી આ વર્ગના લોકો ઈસ્લામ અંગીકાર કરનારા સ્થાનિક લોકોને હલકી નજરે જોતા હતા. પરિણામે મુસલમાનોમાં સ્પષ્ટ રીતે બે વર્ગ બની ગયા. એક વર્ગ પોતાને શ્રેષ્ઠ અને ઉચ્ચકુળનો સમજતો હતો અને પોતાની વંશાવલીને વિદેશ સાથે જોડતો હતો. બીજો વર્ગ સામાન્ય રીતે ગરીબ, અભણ હતો, નાના-મોટા ધંધા કરી પોતાનું પેટ ભરતો હતો. વહીવટીતંત્રની ચમકદમકથી દૂર હતો, સ્થાનિક સમુદાયમાંથી ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામમાં આવ્યો હતો…’
‘હિન્દુઓમાં વધી રહેલા અસંતોષને કારણે બ્રિટિશ શાસકોએ મુસ્લિમ ઉચ્ચ વર્ગ પ્રત્યે તેમના વ્યવહારમાં પરિવર્તન કરવું પડ્યું. તેમના પ્રત્યે બ્રિટિશ શાસકોએ નરમ નીતિ અપનાવી. આ વર્ગ તો આ અવસરનો લાભ લેવા તૈયાર જ બેઠો હતો. આ વર્ગના મોટાભાગના લોકોએ સરકારી નોકરીઓ અને સરકારી સંરક્ષણના આધારે મોજમઝા શરૂ કરી દીધી… સ્વતંત્ર ભારતમાં હિન્દુઓના આધિપત્યની શક્યતાથી મુસલમાનો થથરી ઊઠ્યા. અંતે આવી આશંકાની લાગણીમાંથી મુસલમાનો માટે એક અલગ ‘વતન’ની વિચારધારાનો જન્મ થયો અને પાકિસ્તાન બન્યું… આ વર્ગે પોતાના સ્વાર્થ માટે મુસલમાનોને સંગઠિત કર્યા. આ વર્ગ પાકિસ્તાન આંદોલનનો મૂળ આધાર બન્યો. આ વર્ગના લોકો મુસલમાનો માટે અલગ ઘરના પ્રબળ સમર્થક હતા, પરંતુ પોતાના હિત અને સ્થિરતાના સંકટની વાત કરવાના બદલે તેમણે અખંડ ભારતમાં ઈસ્લામ અને ભારતીય મુસલમાનોની સાંસ્કૃતિક પરંપરા સમાપ્ત થઈ જશે તેવી વાત કહેવાનું શરૂ કર્યું.’ (ધ ઈલેસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા, 23 નવેમ્બર 1980)
રાજગોપાલને 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી મુસ્લિમ આંદોલનનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું છે : ‘એટલું યાદ રાખવું જોઈએ કે દ્વેષ અને દુશ્મનાવટનો ભાવ સર્વસાધારણ મુસલમાન અને હિન્દુઓ સુધી પહોંચ્યો નથી પરંતુ બંને સમાજના સરકારી નોકરીઓ અને સરકારી કૃપા પર આશ્રિત હતા તેવા ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ સુધી જ મર્યાદિત રહ્યો.’ (રામગોપાળ : ઈન્ડિયન મુસ્લિમ્સ, પૃષ્ઠ: 28)
આ પ્રકારની નબળી સ્થિતિને કારણે મુસ્લિમ લીગનો પ્રભાવ મર્યાદિત રહ્યો.
મોટી મોટી બડાશ અને ડીંગો હાંકવા છતાં પણ મહંમદઅલી ઝીણાના મનમાં છેલ્લે સુધી પાકિસ્તાનના પોતાના લક્ષ્ય અંગે જરાય દ્રઢ વિશ્વાસ નહોતો. 1940 સુધી તેમણે આ વિશે એકપણ શબ્દ કહ્યો નહોતો. 9 માર્ચ 1940ના દિવસે, અર્થાત્ પાકિસ્તાન ઠરાવના થોડા દિવસ પહેલાં ‘ટાઈમ એન્ડ ટાઈડ’માં એક લેખમાં મહંમદઅલી ઝીણાએ સ્વતંત્ર મુસ્લિમ રાજના પોતાના વિચારનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. તેના બદલે માત્ર એટલું જ કહ્યું હતું : ‘ભારતમાં બે રાષ્ટ્ર છે – એ વાતને માન્યતા આપે તેવું એક બંધારણ તૈયાર કરવું જોઈએ અને બંનેએ પોતાની સમાન માતૃભૂમિના વહીવટમાં ભાગીદાર હોવું જોઈએ.’ પરંતુ કૉંગ્રેસે 3 જૂન (1947) યોજનાને સ્વીકારી લીધી ત્યારે મહંમદઅલી ઝીણાના આનંદનો પાર રહ્યો નહીં. ઝીણા માટે તો આ છપ્પડફાડ લાભ હતો. ઝીણાએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમની દાદાગીરી-છેતરપિંડી આવો લાભ કરાવશે. મહંમદઅલી ઝીણા જે દિવસે કરાંચી પહોંચ્યા તે દિવસે તેમણે તેમના સાથી મિત્રને કહ્યું હતું : ‘આવું થશે એવી મેં કલ્પના નહોતી કરી. હું મારી હયાતીમાં પાકિસ્તાન જોઈ શકીશ એવી મને આશા નહોતી.’ (લેઓનાર્ડ મોસ્લે : બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 274) ભાગલા થયા ત્યાં સુધી અંગ્રેજો કે મુસ્લિમ લીગ – બંનેમાંથી એકપણ કૉંગ્રેસ પર એમની ઈચ્છા ઠોકી બેસાડી શકે તેવી સ્થિતિમાં નહોતા. કૉંગ્રેસ અખંડ ભારતના તેના લક્ષ્ય પર અડગ રહી હોત તો તે સફળ થઈ શકે એટલી તેની સ્થિતિ મજબૂત હતી.
29 ડિસેમ્બર 1980 ના દિવસે ભારતીય જનતા પક્ષના ખુલ્લા અધિવેશનને સંબોધતાં એમ. સી. ચાગલાએ પણ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું : ‘મેં કાયમ અનુભવ કર્યો છે કે પાકિસ્તાનની સ્થાપના મૂર્ખતા અને ગુનો હતો. આપણે થોડીક દીર્ઘદ્રષ્ટિ વાપરી હોત તો આપણે તેને ટાળી શક્યા હોત. દુર્ભાગ્યે પાકિસ્તાન બન્યું અને આપણા દેશ – આપણા ભારત – ના ભાગલા થઈ ગયા. ભાગલા પાડવાની જરૂર નહોતી. આવો, વિશ્વના નકશાને નિહાળો, ભારતના નકશાને નિહાળો, આપણને દેખાશે કે દેશ અખંડ રહે, આપણી સંસ્કૃતિ એક રહે અને સંપૂર્ણ વિશ્વમાં તેનો ફેલાવો થાય તેવી દેવતાઓની ઈચ્છા હતી.’ (ઓર્ગેનાઈઝર, 11 જાન્યુઆરી 1981)
ભાગલાના સ્વીકાર બાબતે કૉંગ્રેસી નેતાઓનો તર્ક એવો હતો : દેશ સમક્ષ તે વખતે માત્ર બે વિકલ્પ હતા – ભાગલા અથવા ગૃહયુદ્ધ. ગૃહયુદ્ધ ટાળવા માટે કૉંગ્રેસે ભાગલાની પસંદગી કરી, પરંતુ ઝીણવટથી જોતાં કોન્ગ્રેસનો આ તર્ક પણ પાયા વગરનો દેખાય છે. આ તર્ક એવી ધારણા લઈને ચાલે છે કે માન્ય સિદ્ધાંતોનો બલિ સ્વાર્થ સાધવા માટે આપી શકાય છે. રાષ્ટ્રોનું નિર્માણ અમુક સિદ્ધાંતો પ્રત્યે અતૂટ નિષ્ઠાનો આધાર હોય છે એવા મૂળ સત્યની ઉપેક્ષા કરે છે. સ્થિતિ ગમે તેટલી વિકટ હોય છતાં તેને ટાળવા માટે કરવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થાના આધાર પર તો રાષ્ટ્ર કદાપિ બની શકે નહીં. એક તરફ ઉચ્ચ રાષ્ટ્રીય આદર્શો પ્રત્યેની નિષ્ઠાથી લોકોમાં ઉચ્ચ બલિદાનની ભાવના જાગૃત થાય છે ત્યાં બીજી તરફ આ સંબંધમાં સમજૂતી કરવાથી ભાવના તદ્દન નબળી બને છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સમજૂતીના લોભને રોકવાની ઈચ્છાશક્તિ અને ક્ષમતા તથા આપણા મહાન લક્ષ્ય પર અટલ રહેવું એ રાષ્ટ્રના નેતૃત્વની સાચી પરીક્ષા છે. પાછળની ઘટનાઓની દ્રષ્ટિએ જોઇએ તો પણ કૉંગ્રેસના નેતાઓનો તર્ક જૂઠો સાબિત થાય છે.
|ક્રમશઃ|
©કિશોર મકવાણા