Spread the love

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘાટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને હો. વે. શેષાદ્રી જેવાની સમર્થ કલમે લકહયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોર મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરૂ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી આપ સાચા ઇતિહાસની સાચી હકીકતો જાણી શકો.

  • મુસ્લિમ તુષ્ટીકરણથી મુસલમાનોની અલગતાવાદની પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું

આપણા નેતાઓને અંગ્રેજોના ભાગલા કરવાના ષડયંત્રોની ખબર નહોતી એવું નથી અથવા મુસ્લિમ તુષ્ટીકરણથી મુસલમાનોની અલગતાવાદની પ્રવૃત્તિને ઉત્તેજન મળશે તેની ખબર નહોતી. કોન્ગ્રેસના બધા જ અગ્રણી નેતા આ વાત જાણતા જ હતા. પરંતુ તે ‘હિન્દુ – મુસ્લિમ એક્તા’ના મૃગજળ પાછળ દોડવાના લોભને રોકી શક્યા નહીં.

આપણાં નેતા અંગ્રેજોની છેતરપિંડીમાં ફસાઈ ગયા. અંગ્રેજો એવો રાગ આલાપતા રહ્યા કે હિન્દુ અને મુસલમાન મળીને કોઈ માન્ય પ્રસ્તાવ રજૂ કરે તો જ સત્તા સોંપીશું. ‘હિન્દુ – મુસ્લિમ એકતા સ્વરાજ્ય માટે અનિવાર્ય છે’ એવું આપણા નેતાઓનું રટણ અંગ્રેજોના રાગનું જ નવું વર્ઝન હતું. આ રીતે તેમણે સ્વતંત્રતા –સંઘર્ષના અભિયાનમાં મુસલમાનોના હાથમાં અધિકારો સોંપી દીધા અને તે રણનીતિના મોરચા પર તેમની હારનું કારણ બની.

રાષ્ટ્રજીવનમાં મુશ્કેલ ઘડીઓ આવતી રહે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી અખંડ- અતૂટ આસ્થા અને વિશ્વાસના આધાર પર તેનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે, પરંતુ સ્વતંત્રતા સમયે આપણા નેતાઓની સ્થિતિ આનાથી તદ્દન અલગ જ હતી. તેમની રાષ્ટ્ર પ્રત્યેની મૂળ આસ્થા જ અદ્રશ્ય થઈ ગઈ હતી. ભારતની એકાત્મ – સમરસ રાષ્ટ્રીયત્વની ભાવના આપણા નેતાઓના મનમાં ક્યારેય મૂળિયાં નાખી શકી નહોતી. તેમના મનના કોઇ અજ્ઞાત ખૂણામાં એવી ભાવના ઘર કરી ગઇ હતી કે મુસલમાન માનસિક રીતે જ અલગ ધાતુના બનેલા લોકો છે, તેમણે આપણા ભારતીય જીવનની મુખ્ય ધારા સાથે તાદાત્મ્ય સ્થાપવાનો ક્યારેય પ્રયત્ન જ કર્યો નથી.

. રાજેન્દ્રપ્રસાદે પ્રયત્નપૂર્વક એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હિન્દુઓ અને મુસલમાનો એક જ સામાજિક તાણા – વાણાથી જોડાયેલા છે. તે આપસમાં સમરસ છે, પરંતુ પાકિસ્તાન અંગેનો મુસ્લિમ લીગે જે ઠરાવ રજૂ કર્યો છે તેમાં આપેલા તર્કોના ખંડન બાબતે રાજેન્દ્રબાબુએ જે તર્ક આપ્યો છે તે ઉપરોક્ત વૈચારિક શૂન્યતાનાં કારણો સાથે મેળ ખાતો નથી.

ડો. રાજેન્દ્રપ્રસાદે કહ્યું છે: ‘યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રીય રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર એ જ રીતે ભાગલાનો ઉદ્દેશ્ય પણ અલગ – અલગ મુસ્લિમ અને હિન્દુ રાજ્યોની સ્થાપના કરવાનો છે, જેથી મુસલમાનો અને હિન્દુઓને પોતપોતાના રાજ્યમાં એમની પ્રકૃતિ મુજબ તેમના સાંસ્કૃતિક, આધ્યાત્મિક, આર્થિક અને રાજકીય જીવનનો વિકાસ અને ભવિષ્યનું નિર્માણ કરી શકશે. આ ઉદ્દેશ્ય પૂરો થાય તો તેમાં ગૂંચવાવાની જરાય જરૂર નથી, પરંતુ હિન્દુ અને મુસલમાન વસતી એટલા બધા પ્રમાણમાં ફેલાયેલી અને ભેગી છે કે દેશના કોઈ પણ ભાગમાં માત્ર હિન્દુઓનું કે માત્ર મુસલમાનોનું કોઈ સમરસ રાજ્ય બનાવી શકાય તેમ નથી. આવા રાજ્યમાં બીજા સમુદાયની ઉપેક્ષા ન થઈ શકે તેટલી લઘુમતી તો રહેવાની જ.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 24)‘….આથી હિન્દુઓ અને મુસ્લિમોનાં રાષ્ટ્રીય રાજ્ય બનાવી ભારતની સમસ્યાનું સમાધાન કરવામાં આવે અને બીજા સમુદાયને મોટી લઘુમતી બનાવી દેવામાં આવે એના કરતાં ભારતને એક ‘બીનરાષ્ટ્રીય રાજ્ય’ તરીકે, અત્યારે છે અને રહ્યું છે, એમ ટકાવી રાખવું સારું નહિ રહે ? મુસ્લિમ લીગે મુસલમાનો માટે અલગ રાષ્ટ્રીય રાજ્યની સ્થાપના માટે જે ઈચ્છા પ્રગટ કરી છે એ તો છ વર્ષ પણ જૂની નથી. આપણે જોઈશું તો ઈતિહાસને સેંકડો વર્ષ પાછો ધકેલનારી છે. આથી રાષ્ટ્રીય રાજ્યોની સ્થાપના કરવામાં આવે એ હેતુ ન રહેવો જોઈએ, પરંતુ ભારતમાં બીનરાષ્ટ્રીય રાજ્યોનાં મૂળ સુદ્દઢ કરવામાં આવે તેમજ એના બીનરાષ્ટ્રીય સ્વરૂપને નડતર હોય એવા પક્ષો કે એવી વાતોને પોષવામાં ન આવે એમ થવું જોઈએ. …લોર્ડ એક્ટનના આ કથનને ટાંકવાનો લોભ હું ખાળી શકતો નથી : ‘જે રાજ્યમાં વિવિધ- વિશિષ્ટ રાષ્ટ્રીયતાઓ હોય છે અને એનું દમન કરવામાં આવતું નથી એ રાજ્ય સૌથી વધુ સંપૂર્ણ હોય છે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 27)

ભાગલાના તર્કનું ખંડન ડૉ. રાજેન્દ્રપ્રસાદના આ વાક્યથી ન કરી શકાય કે ભારતમાં કોઈ એક રાષ્ટ્રીયતા નથી અને અહીં હિન્દુ અને મુસ્લિમ રાષ્ટ્રીયતાઓનું પરસ્પર મિશ્રણ છે. કારણ કે મુસલમાનોને તેમની કહેવાતી ‘રાષ્ટ્રવાદી’ આકાંક્ષાઓને અનુરૂપ સામે ચાલીને ‘રાષ્ટ્રીય’ ભવિષ્ય ઘડવાની ખૂલી છૂટ આપી દીધી ત્યારે તેનો અર્થ એ જ થાય કે તમે તેમને નિર્ણયનો અધિકાર આપી દીધો છે, એ પછી મુસલમાનોને એમ થાય કે તેમનું સર્વોત્તમ હિત સ્વતંત્ર રાષ્ટ્રીય રાજ્યમાં જ સધાશે તો એ પછી તેમને ‘ના’ કહેવાનો કોઈ નૈતિક આધાર આપણી પાસે રહેતો નથી. આત્મનિર્ણયના સિદ્ધાંતને પણ કૉંગ્રેસે અનેક વખત અધિકૃત રીતે સ્વીકાર્યો અને અંતે તેનું સમર્થન 1945ના ઠરાવમાં કરી દેવામાં આવ્યું. તેમણે કાયદાકીય રીતે તો અલગ મુસ્લિમ રાષ્ટ્રીયત્વની મુસ્લિમ લીગની માગણી સ્વીકારી નહોતી પરંતુ ‘હકીકત’માં તો આડકતરી રીતે તો તેને સ્વીકારી જ લીધી હતી.

ભાગલાની માંગણી આગળ ન ઝૂકવાની નીતિ અપનાવવા માટે એક અખંડ રાષ્ટ્રની ભાવના માટે અડગ રહેવાનો સંકલ્પ અનિવાર્ય હતો. શરૂઆતમાં જ આ મૂળ વૈચારિક પહેલા મોરચે જ આપણા નેતાઓએ પરાજય સ્વીકારી લીધો હતો અને મુસ્લિમ તુષ્ટીકરણના પ્રવાહમાં કૉંગ્રેસ લક્ષ્યથી તદ્દન ભટકી ગઈ.

બીજું, આપણા નેતા અંગ્રેજોની છેતરપિંડીમાં ફસાઈ ગયા. અંગ્રેજો એવો રાગ આલાપતા રહ્યા કે હિન્દુ અને મુસલમાન મળીને કોઈ માન્ય પ્રસ્તાવ રજૂ કરે તો જ સત્તા સોંપીશું. ‘હિન્દુ – મુસ્લિમ એકતા સ્વરાજ્ય માટે અનિવાર્ય છે’ એવું આપણા નેતાઓનું રટણ અંગ્રેજોના રાગનું જ નવું વર્ઝન હતું. આ રીતે તેમણે સ્વતંત્રતા –સંઘર્ષના અભિયાનમાં મુસલમાનોના હાથમાં અધિકારો સોંપી દીધા અને તે રણનીતિના મોરચા પર તેમની હારનું કારણ બની. આપણા નેતાઓને અંગ્રેજોના ભાગલા કરવાના ષડયંત્રોની ખબર નહોતી એવું નથી અથવા મુસ્લિમ તુષ્ટીકરણથી મુસલમાનોની અલગતાવાદની પ્રવૃત્તિને ઉત્તેજન મળશે તેની ખબર નહોતી. કોન્ગ્રેસના બધા જ અગ્રણી નેતા આ વાત જાણતા જ હતા, પરંતુ તે ‘હિન્દુ – મુસ્લિમ એક્તા’ના મૃગજળ પાછળ દોડવાના લોભને રોકી શક્યા નહીં. આ બધા નેતાઓની દેશભક્તિ બાબતે તો શંકાને સ્થાન નથી, પરંતુ તેમની નીતિ વ્યવહારની કસોટી પર ખરી ઊતરી નહીં અને ભારત માટે વિનાશકારી સાબિત થઈ.

વિદેશી લોકો કોઈ દેશમાં આક્રમક અથવા શરણાર્થી તરીકે આવીને નિવાસ કરે છે ત્યારે દેશને અખંડ, શક્તિશાળી અને સુરક્ષિત રાખવો હોય તો તેમણે ધીરે – ધીરે રાષ્ટ્રીય જીવનની મુખ્યધારામાં હળી – મળી જવું જોઈએ તો જ નવા નિવાસી શાંતિ અને સમૃદ્ધિનો ઉપભોગ કરી શકે છે. આથી કોઈપણ દેશના મૂળ નિવાસીઓનું સૌપ્રથમ કર્તવ્ય છે કે તે નવા આવેલા રહેવાસીઓને પોતાની મુખ્ય ધારામાં સમાવી લે. દુર્ભાગ્યે રાષ્ટ્ર જીવનના આ મૂળ નિયમની જ આપણે ઘોર ઉપેક્ષા કરી. આ અંગે આપણી નિષ્ફળતાનું થોડુંક વિસ્તારથી અહીં વિશ્લેષણ કરવું ઘણું ઉપયોગી થશે.

|: ક્રમશ:|

©️કિશોર મકવાણા


Spread the love