Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 85
• કિશોર મકવાણા 
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 85

  • અંતે કોંગ્રેસે ભાગલા માટે   મન બનાવી લીધું.
  • પં. નહેરુએ પણ લખ્યું છે: ‘અત્યાર સુધી એક વાત સ્પષ્ટપણે ઊપસી આવી કે અમારા થાકેલા – હારેલા નેતાઓ પર ઘડપણની અસર થવા લાગી હતી. હવે એ જેલમાં જવાથી કતરાતા હતા. અખંડ ભારતના સમર્થક થવામાં તો જેલ મળવાનું સંકટ હતું. આવું સંકટ કોણ લે ?
  • 8 માર્ચ 1947 ના દિવસે કોંગ્રેસની કારોબારીએ પ. જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના ટેકાથી એક ઠરાવ પસાર કર્યો. કોંગ્રેસના આ ઠરાવે મહંમદઅલી ઝીણાના બે રાષ્ટ્રના સિદ્ધાંતને એક રીતે મંજૂરી આપી દીધી. આ ઠરાવે ભારતની ભૂગોળ, ભારતના સમાજ અને ભારતીય રાજનીતિને તોડીફોડીને કાયમને માટે એક વિનાશકારી ભૂમિકા તરફ ધકેલી દીધી.
  • કોંગ્રેસના વલણ પછી  ઉત્તરના પ્રદેશોના વાતાવરણમાં જબરજસ્ત ગરમી આવી ગઈ. પંજાબ અને બંગાળના હિન્દુઓએ ભાગલાના વિરોધમાં ઝંડો ઊઠાવી લીધો. એમણે માંગણી કરી કે ભાગલાને સ્વીકારવામાં આવે તો એમના પ્રાંતોના પણ ભાગલા કરવા પડશે. હિન્દુ મહાસભાના નેતા ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ હિન્દુ જાગરણનું નેતૃત્વ લીધું.

વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના મુસ્લિમ મંત્રીઓની કુટિલ ષડયંત્રોથી સરદાર પટેલ ત્રાસી ગયા હતા. એમને લાગતું હતું કે મુસ્લિમ લીગ સાથે કામ કરવામાં આગળ જતા મુશ્કેલીઓ આવશે અને ડગલે ને પગલે ષડ્યંત્રોની હારમાળા ચાલતી રહેશે. રોજેરોજના ખટરાગ કરતાં જેમ બને તેમ અલગ થઈએ એ સારુ.કોઈપણ હેતુ માટે મુસ્લિમ લીગ સાથે મળીને કામ કરી શકાશે એવી કોઈ આશા પંડિત નહેરુને પણ હવે રહી નહોતી.  મુસ્લિમ લીગ કોઈ પણ વાત પર કૉંગ્રેસ સાથે સહમત નહીં થાય. તેઓ નિરાશ થઈ ગયા. એમને લાગ્યું કે હવે ભાગલા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. રાજેન્દ્રપ્રસાદનો પણ એ જ અભિપ્રાય હતો : ‘કાર્યકારિણી અને ખાસ કરીને તો કેન્દ્રીય મંત્રીમંડળના એમના સભ્યોએ ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો… એમણે એમ કર્યું કારણ કે દેશની તત્કાલીન સ્થિતિથી તેઓ કંટાળી ગયા હતા. તંગ આવી ગયા હતા. એમણે જોયું કે હુલ્લડો તો રોજની ઘટના બની થઈ ગયા. એનો કોઈ અંત નથી. સરકાર …. અસહાય જેવી છે. કારણ કે મુસ્લિમ લીગના મંત્રીઓ હંમેશા એમના માર્ગમાં રોડાં નાખે છે. વહીવટ કરવો અશક્ય બની ગયો છે.’  (રાજેન્દ્રપ્રસાદ : એટ ધ ફીટ ઓફ મહાત્મા, પૃષ્ઠ: 320-321)પં. નહેરુએ પણ લખ્યું છે: ‘અત્યાર સુધી એક વાત સ્પષ્ટપણે ઊપસી આવી કે અમારા થાકેલા – હારેલા નેતાઓ પર ઘડપણની અસર થવા લાગી હતી. હવે એ જેલમાં જવાથી કતરાતા હતા. અખંડ ભારતના સમર્થક થવામાં તો જેલ મળવાનું સંકટ હતું. આવું સંકટ કોણ લે ?અબુલ કમાલ આઝાદે ભાગલાના પ્રસ્તાવનો વિરોધ કર્યો, એ અહીં ઉલ્લેખનીય છે. એમના વિરોધનાં કારણો કાંઈક બીજાં જ હતાં. ‘મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે પણ છે કે ‘કૅબિનેટ મિશન’ યોજના સૌથી ઉત્તમ સમાધાન હતું…. સાંપ્રદાયિક નજરે પણ મુસલમાનો આના કરતાં વધુ સારાની આશા રાખી શકતા ન હતા. જે પ્રાંતોમાં એમની બહુમતી છે, ત્યાં એમને પૂરેપૂરી આંતરિક સ્વતંત્રતા મળી હોત. કેન્દ્રમાં પણ એમને જરુર કરતાં વધુ પ્રતિનિધિત્વ મળ્યું હોત.’ (મૌલાના આઝાદ : ઈન્ડિયા વીન્સ ફ્રીડમ પૃષ્ઠ: 184)મૌલાના આઝાદની મનઃસ્થિતિની સ્પષ્ટ ઝલક મુસ્લિમ લીગની વિભાજન પછીથી નીતિ અંગે એમણે કરેલી ટિપ્પણી પરથી જોવા મળે છે : ‘મુસ્લિમ લીગ લગભગ બધા મુસ્લિમ અધિકારીઓને ભારત બહાર લઈ જઈ રહી હતી. આ કામ કેવળ મૂર્ખામીભર્યું હતું, એટલું જ નહી પણ હાનિકારક હતું. હકીકતમાં એમાં મુસ્લિમોને જેટલું નુકશાન હતું એટલું ભારતને નુકશાન નહોતું. હવે તો ભાગલાને સ્વીકારી લેવામાં આવ્યા હતા  અને પાકિસ્તાન બનવા જઇ રહ્યું હતું. આથી નવા રાજ્યમાં મુસલમાનોને બધા પ્રકારની સવલતો મળશે એ સ્પષ્ટ જ હતું. એની સાથે જ કેટલાક મુસલમાનો ભારતની સેવામાં રોકાઇ ગયા હોત તો એમને કેવળ વ્યક્તિગત લાભ તો મળત જ સાથે સાથે સમગ્ર સમુદાયને પણ બહુ મોટો લાભ થયો હોત. કેટલાક જવાબદારીવાળા હોદ્દા પર મુસલમાનો રહ્યા હોત તો મુસ્લિમ સમુદાયનો આત્મવિશ્વાસ ટકી રહ્યો હોત અને એનાથી ઘણી બધી નકામી આશંકાઓ દૂર થઈ જાત. મુસ્લિમ લીગે હઠ કરીને કેટલું મૂર્ખામીભર્યું કામ કર્યું છે એ તો હું બતાવી ગયો છું. મુસ્લિમ લીગનો મુસ્લિમ અધિકારીઓ પ્રત્યેનો વ્યવહાર એ મૂર્ખામીનું એક ઉદાહરણ છે.’ (મૌલાના આઝાદ : ઈન્ડિયા વીન્સ ફ્રીડમ પૃષ્ઠ: 204) ટૂંકમાં મૌલાના આઝાદ બંને હાથમાં લાડું ઇચ્છતા હતા. આખરે કોંગ્રેસે પાકિસ્તાનની માગણી માટે મૌન સંમતિ આપી દીધી. કોંગ્રેસને ભાગલા અનિવાર્ય લાગી રહ્યા હતા8 માર્ચ 1947 ના દિવસે કોંગ્રેસની કારોબારીએ પ. જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના ટેકાથી એક ઠરાવ પસાર કર્યો, જેમાં બીજી ઘણી બાબતો ઉપરાંત કહેવામાં આવ્યું હતું: ‘…(પંજાબની) આ ત્રાસજનક ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં બળજબરી અને હિંસાથી સમસ્યાઓનો નિકાલ થઇ શકે નહીં અને બળજબરીથી થયેલી સમજૂતી ટકી શકે જ નહીં, એટલા માટે ઉકેલ શોધવો જરુરી છે જેમાં ઓછામાં ઓછુ એક ફરજિયાતપણું હોય.આનાથી પંજાબના બે રાજ્યોમાં ભાગલા અનિવાર્ય થઇ જાય, જેનાથી મુસ્લિમ વસતિવાળો ભાગ બિનમુસ્લિમ વસતિવાળા ભાગથી અલગ થઇ જાય.’છેવટે કોંગ્રેસના આ ઠરાવે મહંમદઅલી ઝીણાના બે રાષ્ટ્રના સિદ્ધાંતને એક રીતે મંજૂરી આપી દીધી. આ ઠરાવે ભારતની ભૂગોળ, ભારતના સમાજ અને ભારતીય રાજનીતિને તોડીફોડીને કાયમને માટે એક વિનાશકારી ભૂમિકા તરફ ધકેલી દીધી. કોંગ્રેસ પાર્ટીના આ વૈચારિક પતન અને વ્યવહારની દુર્બળતા પર એક ખૂબ જ દુ:ખદ ટીપ્પણી છે- જેણે 30 વર્ષ પહેલા બંગાળના ભાગલાના વિભાજનનો મક્કમતાથી વિરોધ કર્યો હતો તે કોંગ્રેસ હવે ભારતના ભાગલાની શરુઆત કરનારી બની ગઇ.કોંગ્રેસે આ ઠરાવ પસાર કર્યો તે તારીખ કમનસીબ એટલા માટે હતી કે તે દિવસોમાં ગાંધીજી મુસ્લિમ રમખાણોથી દુ:ખી લોકોને મલમ લગાવવાના પોતાના મિશન માટે બિહારમાં હતા. ગાંધીજીએ સરદાર પટેલ અને પં. નહેરુને પત્ર લખીને આ ઠરાવનું કારણ પૂછ્યું. સરદાર પટેલે જવાબમાં લખ્યું કે, ‘આપને પંજાબના ઠરાવની વ્યાખ્યા કરીને સમજાવી શકવાનું મુશ્કેલ છે, પરંતુ તે ખુબ સમજી વિચારીને અને ચર્ચા કરીને પસાર કરવામાં આવ્યો હતો. અમને સમાચારપત્રો દ્વારા જ જાણકારી મળી કે આપે આ ઠરાવની વિરુદ્ધ આપના વિચારો વ્યક્ત કર્યા છે, પરંતુ આપને જે સાચું લાગે તે કહેવાનો પૂરો અધિકાર છે.’ પં. નહેરુનો જે જવાબ હતો એ તો સાવ લૂલો અને તર્ક વગરનો હતો.કોન્ગ્રેસના વલણ પછી  ઉત્તરના પ્રદેશોના વાતાવરણમાં જબરજસ્ત ગરમી આવી ગઈ. પંજાબ અને બંગાળના હિન્દુઓએ ભાગલાના વિરોધમાં ઝંડો ઊઠાવી લીધો. એમણે માંગણી કરી કે ભાગલાને સ્વીકારવામાં આવે તો એમના પ્રાંતોના પણ ભાગલા કરવા પડશે. હિન્દુ મહાસભાના નેતા ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ હિન્દુ જાગરણનું નેતૃત્વ લીધું. પૂર્વ પંજાબ અને પશ્ચિમ બંગાળને ભારતથી અલગ પાડવામાં  ન આવે એવી એમની માગણી હતી. પંજાબના ભાગલા બાબતે શીખોની માગણી એવી હતી કે એમની કોઈપણ રીતે અવગણના કરી શકાશે નહિ. પંજાબ અને બંગાળની કોન્ગ્રેસની પ્રાંતીય સમિતિઓએ પોતપોતાના પ્રાંતોના ભાગલાના સમર્થનમાં અવાજ ઊઠાવ્યો. 20 એપ્રિલના દિવસે એક સાર્વજનિક ભાષણમાં પં. નહેરુએ ઘોષણા કરી કે મુસ્લિમ લીગ ભારતના બીજા ભાગો જે પાકિસ્તાનમાં જોડાવા ઈચ્છતા નથી એની માગણી ન કરે તો લીગને પાકિસ્તાન મળી શકે છે.’પં. નહેરુએ આવી ખતરનાક જાહેરાત શા માટે કરી હશે? ભાગલા એક હકીકત બની ગયા હતા અને હવે તો કેવળ એની વિગતવાર જાણકારી મળવાની જ બાકી રહી હતી કે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભાગલા થશે? ભાગલાની રેખા ક્યાંથી પસાર થશે ?28 એપ્રિલના દિવસે બંધારણ – સભાના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદે સભા અધ્યક્ષ સમક્ષ એક અધિકૃત ઘોષણા કરી : આપણે 16 મે 1946ના ‘કૅબિનેટ મિશન’ના વક્ત્વ્યને સ્વીકારી લીધું છે. એમાં દેશના વિભિન્ન પ્રાંતો અને રાજ્યોના સંઘની પરિકલ્પના કરવામાં આવે છે; પરંતુ બધા જ પ્રાંતો સંઘમાં સામેલ ન થાય એવું પણ બની શકે છે. દુર્ભાગ્યે આવી સ્થિતિ પેદા થાય તો આપણે દેશના એક ભાગ માટે બંધારણ ઘડી સંતોષ માનવો પડશે. આ દશામાં આપણે આગ્રહ કરી શકીએ અને કરવો પણ જોઈએ કે દેશના બધા માર્ગો પર એક જ સિદ્ધાંત લાગુ પડશે અને કોઈ કોઈ ન ઇચ્છતા ભાગ પર કોઈ બંધારણ ઠોકી બેસાડી શકાશે નહિ. શકય છે કે આ ગૃહે કેવળ ભારતના જ ભાગલા નહીં, પરંતુ કેટલાક પ્રાંતોના ભાગલા માટે પણ તૈયાર રહેવું પડશે.’ (કોન્સ્ટિટ્યૂટ એસેમ્બલી ડિબેટ્સ ખંડ-3, પૃષ્ઠ 366-367)
આશા હતી એ પ્રમાણે પંજાબ અને બંગાળના ભાગલાની જોર પકડતી માગણી અંગે મહંમદઅલી ઝીણા જોરદાર ખળભળી ઊઠ્યા. એમણે આ સ્થિતિમાં બીજા પ્રાંતના ભાગલાની પણ માગણી કરશે એવી ધમકી આપી. મુંબઈ અને ઉત્તરપ્રદેશની મુસ્લિમ લીગની સમિતિઓએ પ્રસ્તાવ પસાર કરી એ પ્રાંતોનાં મુસ્લિમ બહુમતી ક્ષેત્રોને આત્મનિર્ણયનો અધિકાર આપવા માંગણી કરી. એના જવાબમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે તર્ક રજૂ કર્યો કે પંજાબ અને બંગાળના ભાગલાની માગણી લીગના લાહોરના પ્રસ્તાવ અનુસાર છે. એમાં માગણી કરવામાં આવી હતી કે ‘મુસ્લિમ બહુમતીવાળાં અને પરસ્પર પાસેનાં ક્ષેત્રોને અલગ કરવામાં આવે.’ જે ક્ષેત્રો અડીને આવેલાં નથી કે મુસ્લિમ બહુલ નથી, એ ક્ષેત્રો માટે લીગ ક્યારેય પણ પાકિસ્તાન માટે માગી શકે નહિ. લગભગ આ જ સમયે મહંમદ ઝીણાએ એક નવી માગણી રજૂ કરી કે પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનને જોડતી લગભગ 800 માઈલ લાંબી સાંકડી પટ્ટી એમને આપવામાં આવે. આ વાતના સમર્થન માટે મુસ્લિમ લીગના વાંજિંત્ર જેવા ‘ડોને’ દૈનિકે જોરદાર અભિયાન ચલાવ્યું. મહંમદઅલી ઝીણા પોતે પણ સારી રીતે સમજતા હતા કે આ અવળચંડી માગણીને કૉંગ્રેસ કે અંગ્રેજ બેમાંથી કોઈ પણ સ્વીકારે એવી કોઈ સંભાવના લેશમાત્ર પણ નહોતી. મહંમદઅલી ઝીણાએ આ પ્રચારનો આ પ્રપંચ કેવળ એટલા માટે ફેલાવ્યો હતો કે સોદાબાજી કરતી વખતે એમની માગણીને બળ મળે અને ભાવી પાકિસ્તાની ક્ષેત્રો સિવાયના મુસલમાનોનો પણ ટેકો મળી રહે. દેશની સ્વતંત્રતા બારણાં ખખડાવી રહી હતી. એટલે કેટલાક પ્રાંતોએ પણ એના માટે કકળાટ શરુ કરી દીધો. પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં સ્વતંત્ર પખ્તૂનિસ્તાનની અને પંજાબમાં શીખો માટે ‘ખાલિસ્તાન’ની માગણી થવા લાગી. બંગાળના મુખ્યમંત્રી સુહારવર્દી મહંમદઅલી ઝીણાની નજરમાંથી ઊતરી ગયા હતા અને ભાવિ પાકિસ્તાનમાં એમના માટે હોદ્દાની કોઈ સંભાવના ન હતી. એમણે સાર્વભૌમ સંપન્ન, સ્વાધીન અને અખંડ બંગાળનું સૂત્ર પોકાર્યું. બંગાળના ડાબેરી કૉંગ્રેસી નેતા શરદચંદ્ર બોઝે પણ એમના સૂરમાં સૂર પુરાવ્યો, પરંતુ દેશના પ્રમુખ બે પક્ષો કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે આ માગણી તરફ તદ્દન દુર્લક્ષ સેવ્યું. આ માંગણીનું ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું.બીજી તરફ ભાગલાના ભણકારા વચ્ચે 2 મે 1947ના રોજ લોર્ડ ઇસ્મે અને જ્યોર્જ એબેલ ભારતની સ્વતંત્રતા માટેની લોર્ડ માઉન્ટબેટનની પ્રથમ યોજના સાથે લંડન તરફ રવાના થયા.
|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love