ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 100
કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 100
કાશ્મીર પર પાકિસ્તાનનું પહેલું આક્રમણ અને ભારતીય જવાનોની વીરતા
– 3 જૂનની ઘોષણા પછી જમ્મુ – કાશ્મીરના શાસક મહારાજ હરિસિંહ ધર્મસંકટમાં મુકાઈ ગયા. મહારાજા નિષ્ઠાવાન અને દેશભક્ત હિન્દુ હોવાના કારણે પાકિસ્તાનમાં કઈ રીતે ભળી શકે ? કાશ્મીર પાકિસ્તાનમાં ભળે તો મહારાજાની જમ્મુની હિન્દુ પ્રજાની હાલત પરાણે કસાઇવાડે મોકલવામાં આવેલા ઢોર જવા બની જાય, ઉપરાંત સંરક્ષણ દ્રષ્ટિએ ભારતની તુલનામાં પાકિસ્તાનની સ્થિતિ વધારે મજબૂત બની જાય તેમ હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય હતું.
4 ઓક્ટોબર 1947ના દિવસે પાકિસ્તાની આક્રમકોએ શ્રીનગરના માહુરા વીજળીઘર પર કબજો જમાવી દીધો. શ્રીનગરમાં અંધારપટ છવાઈ ગયો. પાકિસ્તાની જેહાદી આક્રમણકારીઓએ જાહેરાત કરી કે તેઓ એમની ઈદ શ્રીનગરમાં 26 ઓક્ટોબરે મનાવશે.
3 જૂનની ઘોષણા મુજબ લગભગ 600 નાનાં – મોટાં દેશી રજવાડાં 15 ઓગસ્ટ 1947 પછી સ્વતંત્ર થઈ જવાનાં હતાં. ઈચ્છે તો ભારતમાં ભળી જાય અથવા પાકિસ્તાનમાં અથવા સ્વતંત્ર રહે તે વાતની તેમને છૂટ હતી.
બ્રિટિશ નોકરશાહીની આગ લગાવીને તમાશો જોવાની વૃત્તિ શાંત થઈ નહોતી. તેમને ભારતના ભાગલાથી જ સંતોષ નહોતો. એ ઇચ્છતા હતા કે ભારત ખંડ-ખંડમાં વિભાજિત થઇ જોય. એટલે ભાગલાની સાથે જ બ્રિટીશરો એક બીજી ચાલ ચાલ્યા. તે પડદા પાછળ રાજાઓ સાથે સાંઠગાંઠ કરતા રહ્યા. અનેક રાજાઓની કાન ભંભેરણી કરી કે તે પોતાનું ભલું ઇચ્છતા હોય તો ભારત સંઘમાં સામેલ ન થાય. પરંતુ બ્રિટિશ – મુસ્લિમ લીગ ગઠબંધનના આ ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું. બધાં દેશી રજવાડાઓને સમજાવી-મનાવી ભારતીય સંઘમાં ભેળવી દેવામાં આવ્યા. તેમને દેશના અન્ય પ્રાંતોની સાથે સામેલ કરી દીધા. આ અદભૂત પરાક્રમ સરદાર પટેલ અને તેમના યોગ્ય સહાયક – વિદેશ સચિવ વી. પી. મેનનને કર્યું. એક ભારતની સંકલ્પનાને સરદાર પટેલે પોતાની કુનેહ અને ચતુરાઈથી સાકાર કરી બતાવી. ચાણક્ય પછી એકમાત્ર સરદાર પટેલ હતા જેમણે ભારતને એક તાંતણે બાંધ્યું.
4 જુલાઈ 1947 દિવસે સરદાર પટેલે રાજવીઓના નામે એક સંદેશ પ્રગટ કર્યો: ‘આ દેશ અને તેની સંસ્થાઓ તેના નિવાસીઓની મહાન ગૌરવપૂર્ણ થાપણ છે – આ તો માત્ર સંયોગ છે કે અમુક લોકો રાજ્યોમાં રહે છે અને અમુક લોકો બ્રિટિશ ભારતમાં. ભારતની સંસ્કૃતિ અને તેનું ચરિત્ર આપણા રોમે રોમમાં સમાએલું છે. આપણા લોહીના સંબંધ છે, પરસ્પર હિતોથી પણ આપણે જોડાયેલા છીએ. કોઈ પણ આપણા ટુકડેટુકડા કરી શકે એમ નથી. આપણી વચ્ચે અભેદ દીવાલ ઊભી કરી શકાય તેમ નથી. હું દેશી રાજ્યોના આપણા મિત્ર રાજવીઓને અને તેમની પ્રજાને આમંત્રણ આપું છું કે તે બંધારણસભાની પરિષદોમાં, સંયુક્ત પ્રયત્નોમાં મિત્રતા અને સહયોગનો પરિચય કરાવે અને સર્વજનહિતાય આપણી માતૃભૂમિ પ્રત્યે સામૂહિક નિષ્ઠાનું પ્રદર્શન કરે. ભારતના ઈતિહાસની આ મહાન ઘડી છે. સંગઠિત પ્રયાસોથી આપણે દેશને નવી ઊંચાઈ સુધી લઈ જઈએ તેમ છીએ અને સંગઠિત ન થયા તો નવી મુશ્કેલીઓના ફંદામાં ફસાઈ શકીએ છીએ. ભારતીય રાજ્યોએ એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે આપણે સમાન હિતનાં કાર્યો માટે સાથે મળીને પ્રયત્ન નહીં કરીએ તો લોકહિતમાં સહયોગ ન કરવાનો અર્થ થશે અરાજકતા અને અશાંતિ. અને વિનાશના આ ઘંટીના પડમાં નાના – મોટા બધા પીસાઈ જઈશું.’ સરદાર પટેલના આ સંદેશની સાથે જ દેશી રાજ્યોના ભારત સંઘમાં વિલયના શ્રીગણેશ થયા. (વી. પી. મેનન : સ્ટોરી ઓફ ઈન્ટીગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ પૃષ્ઠ: 95-96)
ઘણા વામણાં લોકો સરદાર પટેલના આ એકીકરણને યુરોપના બિસ્માર્ક સાથે સરખાવે છે. પરંતુ સરદારે જે વિકટ પરિસ્થિતિમાં ભારતનું એકીકરણ કર્યુ એની સામે બિસ્માર્કની કામગીરી સાવ સામાન્ય લાગે. યુરોપમાં બિસ્માર્કે મુઠ્ઠીભર રાજાઓને કેદ કરી એક મજબૂત જર્મન રાજ્ય રચ્યું હતું. સરદાર પટેલે તો 565 દેશી રજવાડાંઓને એક કરવાના હતા. એ દુષ્કર – અસંભવ કામ સરદાર પટેલે કુનેહથી પાર પાડ્યું. બિસ્માર્કે હિંસક અને સરમુખત્યારીથી કામ પાર પાડ્યું, જ્યારે સરદાર પટેલે નમ્ર, વિવેક અને લોકશાહી ઢબે કામ પાર પાડ્યું.
બધા રજવાડાના એકીકરણમાં કાશ્મીર એક મોટા પડકાર સમાન હતું. એનો ટૂંકમાં ઘટનાક્રમ આ પ્રકારે છે : 3 જૂનની ઘોષણા પછી જમ્મુ – કાશ્મીરના શાસક મહારાજ હરિસિંહ ધર્મસંકટમાં મુકાઈ ગયા. મહારાજા નિષ્ઠાવાન અને દેશભક્ત હિન્દુ હોવાના કારણે પાકિસ્તાનમાં કઈ રીતે ભળી શકે ? કાશ્મીર પાકિસ્તાનમાં ભળે તો મહારાજાની જમ્મુની હિન્દુ પ્રજાની હાલત પરાણે કસાઇવાડે મોકલવામાં આવેલા ઢોર જવા બની જાય, ઉપરાંત સંરક્ષણ દ્રષ્ટિએ ભારતની તુલનામાં પાકિસ્તાનની સ્થિતિ વધારે મજબૂત બની જાય તેમ હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય હતું. આથી મહારાજા માટે સીધું ભારત સાથે ભળવાનું એટલું સરળ નહોતું. રામચંદ્ર કાક એક વખત દિલ્હી આવીને સરદાર પટેલને મળી ચૂક્યા હતા. ત્યાર પછી તરત જ માઉન્ટબેટને કાકની મુલાકાત મહંમદઅલી ઝીણા સાથે કરાવી. જૂનના ત્રીજા સપ્તાહમાં માઉન્ટબેટન વિમાન દ્વારા કાશ્મીર ગયા. તેમણે મહારાજા પાકિસ્તાનમાં ભળે તે માટે તેમને ફોસલાવવાનો પ્રયત્ન કરી જોયો.
વી. પી. મેનને લખ્યું છે : ‘લોર્ડ માઉન્ટબેટને ચાર દિવસ સુધી સ્થિતિ અંગે મહારાજા સાથે ચર્ચા કરી… તેમણે મહારાજાને અહીં સુધી કહી નાખ્યું કે તે પાકિસ્તાનમાં ભળી જશે તો ભારતને ખરાબ નહિં લાગે. સરદાર પટેલે પોતે આ સંબંધમાં તેમને પૂર્ણ આશ્વાસન આપ્યું છે. લોર્ડ માઉન્ટબેટને એમ પણ કહ્યું કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો લોકોની ઈચ્છા જાણવી ખાસ જરૂરી છે. મહારાજા કોઈ નિર્ણય કરી શકતા નહોતા, આથી માઉન્ટબેટને કહ્યું કે મહારાજા અને તેમના મુખ્યમંત્રી પ્રવાસના અંતિમ દિવસે સવારે તેમને મળે. યોગ્ય સમયે મહારાજાએ સંદેશો મોકલાવ્યો કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે, ક્ષમા કરશો.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 376)
એચ. એન. પંડિતે તેમના પુસ્તક ‘ફ્રૈગ્મેન્ટસ ઓફ હિસ્ટ્રી’ માં લખ્યું છે કે લોર્ડ માઉન્ટબેટને તેમના સહાયક લોર્ડ ઈસ્મે અને અંતે શ્રીનગરના બ્રિટિશ હાકેમ વિલિયમ વેબે મહારાજાને છેતરવાનો પ્રયત્ન કર્યો કે પાકિસ્તાનમાં ભળવા સિવાય તેમની પાસે બીજો કોઈ આરો નથી. મહારાજાએ પાકિસ્તાન સાથે એક કામચલાઉ સમજૂતી કરી લીધી. ભારત સાથે પણ તે આવા પ્રકારની જ સમજૂતી કરવા માગતા હતા. પરંતુ ભારતીય નેતાઓએ તેમના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. સમજૂતીના લીધે કાશ્મીરમાં પાકિસ્તાનનો એક મજબૂત અડ્ડો બની ગયો. ત્યાંની ટપાલ અને તાર સેવા તેના નિયંત્રણમાં આવી ગઈ. પરંતુ એક મજબૂત અડચણ હતી. પાકિસ્તાનમાં ભળવાની મહારાજાની સહેજ પણ ઈચ્છા નહોતી. તેમને ભય પણ ખૂબ હતો. ઉપરાંત રાજ્યના અગ્રણી મુસ્લિમ નેતા શેખ અબ્દુલ્લા ખુલ્લેઆમ મહંમદઅલી ઝીણાનો વિરોધ કરતા હતા. આથી ઝીણાએ દબાણ અને બળ પ્રયોગનો સહારો લીધો. પાકિસ્તાને કાશ્મીરને અનાજ, પેટ્રોલ તથા અન્ય આવશ્યક વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું. સરહદી આક્રમણ તરીકે લશ્કરી દબાણ પણ વધારવામાં આવ્યું. કાશ્મીરના નવા મુખ્યમંત્રી મેહરચંદ મહાજને પાકિસ્તાનના આક્રમક વલણ અંગે બ્રિટિશ સરકારને ફરિયાદ કરી, પરંતુ તેણે જરાય સાંભળ્યું નહીં.’
‘આ પરસ્પર વિરોધી ખેંચતાણથી મહારાજા ભયંકર મૂંઝવણમાં પડી ગયા અને કોઈ નિર્ણય કરી શક્યા નહીં. ભારતમાં સામેલ થવા બાબતે પણ તેમના મનમાં ઘણી આશંકાઓ હતી. મહારાજાની મનઃસ્થિતિ સમજી સરદાર પટેલે શ્રી ગુરુજી ગોળવલકરને દૂત તરીકે મહારાજા પાસે મોકલ્યા. સરદાર પટેલે સાચો નિર્ણય લીધો હતો. તેના માટે ગોળવલકર યોગ્ય વ્યક્તિ હતા. તેમની પાસે નીતિ કૌશલ્ય હતું અને તેમણે પટેલ અને મહારાજનો આંતરિક વિશ્વાસ મેળવ્યો હતો. 17 ઓક્ટોબર 1947 દિવસે શ્રીગુરુજી વિમાન મારફત શ્રીનગર ગયા. તેમણે મહારાજાને સમજાવ્યા કે કાશ્મીરને સ્વતંત્ર રાજ્ય તરીકે જાળવી રાખવાનો વિચાર મૃગજળ સમાન છે. પાકિસ્તાન ક્યારેય કાશ્મીરના સ્વતંત્ર અસ્તિત્વને સહન નહીં કરે. તે મુસલમાનો પાસે આંતરિક બળવો કરાવશે અને રાજ્યની મુસ્લિમ સેના પણ બળવો કરી તમારી સામે આવશે. ગોળવલકરજીએ મહારાજાને ભરોસો આપ્યો કે ભારત કાશ્મીર માટે તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડશે. તેમણે કહ્યું કે સરદાર પટેલ કાશ્મીરીઓના તમામ વર્ગોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. અંતે મહારાજા ભારતમાં વિલય અંગેના જોડાણ ખત પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થઈ ગયા. 19 ઓક્ટોબર 1947ના દિવસે શ્રી ગુરુજી દિલ્હી પાછા ફર્યા. તેમણે સરદાર પટેલને કહ્યું કે મહારાજા ભારતમાં ભળવા માટે તૈયાર છે, પરંતુ 23 ઓક્ટોબરના દિવસે પાકિસ્તાની કબાયલી એકાએક તીડના ટોળાની માફક કાશ્મીર પર ચડી આવ્યા. પાકિસ્તાનના લશ્કરનું નેતૃત્વ જનરલ અકબરખાને લીધું હતું. પાકિસ્તાની આક્રમકોને બ્રિટિશ ગુપ્તચર વિભાગ અને વરિષ્ઠ બ્રિટિશ રાજકીય કર્મચારીઓનો પૂરો સહયોગ હતો.’
‘કાશ્મીર પર કબાયલી આક્રમણ વખતે ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટિશ સેનાપતિ મેજર બ્રાઉને કાશ્મીર સરકાર સામે બળવો કરી ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. કહેવાય છે કે કાશ્મીરી સેનાના સેનાનાયક મેજર એચ. એલ. સ્કાટે જાણી જોઈને તેની સેનાને નાની –નાની ટુકડીઓમાં વિખેરી નાખી, જેથી આક્રમણકારીઓનો સામનો કરવાનો વખત ન આવે. કહેવાય છે કે ભારતના બ્રિટિશ સેનાપતિ જનરલ બૉબ લૌકહાર્ટે ભારત સરકારને અંત સુધી આક્રમણ અંગે અંધારામાં રાખી હતી.’ (એચ. એન. પંડિત : ‘ફ્રેગમેંટ્સ’, હિન્દુસ્તાન ટાઈમ્સ: 08 – 03 – 1982)
ભાગલા થયા તેની પીડા હજુ તો શમી નહોતી ત્યાં જ પાકિસ્તાનનું આ ભારત પર પહેલું જેહાદી આક્રમણ કર્યું.
મુઝફફરાબાદમાં તૈનાત કાશ્મીર રાજ્યની બટાલિયનના તમામ મુસલમાન સૈનિકોએ બળવો કર્યો. તેમણે કમાન્ડિંગ ઓફિસર અને તેના સાથી સૈનિકોને ગોળી મારી દીધી. બધા જ મુસ્લિમ સૈનિકો આક્રમકો સાથે ભળી ગયા અને તેમણે આક્રમણકારીઓની ટુકડીઓના અગ્રણી રક્ષકો તરીકે કામ કર્યું. ડો. બાબાસાહેબ આંબેડકર સો ટકા સાચા પુરવાર થયા: મુસ્લિમ સૈનિકો બળવો કરી ઇસ્લામી દેશની પડખે ઊભા રહેશે.
24 ઓક્ટોબર 1947ના દિવસે આક્રમકોએ શ્રીનગરના માહુરા વીજળીઘર પર કબજો જમાવી દીધો. શ્રીનગરમાં અંધારપટ છવાઈ ગયો. પાકિસ્તાની જેહાદી આક્રમણકારીઓએ જાહેરાત કરી કે તેઓ એમની ઈદ શ્રીનગરમાં 26 ઓક્ટોબરે મનાવશે. ભયંકર કત્લેઆમ થઈ. લૂંટફાટ અને બળાત્કાર થયા. આગ લગાડવામાં આવી. સ્વર્ગ સમાન સુંદર ખીણ ભયંકર નરક બની ગઈ ! એક નજરે જોનાર ઈસાઈ મિશનરીએ આક્રાંતાઓને ‘કાળા જંગલી હેવાન’ કહ્યા હતા. શેખ અબ્દુલ્લાએ આ હુમલાની ટીકા કરતાં કહ્યું કે ‘તે ગુનેગાર હતા. તેમણે પવિત્ર કુરાનનું અપમાન કર્યું અને મસ્જિદોને ખંડેર બનાવી દીધી.’
મહારાજાએ દિલ્હીને ખાસ વિનંતી કરી: કાશ્મીર સંકટમાં છે અને હથિયાર, દારૂગોળા અને લશ્કર મોકલી તેમને મદદ કરો. પરંતુ માઉન્ટબેટને ભારત તરફથી તાત્કાલિક કોઈ જવાબ ન આપવાની નીતિ અપનાવી. તેમનો તર્ક એવો હતો કે પૂરતી સૂચના મળ્યા પહેલાં ઉતાવળમાં કોઈ પગલું ભરવું જોઈએ નહીં. વી. પી. મેનનને તાત્કાલિક શ્રીનગર મોકલવામાં આવ્યા. મેનન બીજા દિવસે પાછા ફર્યા. તેમણે કાશ્મીરને આક્રમણકારીઓથી બચાવવા માટે વિનંતી કરી ત્યારે માઉન્ટબેટને લશ્કર મોકલવા સામે વાંધા વચકા કાઢ્યા. તેમણે કહ્યું કે ભારતમાં કાશ્મીરના વિલયનું કામ પૂરું થયા પછી જ કોઈ પગલું ભરવું જોઈએ. તેમણે એવો દુરાગ્રહ રાખ્યો કે વસ્તીનું ગણિત જોતાં વિલય એ શરત પર થવું જોઈએ કે આક્રમણકારીઓને રાજ્યમાંથી ખદેડી મૂક્યા પછી લોકમત સંગ્રહ લઇ, લોકોની ઈચ્છા મુજબ વર્તવું જોઇએ. મેનન ફરી વિમાન દ્વારા જમ્મુ ગયા અને જોડાણખત પર મહારાજાના હસ્તાક્ષર કરાવી પાછા આવ્યા. હવે કાશ્મીરનો ભારતમાં વિલય થઇ ગયો હતો. વિમાન દ્વારા તાત્કાલિક સૈનિકો મોકલવાનું નક્કી થયું. માઉન્ટબેટન અને ભારતીય સ્થળ, જળ અને વાયુ સેનાના ત્રણેય અંગ્રેજ સેનાપતિઓએ કહ્યું કે આ કાર્યમાં અનેક મુશ્કેલીઓ છે, પરંતુ પં. નહેરુ અને સરદાર પટેલ અડગ રહ્યા, અંતે વિમાન દ્વારા સૈનિકો મોકલવામાં આવ્યા. શ્રીનગર એરપોર્ટ પર એક બીજી મુશ્કેલી આવી. ઓક્ટોબર મહિનો હતો. એરપોર્ટ પર જોરદાર બરફ પડ્યો હતો. એરપોર્ટ પર લશ્કરી વિમાનોનું લેન્ડ થવું મુશ્કેલ હતું. શ્રીનગરની સ્થિતિ ભયાનક બની ગઈ હતી. મહારાજા પણ સુરક્ષાની દ્રષ્ટિએ જમ્મુ ચાલ્યા ગયા હતા.
એ સમયે જમ્મુ અને કાશ્મીર ખીણ પ્રદેશમાં આરએસએસનું કામ ઘણું હતું. બલરાજ મધોક આરએસએસના પ્રાંત પ્રચારક હતા. આરએસએસના સ્વયંસેવકો દેશ પર આફત હોય ત્યારે પ્રાણની પણ પરવા કરતા નથી. અહીં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક ઝડપથી શ્રીનગર એરપોર્ટ પર પહોંચી ગયા અને ભારતીય વિમાન ઊતરી શકે તે માટે અણીના સમયે તેમણે બરફ હટાવી દીધો. ભારતીય જવાનો આક્રમણકારીઓને ખદેડી રહ્યા હતા તે વખતે પણ સ્વયંસેવકો જોખમ લઈને જવાનોને મદદ કરતા હતા. એક વખત તો ભારતીય વિમાનોએ ફેંકેલી શસ્ત્રોની પેટીઓ જ્યાંથી પાકિસ્તાની સૈનિકો ગોળીબાર કરતા હતા ત્યાં નજીકમાં જ પડી. સ્વયંસેવકોએ દુશ્મનોના ગોળીઓની ચિંતા કર્યા વગર ત્યાં પહોંચી ગયા અને પેટીઓ ઉઠાવી લાવી ભારતીય જવાનોને સોંપી દીધી. પાકિસ્તાનીઓ વિરુદ્ધ ભારતીય જવાનોએ પરાક્રમ અને સૈનિક કુશળતાનો પરિચય કરાવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. નિઃસંદેહ તેમણે તેમની શ્રેષ્ઠતા સાબિત કરાવી દીધી હતી. 21 નવેમ્બર 1947ના રોજ પં. નહેરુએ એમનું વચન ફરી દોહરાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ કાશ્મીરમાં લોકમત સંગ્રહ કરાવવામાં આવશે. ડિસેમ્બર 1948ના છેલ્લા અઠવાડિયામાં સંયુક્ત રાષ્ટ્ર પંચે દિલ્હી અને કરાંચીનો પ્રવાસ કર્યો અને લોકમત સંગ્રહ માટે અમુક ઠરાવ રજૂ કર્યા. પાકિસ્તાન તો તેને સ્વીકારવા ટાંપીને જ બેઠું હતું. આપણું લશ્કર કાશ્મીરની ધરતી પરથી પાકિસ્તાની આક્રમણકારીઓને સંપૂર્ણ રીતે ખદેડી મૂકે તે પહેલાં જ પંડિત નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરી નાખી. પરિણામે આજ સુધી એક તૃતીયાંશ કાશ્મીર પાકિસ્તાની આક્રમકોના તાબામાં છે.
કાશ્મીરની ઘટના અંગે પોતાની સચોટ ટિપ્પણી કરતાં વી. પી. મેનને કહ્યું : ‘મહંમદ ગજની સમયથી લઈને અર્થાત્ લગભગ 800 વર્ષથી, મોગલકાળના થોડા સમયને બાદ કરતાં ભારત પર ઉત્તર – પશ્ચિમથી વખતો વખત આક્રમણ થતાં રહ્યાં છે. સ્વયં મહંમદ ગજનીએ 17 વખત આ આક્રમણોનું નેતૃત્વ લીધું હતું અને પાકિસ્તાન રૂપી નવા રાજ્યને બન્યાન હજુ દસ અઠવાડિયાં પણ થયાં નહોતાં ત્યાં તો તેણે પહેલું ઉત્તર – પશ્ચિમથી કબાયલી આક્રમણ કરી દીધું. એની માનસિકતા છે: આજ શ્રીનગર તો કાલે દિલ્હીનો વારો. જે રાષ્ટ્ર પોતાને ઈતિહાસ કે ભૂગોળને ભૂલી જાય છે તે પોતાના જ પગ પર કુહાડી મારે છે.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 394)
ભારત માટે માથાના દુખાવા જેવું બનેલું બીજું દેશી રાજ્ય હૈદરાબાદ હતું. પરંતુ સરદાર પટેલે એને પણ ઘૂંટણે ટેકવી દીધું.
|: ક્રમશ:|
©️kishormakwana